એક સમયે રવજી સુતારને મહારાજે પૂછ્યું જે, ‘કેમ રવજીભગત, હવે તમે વર્તમાન પાળો છો ?’ ત્યારે રવજીએ હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો મારે ગુરુ મળ્યા છે, તે હવે ક્યાંથી વર્તમાન લોપાય ?’

Gujarati

રવજી સુતાર અને શ્રીજી મહારાજ

એક સમયે રવજી સુતારને મહારાજે પૂછ્યું જે, ‘કેમ રવજીભગત, હવે તમે વર્તમાન પાળો છો ?’ ત્યારે રવજીએ હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો મારે ગુરુ મળ્યા છે, તે હવે ક્યાંથી વર્તમાન લોપાય ?’ ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘તમને કોણ ગુરુ મળ્યા છે ?’ ત્યારે રવજીએ કહ્યું જે, ‘મને તો મારી સ્ત્રી ગુરુ મળી છે.’ ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘તે કેમ ?’ ત્યારે રવજીએ કહ્યું જે, ‘હે મહારાજ ! હું જ્યારે સત્સંગ મૂકીને ગયો ત્યારે મેં મારી સ્ત્રીને કહ્યું જે, ચાલ હવે આપણે મનગમતું ખાવું-પીવું છે. ત્યારે મારી સ્ત્રીએ કહ્યું જે, ‘તમારે ખાવું હોય તો ખાઓ, પણ હું તો સત્સંગ નહીં મૂકું. ને જો તમે માંસ-મદિરા લેશો તો હું દેહ ત્યાગ કરીશ.’ એવી તેની મક્કમતા જોઈને મારે પણ સત્સંગમાં રહેવું પડ્યું. માટે એ મને ગુરુ મળી છે.’

ત્યારે શ્રીજીમહારાજ બહુ હસ્યા. અને કહ્યું જે, ‘એ તો તને ગુરુ મળી છે. હવે અમે કોઇ દિવસ તને પરમહંસ બનાવશું, તેથી તમને કોઇ દિવસ નહીં સાંભરે.’ એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, રવજીભગત, તમે મોરે સત્સંગમાં ફરતા ત્યારે જમ્યાનું કેમ કરતા ? ત્યારે રવજીએ કહ્યું જે, સવારમાં તો મોતીયા, જલેબી, દૂધ, પેંડાનું ટીમણ કરતા, ને પછી મધ્યાહ્ને હરિભક્તને ઘેર જમવા જાતા. ત્યાં પાકી રસોઇ થાય, તે પાક, શાક, અથાણાં, એ રીતે જમતા. ને સાંજે દૂધ, સાકર ને ચોખા, એ રીતે સાંજે જમતા. પછી મહારાજે કહ્યું જે ‘જુવોને, ખાવાનું આવું સુખ હતું તે સત્સંગ મુકતા તે પણ ન રહ્યું.’ એ દિશની ઘણીક વાત કરી. પછી થોડીવારે શ્રીજીમહારાજ જમવા પધાર્યા ને જમીને ઢોલિયા ઉપર પોઢી ગયા.

  • શ્રીપુરષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૩૬ માંથી….

🙇🏻‍♂️🙏