શ્રીજીમહારાજ કચ્છના ગામ તેરાથી ચાલ્યા તે ગામ કાળાતળાવમાં રવજીભાઇ સુતાર ને ઘેર સાંજની વખતે આવીને વિરાજમાન થયા.
Gujarati
કાળાતળાવના રવજીભાઇ અને ઉંદરનો પ્રસંગ
શ્રીજીમહારાજ કચ્છના ગામ તેરાથી ચાલ્યા તે ગામ કાળાતળાવમાં રવજીભાઇ સુતાર ને ઘેર સાંજની વખતે આવીને વિરાજમાન થયા. એ સમેં રવજીભાઈનાં ઘરનાં માણસ પોતાની સાસુ સાથે એક બાજુ ઓરડામાં બેઠાં હતાં. તે સમયે અચાનક એક ઉંદર આવ્યો. તેને દેખીને તે બાઇ એકદમ ઊઠીને નાઠાં. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા જે, આ ઉંદરથી જ્યારે બીઓ છો તો યમના દૂત આવશે ત્યારે કેમ કરશો ? ત્યારે તે બાઇ બોલ્યાં જે, હે મહારાજ ! અમને તમે મળ્યા છો પછી મારા રોયા જમના દૂત તે વળી શું કરવાના છે ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જો અમારો આવો જ નિશ્ચય કાયમ રાખશો તો જમ નહીં આવે. એમ કહીને ઘરમાં જઇને જમવા બેઠા. તે બાઇએ હેતે સહિત તે બાજરાનો રોટલો અને થીણું ઘી અને ગોળ આપ્યો, જે જમીને થોડીવાર આરામ કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ શ્રીમાંડવીબંદર આવ્યા.
ત્યાં માંડવી માં ખૈયાખત્રી વગેરે ભકતોને ત્યાં એક માસ રહીને સર્વે સત્સંગીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને સ્વધર્મ સંબંધી વાર્તા કરી તથા પોતાના સ્વરૂપને સમજવાની વાત બહુવિધ કહી સમજાવી જે, હે હરિભક્તો ! હું સર્વે અવતારનો અવતારી અને અક્ષરધામનો નિવાસી છું તે તમારા સુખને માટે કૌશલ દેશમાં છપૈયા ગામમાં ભક્તિ-ધર્મથી જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર તીર્થાટન કરતો કરતો સાત વર્ષ સુધી વનવિચરણ કરતા કરતા અહીં આવ્યો છું. તે માટે મારી મૂર્તિનું ધ્યાન-ભજન કરીને જીવ જન્મ-મરણનાં તથા ગર્ભવાસનાં દુઃખથી રહિત થઇ જાય છે. આવો મારો મહિમા સમજીને મારું નિરંતર ભજન કરજો. એવી રીતે ઘણીક વાર્તા કરીને ત્યાંથી ચાલ્યા તે વચમાં ગામ દહીંસરાની વાડી કૂઇ થઇને હરિ-સરોવરમાં સ્નાન કરીને તથા જલપાન કરીને ત્યાં ચાર ઘડી વિરામ કરીને પાછા ગામમાં હરિભક્તોને દર્શન દઇને ભુજનગર પધાર્યા અને ગંગારામભાઇને ઘેર મેડી ઉપર ઉતારો કર્યો અને સર્વે સત્સંગીઓએ આવીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યા.
- શ્રીકચ્છલીલા અધ્યાય ૫૯માંથી….
🙇🏻♂️🙏