બાબરીયાવાડના ડેડાણ પાસેના ગામ ફાચરીયામાં જેઠુંરઆપા નામે એક સત્સંગી આહીર ખેડૂત હતા. તેઓ એ વિસ્તારના ખમતીધર ખેડું ને દુખીયાના બેલી સમાન હતા.

Gujarati

જેઠુંરઆપા (ફાચરીયા) અને સ્વામિનારાયણ ભગવાનના રખોપાં

બાબરીયાવાડના ડેડાણ પાસેના ગામ ફાચરીયામાં જેઠુંરઆપા નામે એક સત્સંગી આહીર ખેડૂત હતા. તેઓ એ વિસ્તારના ખમતીધર ખેડું ને દુખીયાના બેલી સમાન હતા, સૌ કોઇને અર્ધી રાત્યનો હોંકારો હતા. જેઠુંરઆપા સાધુ-સંતો અભ્યાગતો ને કાયમ જમાડીને જમવાના આગ્રહી હતા. એ પંથકમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામીના સત્સંગ પ્રવર્તનથી સહું કોઇ સત્સંગ ગ્રહણ કરીને ઉજળા જીવન જીવતા હતા. જેઠુંરઆપા પણ શ્રીહરિને વિશે અતૂટ નિષ્ઠા ધરાવતા, પોતાના જાડા લૂગડાં પણ સમજણ જીણી હતી. અખંડ માળા કરતા કરતા ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…!’ એમ ભજન કર્યા કરતા. તેઓ પોતાને ત્યાં કામે આવેલા મજૂરો કે સાથીઓને પણ સત્સંગની વાતો કરી કરીને વ્યસનો મોકલાવતા ને માનવજીવન ની દુર્લભતાની વાતો કરતા.

એકસમયે એના દિકરા કાંધાભાઇ ના દિકરા રાજાના લગ્નની ઘડી આવી, ગામમાં અને નાત્યમાં પોતે મોટેરા એટલે એમના દિકરાના લગ્ન માં સહું કોઇને સાગમટે જાનનું નોતરું દીધેલ હતું. સૌ કોઇ સગા-વહાલા અને ગામજનોને અતિ ઉત્સાહ હતો. દિકરા રાજા આહીર ને પરણાવી આવીને જાન પાછી આવી ને ધામધૂમથી જાનના સામૈયા વગેરે થયા. સૌ કોઇ પ્રસંગના થાકને લીધે વહેલાસર વાળુંપાણી કરીને જેને જે કાંય પાગરણ મળ્યા એની સોડ્ય કરીને સુઇ ગયા હતા.

જાણે લગ્નના દહ-બાર દિવસની સહું શોરબકોર શાંત થઇને આખુંય ઘર રાત્રીના અંધકારમાં સુનકાર બનીને લપાઇ ગયું હતું. મે’માન થઇને આવેલ આહીરાણીઓએ સુતા પહેલા પોતાના શરીરે થી ઘરેણાને ઘરધણી કાળીઆઇને ઉતારી ઉતારીને દીઘા. કાળીઆઇએ પોતાના ઘરેણા હારે સહું મે’માનના ઘરેણાઓના દેગડાં ભરી ને પટારામાં મુકયા. શિયાળાની મધરાતનો મઝર ભાંગ્યો છે, ને ક્યાંક ક્યાંક સીમમાં શીયાળીયાવ લાળી કરે છે, તમરાંના તમમમમ તમમમમ અવાજો સંભળાય છે. શિયાળાની ટાઢયમાં સૂમસામ નિરવ શાંતિ પ્રસરેલી છે. આ વખતે જેઠૂંરભાઇના ઘરની પાછલી પછીતને મોહરીયા બાંધેલા ડેડાણ ગામના ચાર કાઠીઓએ વરાંના ઘરેણાંની ચોરી કરવાની લાલચે કોતરવા માંડી. બાકોરું પાડીને ઘરમાં ખાતર પાડવા સારું એ ચારેય જણાએ મેલી મુરાદથી રાત્યનો ઉજાગરો માંડ્યો હતો. થોડીવારે એક ગાબડું પડ્યું ત્યાં તો એમાથી દેશી બાજરાની ધારાવડી થઇ ત્યારે ચોરોને થયું કે દિવાલમાં કાણું પાડતા આડી બાજરાની કોઠી આવી છે, એટલે બે હાથ આઘેરાક વળી બીજું બાકોરું પાડવું શરું કર્યું. અડધાક કલાકની મહેનતે વળી ન્યાં દીવાલમાં બાકોરું પાડીને લાંબા થઇને એક જણાએ ઘરમાં જયાં નજર કરી ત્યાંતો એ જોનારની આંખ્ય પહોળી થઇ ગઇ. એણે બીજા ત્રણેય ને ઇશારો કરી ને જોયું ત્યાં તો એ ઘરમાં દીવાના ટમટમતાં અંજવાળામાં છ હાથ પુરા કાંઠાળા, મોટી કાળી લાંબી મુંછો ને માથે પાઘડીવાળા બે પુરુષો પટારા પાહે બેઠા બેઠા માળાં ફેરવતા હતા. આ ચારેય ચોરોને મનની મનમાં રહી ગઇ. થોડીવાર વાટ જોઇ પણ રાતની મહેનત ફોગટ જતી જોઇ ને પોતાના હથીયારો હાથ વગા કર્યા ને આઘેરાક સીમમાં જઇને પોતાના બાંધેલ ઘોડે અસવાર થઇને ચાલ્યા ગયા.

