એકસમયે શ્રીહરિ ગામ ભચાઉમાં હરિભકત શાહ વાઘાને ઘેર ઉતર્યા. એમના ઘરે ભાવથી બનાવેલ થાળ જમીને ત્યાંથી ઘણાક મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા સારુ દરબારમાં પધાર્યા હતા.
Gujarati
ભચાઉનો ફકીર અને રામચંદ્રજીનું સ્વરૂપ
આજનું ચરિત્રઃ ૧૮-૦૨-૨૦૨૩
એકસમયે શ્રીહરિ ગામ ભચાઉમાં હરિભકત શાહ વાઘાને ઘેર ઉતર્યા. એમના ઘરે ભાવથી બનાવેલ થાળ જમીને ત્યાંથી ઘણાક મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા સારુ દરબારમાં પધાર્યા હતા. ગામમાં સારા મુમુક્ષું માણસો હતા તેમણે એમ કહ્યું જે, ‘આ સ્વામિનારાયણ જે જીવન્મુક્ત કહેવાય છે એ હાલ દરબારમાં ઉતર્યા છે તે આપણે સર્વે ચાલો વાતો સાંભળીએ ને એને પ્રશ્ન પૂછીએ, એ ભગવાન કહેવાય છે તે કાંઇક પરચો પણ માંગશું. તે જો ભગવાન હશે તો જણાશે. વળી આપણા ગામમાં ફકીર બહુ ડાહ્યો છે તેને સાથે લઇએ.’ પછી તે ફકીરને લઇને સહું માણસો ભેળા થઇને દરબારમાં ગયા. તે સર્વે જણ નાળિયેર લઇને શ્રીહરિની આગળ ભેટ મૂકી પગે લાગીને સન્મુખ બેઠાં. ગામના પટેલ ખીમાએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! આ અમે સર્વે વાતું સાંભળવા આવ્યા છીએ તો વાતું કરો. ત્યારે શ્રીજીમહારાજે મયારામ ભટ્ટને કહ્યું જે, વાતો કરો. ત્યારે તેમણે કહ્યું જે, ભટ્ટની વાતું તો અમે આખી ઉંમર સાંભળી છે. અને અમો તો મહારાજની વાતું સાંભળવા આવ્યા છીએ. તે તમે વાતું કરો. પછી શ્રીજીમહારાજે ભગવાન ભજવાની વાતો બહુ પ્રકારે કરી અને સહુને ઉપદેશ દીધો. પછી તે લોકોએ કહ્યું જે, હે મહારાજ ! તમે સમાધિ કરાવો છો તે અમે બીજા પાસે સાંભળીને સમાધી જોવા આવ્યા છીએ. તો અમને સમાધિ કરાવો. તે સુણીને નિર્લોભાનંદ સ્વામી જે (જેરામ ભક્ત) તે દિવસે ધોળે લુગડે ઘેર હતા, તેને મહારાજે કહ્યું જે, “જેરામભકત, તમે એકાંતે બેસીને ધ્યાન કરો તો સમાધિ થાય.” તે એકાંતે જઇને ધ્યાન કરવા બેઠા. થોડીવારે તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે, તમે ધ્યાનમાં શું દીઠું ? ત્યારે તે જેરામભક્તે કહ્યું જે, બે બાઇઓ વઢતી હતી. તેમાં મારું મન ગયું હતું. તે માટે મેં તો કાંઇ દીઠું નથી. ત્યારે શ્રીહરિ હસ્યા અને કહ્યું જે, ‘તમે તો ખીચડીને કાંકરા ભેળા કરીને જમો છો. તે ખીચડીનો સ્વાદ ક્યાંથી આવે ?’ ત્યારે જેરામભક્તે કહ્યું જે, “હે મહારાજ ! તમે તો ઇશ્વર ના ઇશ્વર છો. તે તમારી પાસે ખીચડીને કાંકરા જુદા કરવા સારુ આવ્યા છીએ તો તે જેમ જુદા થાય તેવી રીતે બતાવો.” ત્યારે મહારાજે કહ્યું જે, તમારે કયા દેવની ઉપાસના છે ? ત્યારે ભક્તે કહ્યું જે, અમારે તો પ્રભુ રામચંદ્રજીની ઉપાસના છે. ત્યારે મહારાજે કહ્યું જે, રામચંદ્રજીની મૂર્તિ ક્યાંય જોઇ છે ? લ્યો અમે તમને રામચંદ્રજી બતાવીએ. તે આવા હતા. તે મૂર્તિનું ધ્યાન કરવું.
