કચ્છ દેશમાં સત્સંગના બીજ સદગુરુ આત્માનંદ સ્વામી અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ વાવ્યા પછી તેનું પાલન-પોષણ સર્વેશ્વર શ્રીહરિ, સદગુરુ મુકતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુંએ કર્યું અને કચ્છની ધરાના એ સત્સંગ રૂપી બાગની સુવાસ ચોમેર પ્રસરી ગઈ.
Gujarati
સદાબા (કેરા) અને રત્ના ભગતનો પ્રસંગ
કચ્છ દેશમાં સત્સંગના બીજ સદગુરુ આત્માનંદ સ્વામી અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ વાવ્યા પછી તેનું પાલન-પોષણ સર્વેશ્વર શ્રીહરિ, સદગુરુ મુકતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુંએ કર્યું અને કચ્છની ધરાના એ સત્સંગ રૂપી બાગની સુવાસ ચોમેર પ્રસરી ગઈ. ગામેગામ લોકજીવન સત્સંગના રંગે રંગાઈ ગયું અને તેની ખુમારી વધતી હતી.
તે સમયે કેરા ગામના દરબાર રાયબજીના ધર્મપત્ની સદાબા પણ એક પરમ એકાંતિક ભગવદ ભકત બન્યા હતા. તેમના ભક્તિભાવથી શ્રીહરિ અને સંતો અનેકવાર કેરા પધારેલા. સદાબા રાજ પરિવારના હોવા છતાં સત્સંગનો પક્ષરાખીને નિયમધર્મનું યથાર્થ પાલન કરતા તથા ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખતા. તેથી શ્રીહરિની કૃપાદૃષ્ટિથી તેઓ સમાધિની સ્થિતિએ પહોંચેલા.
એક વાર બળદિયા ગામના રત્ના ભગતને સત્સંગ છોડાવવા માટે તેમના જ કુટુંબીઓએ ખૂબ જ દુઃખ આપવા માંડયું, છતાં તેઓ ભક્તકવિ નરસિંહ મહેતાની જેમ શ્રીહરિનાં સ્મરણમાં મગ્ન રહ્યા. સત્સંગના દ્વેષીઓએ રાજમાં પણ ફરિયાદ કરીને ભગતને કઠોર દંડ કરાવ્યો, તો પણ શાંતિ ન વળી. અંતે નિર્માની અને પ્રેમી ભક્તનું દુઃખ સાંભળી સદાબાએ ભગતને કેરાગઢ બોલાવી કહ્યું કે ‘ભગત ! શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે… જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ-ભૂંડો કાળ આવે અથવા શત્રુ કે રાજાનો ઉપદ્રવ હોય અને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને જો તે ગામ પોતાના મૂળ ગામ-ગરાસનું હોય તો પણ અમારા વિવેકી ગૃહસ્થ સત્સંગીઓએ તેનો તત્કાળ ત્યાગ કરીને બીજા દેશ પ્રત્યે જઈને સુખેથી રહેવું.’’ તે સુણીને રત્નાભગત કહે કે ‘સદાબા ! તમે કહો છો એ વાત ખરી છે. પણ ! મને કોણ આશરો આપે ?’’ એ સુણીને સદાબાં કહે “રત્નાભગત, તમે અહીં કેરા કામે આવીને રહો. અમે તમને બધી સગવડ આપીશું’’, સદાબાએ આમ એમને વચન આપ્યું. એ સદબોધ અને સાંત્વનાથી રત્ના ભગત કેરા રહેવા ગયા. સદાબાએ રત્ના ભગતને રહેવા માટે ઘર, જમીન અને તમામ સગવડતા કરી આપી. પોતે રાજ પરિવારના હોવા છતાં સદાબા સાત્ત્વિક અને સાદું જીવન જીવતા. ગામમાં કોઈ પણ ગરીબ કે સત્સંગી બહેનોને સત્સંગ નો છડેચોક પક્ષ રાખીને જોઈતી મદદ તેઓ હરહમેશ કરતા.
પોતે મુમુક્ષુઓને ધર્મ-નિયમ ને શ્રીજીમહારાજનો મહિમા સમજાવી સદાચારના માર્ગે વાળતા. જીવનભર પોતે પોતાનો અલાયદો ઓરડો રાખી તેમાં સતત ધ્યાન, ભજન ને સત્સંગ કર્યા કરતા.
સદાબા વૃદ્ધ થયા ત્યારે તેને અંધાપો આવ્યો, છતાં દૈહિક ક્રિયા પોતાની જાતે જ કરતા અને પૂજાપાઠ ને ધર્મ ધ્યાન નિત્ય નિયમ પ્રમાણે શ્રદ્ધાથી કરતા.
પોતાના જીવનની અંતિમ અવસ્થાએ ઉપશમ સ્થિતિ થતા એકત્રીસ દિવસ સુધી નેત્રો બંધ કરી અંતર્મુખી વૃત્તિ કરી શયનમાં રહેલા અને બત્રીસમા દિવસે જાગૃત અવસ્થામાં આવી પરિવારના સભ્યો તથા સત્સંગી બહેનોને બોલાવીને કહ્યું, ‘લ્યો ! હવે સૌને જય સ્વામિનારાયણ… તમારો જોગ ઘણા દિ’ કર્યો. હવે અમે આ દેહ મેલીને અક્ષરધામમાં જવાનો નિર્ણય કર્યો છે. તમે સૌ મારી પાસે રહી મહારાજની ધૂન કરો.’’ સૌએ साथे મળી સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… ધૂન માંડી. થોડીવારે વિશ્રામ લેતા સદાબા બોલ્યા, ‘‘હવે ધરતી પર ગાયનું છાણ લીંપાવી પૃથ્વી પવિત્ર કરો અને મને સ્નાન કરાવી પૃથ્વી પર બેસાડો.’’ તેમના કહ્યા પ્રમાણે સઘળી વ્યવસ્થા થઈ. પછી ભોંય બેઠક લેતા સદાબાએ કહ્યું, ‘હવે ધૂન રાખો અને સૌ સાંભળો, અત્યારે બધા જ શ્રદ્ધાથી ધૂન કરો.’’ ફરી ધૂન શરૂ થઈ. ત્યાં જ સદાબાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠયો અને બોલ્યા, ‘જુવો ! જુવો ! શ્રીજી મહારાજ અને લાડુબા, લાધીબાઈ, ઝમકુંબાં વગેરે અનેક મુક્તો અમને તેડવા આવ્યા છે ! તમે સૌ જાગૃત રહી જીવનમાં ભગવાન ભજી લેજો. સૌ સંપીને રહેજો. આટલી મારી સર્વ સત્સંગી બહેનોને ખાસ ભલામણ છે.’’ આટલું કહી સદાબા દિવ્યદેહે અક્ષરધામમાં સિધાવ્યા.
- નારીરત્નો માંથી…
🙇🏻♂️🙏