રાત વીતીને સવાર થયું ને સુરજનારાયણ ઉગમણી દીશે પ્રગટ થવા ટાંણે મોસૂંજણું થયું ને ઘરની બાઇઓ વલોણા-ઘંટીએ વળગીયું, શીરામણ સારું સૌ કોઇ વહેલા જાગ્યા. ગોવાળો પહોર પોતાના ગાયું-ભેંહું ને બળદને પહોર ચારીને ગામભણી પાછા આવતા હતા. કોઇએ જેઠુંરઆપાની પાછલી પછીતે બાકોરું જોયું એટલે સહુંને જાણ કરી. ગામમાં તો તરતજ વાયુંવેગે વાત્ય વહેતી થતા સહું કોઇ આવવા લાગ્યા. જેઠુંરઆપા નાહી-ધોઇને ઓહરીમાં ઠાકોરજીની પુજા કરવા બેહતા હતા ત્યાં એમને કોઇએ કહ્યું તો જેઠુંરઆપા બોલ્યા કે “જેવી મારા મહારાજની મરજી, મારા ઘરે ખાતર પડ્યું..! આટલા ઝીંદગીના વરહ માં શ્રીજીમહારાજની શીક્ષાપત્રી ક્યારેય લોંપી નથી, કાયમ દેવનો દહમોં-વિંહમોં ભાગ કાઢ્યો છે, પણ હશે આપડા જનમ જનમના કરમ તો એમ કાંય થોડા પુરા થાય, જે થયું એ હરિની ઇચ્છા, જાઓ તપાસ કરો કેટલી જણસ ગઇ છે.” સહું કોઇએ તપાસ કરતા જાણ્યું કે એક ચિંથરીય ગઇ નથી, સૌના ઘરેણા દેગડામાં એમનમ જ હેમખેમ પડ્યા હતા. સૌના મોઢે વાત મંડાણી કે “આ તો ભગવાન સ્વામિનારાયણના રખોપા છે બાપ..! જેને જેનો આશરો એને એની લાજ હોય ને…!” જેઠુંરઆપાના દિકરા કાંધાભાઇ એ પછીતના બાકોરું પુરવા સારું ગાડા જોડાવ્યાં. થોડીવાર થઇ ત્યા તો બે આહીરો દોડતા આવ્યા ને બોલ્યા કે “આપા, જે સ્વામિનારાયણ..! આજે રાતે અમારા ખજુરીયા નેસમાંથી ચોરો બાર-તેર ભેહુંને વાળીને ચાલ્યા પણ એ વખતે કોક ધોળા લૂગડાં પહેરેલા તેજસ્વી દેખાતા એવા બે જુવાન પુરુષોએ આવી અમને સાદ કરીને જગાડ્યા ને કહ્યું કે ‘કોક તમારી ભેંહું વાળીને જાય છે.’ અમે તો સહું તુંરત જ હાકલા પડકારા કરતા ગયા તે એ ચોરો ભેંહું રેઢી મેલીને ભાગી ગયા. જેઠુંરઆપા તો ગૌમુખીમાં માળા ફેરવતા ફેરવતા બોલી ઉઠ્યા કે “હે મહારાજ, અમારી તે કેવડી મોટી રક્ષા કરી, અમારા તો અનંત અવગુણ માફ કરીને આપ અખંડ રખોપાં કરો છો. હે પ્રભું, અમે તને ભજીએ છીએ કે તું અમને ભજે છે.? ‘ આમ કરતા શ્રીહરિને સંભારતા સંભારતા જેઠુંરઆપાની આંખ્ય ભીની થઇ ગઇ.