એમ કહીને શ્રીજીમહારાજે પોતાનાં સર્વે અંગ બતાવ્યાં. તેમાં પ્રથમ તો ચરણારવિંદ સોળે ચિહ્ન સહિત દેખાડ્યાં. જે પ્રભુ રામચંદ્રજીનાં ચરણારવિંદ સોળે ચિહ્ન ઉર્ધ્વરેખાઓ સહિત આવાં જ હતાં. તે જુઓ, પિંડીને ઢીંચણ ને સાથળ તે પણ આવી જ હતી. ને પેટ, છાતી, તે પણ આવી ને આવી જ હતી. ને મુખારવિંદ ને નેત્ર ને નાસિકા, મસ્તક તે પણ આવાં ને આવાં જ હતાં. ને રામચંદ્રજીનું સ્વરૂપ પણ આવું જ હતું. તે અંગ ધારીને ધ્યાન કરવું. તે વાત સાંભળીને ભક્તે કહ્યું જે, હે મહારાજ ! જેવી રીતે તમે ધ્યાન કરવાનું કહ્યું તેવી રીતે ધ્યાન કરનારાને એ સુગમ માર્ગ છે. એમ કહીને પગે લાગીને ઊઠ્યા. એ વખતે ગામનો ફકીર જે ભેળો આવ્યો હતો તેને ગામજનોએ પૂછ્યું જે, તમે શું નિર્ધાર કર્યો ? ત્યારે તે ફકીરે કહ્યું જે, હું અમારા પીર, ફકીર ને ઓલીયા તેને દર્શને જ્યારે જાઉં ત્યારે મારી લાકડીને લગારેક પૃથ્વી ઉપર પછાડું તો જેમ બંદુકનો ભડાકો થાય તેમ ભડાકો થાય છે. અને ‘સ્વામિનારાયણ’ આગળ તો મેં ત્રણ વાર લાકડી પછાડી તો પણ લગારેય બોલી નહિ. તે ‘સ્વામિનારાયણ’ તો હિંદુ છે ને તમે પણ હિંદુ છો. માટે તમે ગમે તો માનો અથવા ન માનો પણ મારી લાકડી ‘સ્વામિનારાયણ’ આગળ બંધ થઇ ગઇ, તે જોઇને મને અતિ આશ્ચર્ય લાગ્યું. માટે મને અલ્લા બોલાવે છે જે, ‘સ્વામિનારાયણ’ તો નિશ્ચે ખુદા છે. તે મને તો પરચો આપ્યો. થોડીવારે તે સર્વે મનુષ્ય પગે લાગીને ઘેર ગય, ત્યારે શ્રીહરિએ અખંડાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, ‘આ ગામમાં મુમુક્ષુ ઘણા છે અને સત્સંગ થાય એવું છે. તે માટે તમે દશ દિવસ અહીં રહીને સર્વને વાતું કરો. અમારે ભુજ જાવું છે તે આજ ચાલશું.’ એમ કહીને શ્રીજીમહારાજ ચાલ્યા ને અખંડાનંદ સ્વામી ભચાઉ ત્યાં રહ્યા. ને જે મનુષ્ય મહારાજને દર્શને આવ્યા હતા ને પ્રશ્ન પૂખ્યા હતા અને સમાધિ કરાવ્યાનું કહ્યું હતું, તે સર્વે સ્વામી પાસે સત્સંગી થયા.
અખંડાનંદ સ્વામીને તે સત્સંગીઓએ કહ્યું જે, “શ્રીજીમહારાજે અમારા ઉપર દયા કરીને અમને કહ્યું જે, રામચંદ્રજીનું સ્વરૂપ આવું હતું. એમ કહીને પોતાનાં ચરણારવિંદ સોળ ચિહ્ન સહિત દેખાડ્યાં ને પિંડી, ઢીંચણ, સાથળ, ઉદર, છાતી, મસ્તક, નાસિકા, કાન ને નેત્ર એ સર્વે અંગો બતાવ્યાં, પણ અમને એ વાત સમજ્યામાં ન આવી. અને જ્યારે તમારી વાતો સાંભળીને સત્સંગ કર્યો ત્યારે એ વાત હવે અમને સમજ્યામાં આવી. પ્રભું રામચંદ્રજી તથા શ્રીકૃષ્ણાદિક અવતારના ધરનારા શ્રીજી મહારાજ છે, તે અમારા ઉપર કૃપા કરીને તમને અહીં મૂકી ગયા. તે તમે અમને કાળના મુખમાંથી કાઢ્યા. નહિ તો સંસાર સમુદ્રરૂપ પ્રવાહમાં ક્યાંય તણાઇ જાત, ને અમે અમારો આ મનુષ્યનો દેહ કેવળ વૃથા ખોઇ નાખત ને યમનો માર ખાઇને મરી જાત. લખ ચોરાસીમાં ફરતાં પાર ન આવત. માટે શ્રીજીમહારાજે અમારી ઉપર બહુ જ કૃપા કરીને સત્સંગ કરાવ્યો. હવે તો કલ્યાણનો નિશ્ચય થયો. જે અમારું કલ્યાણ થયું તે સર્વ પ્રતાપ શ્રીજીમહારાજનો છે.”
- શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૨૫માંથી…..
🙇🏻♂️🙏