જેઠુંરઆપા આખાયે બાબરીયાવાડ પંથક માં સારા-મોળા પ્રસંગે જેને નબળો વહેવાર હોય એ સહું કોઇને અનાજ-રુપીયા વગેરે દઇને બનતી કાયમ મદદ કરતા, આમાંના આ કાઠીઓએ જેઠુંરઆપાની ત્યાં આ ચોરી કરવા નો મનસુબો કર્યો હોવાથી એમના જ પરિવારના બીજા કાઠીઓને આ ગમ્યું નહી ને એમને ઠપકો દીધો અને કહ્યું કે “તમે લૂણહરામીઓ, જેની થાળીમાં ખાધું એમા જ તમે થૂંક્યા..! એક ઘર તો ડાકણ હોય એય મેલી દયે, કપાતરો તમને શરમ ન આવી જેણે મોળા ટાણે તમને મદદ કરી એનુંજ ઘર ફોડવા ગયા…!” આમ ઘણા ઘણા કડવા વેણ કહ્યા. આથી પોતાની ભૂલ ની માફી માંગવા એ ડેડાણના ચારેય કાઠીઓ ફાચરીયા ગામે જેઠુંરઆપા પાહે એકદિવસ માફી માંગવા આવ્યા ને હાથ જોડીને બોલ્યા કે ‘આપા, અમને માફ કરો, અમને કમત્ય સુઝી તો તમારા ઘરે ચોરી કરવા બાકોરું પાડ્યું તું..! અમે તમારા ઉપકારને ભૂલી ગયાનો બવ મોટો અપરાધ કર્યો છે. અમને માફ કરો.” જેઠુંરઆપા એમના પશ્ચાત્તાપને સાંભળીને બોલ્યા કે ‘ભાઇઓ ચોરી કરવીએ તો પ્રભુંની આજ્ઞા નો ભંગ છે, તમે તમારા જીવનમાં હવે આવી ભૂલ ફરીને ક્યારેય કરતા નહી, આ પાપી પેટને ખાવા પુરતું તો પ્રભું કાયમ દેય જ છે ને..! પણ તમે આવ્યા જ છવ તો મને એ કહો કે તમે બાકોરું પાડીને ચોરીનું કાજ અધુંરું મેલી ને કેમ વયા ગયા હતા? ત્યારે એકજણ બોલ્યો કે “આપા, તમારો મોટો વહેવાર તે એ રાતે તમારા ઘરમાં બે ચાકરો પટારા પાહે બેઠા બેઠા માળા ફેરવતા હતા, એટલે અમે એમનમ બધુંય મેલીને ભાગી ગયા હતા.” ત્યારે જેઠુંરઆપા કહે કે “ભાઇઓ, અમારે ઘરમાં તો કોઇ ચાકર નથી પણ જેના અમે ચાકર છઇ એ ખુદ ‘સ્વામિનારાયણ ભગવાન’ અમારા ચાકર બનીને અમારા ઘરની ચાકરી કરતા હશે, જે અમારું આમ અધરાતે રખોપું રાખે છે, એનો આશરો કરશો તો એ તમારું પણ કાયમ રખોપું કરશે.” જેઠુંરઆપા ના ઘરે પ્રગટ શ્રીહરિએ પરચો આપીને એમની તથા ખજૂરીનેસના રબારીઓની ભેંહુના ખાડુંની રક્ષા કરી.

  • સ્વામિનારાયણના રખોપાં લેખમાળામાંથી….

🙇🏻‍♂️🙏