મહાભારતના ઇતિહાસમાં દેવયાનીનું નામ પ્રસિદ્ધ છે. અસુર ગુરુ શુક્રાચાર્યના એ તેજસ્વી પુત્રી હતાં. અનેક યુગોથી મુક્તિની ઝંખના સેવતાં આ આત્માએ ગોહિલવાડના છેવાડાના છાપરી ગામમાં જન્મ લીધો.
Gujarati
જાનબાઈ (દેવયાની) અને શ્રીજી મહારાજ
મહાભારતના ઇતિહાસમાં દેવયાનીનું નામ પ્રસિદ્ધ છે. અસુર ગુરુ શુક્રાચાર્યના એ તેજસ્વી પુત્રી હતાં. અનેક યુગોથી મુક્તિની ઝંખના સેવતાં આ આત્માએ ગોહિલવાડના છેવાડાના છાપરી ગામમાં જન્મ લીધો. પિતાનું નામ રાવત ચૈતરો અને માતાનું નામ કામળબાઈ. તેમને ત્યાં દીકરીરૂપે અવતરેલાં આ મોક્ષભાગી આત્માનું નામ પાડયું જાનબાઈ. રાવત ચૈતરાનું કુટુંબ સંતોના વિચરણના લીધે સત્સંગના રંગે રંગાયેલું હતું. રાવત ચૈતરો અવારનવાર ગઢપુર જઈ મહારાજનાં દર્શન કરતા, સેવા-પૂજા કરતા અને સંતોનો સમાગમ કરતા.
એક વખત નાનકડા દીકરી જાનબાઈને પણ દર્શને સાથે તેડી ગયા. સૌ સાથે જાનબાઈએ મહારાજને પ્રણામ કર્યાં. થોડીવાર તો મહારાજ આ દીકરી સામે જોઈ જ રહ્યા. થોડીવાર પછી બોલ્યા, ‘અરે ! આ તો દેવયાની ! શુક્રાચાર્યની તેજસ્વી દીકરી. હજારો વર્ષોથી અમને મળવા ઝંખે છે ! આજે મિલન થયું !’ શ્રીજીમહારાજનાં અમૃતસમાં વેણ જાનબાઈના અંતરમાં આરપાર ઊતરી ગયાં. ભાવ-ભક્તિના ભલકાથી ભીતર ભેદાઈ ગયું. જાનબાઈને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. રોમે રોમ આનંદથી નાચી ઊઠયાં. મહારાજના પાવન સ્પર્શે જાનબાઈનું અંતર નિર્વાસનિક બની ગયું.
જાનબાઈ પાછા તો ઘેર આવ્યાં પણ અખંડ ભજન કરવા લાગ્યા. જાનબાઈ થોડા વધારે મોટાં થયાં એટલે માતા-પિતા દીકરી માટે મૂરતિયો ગોતવા લાગ્યા. જાનબાઈને ખબર પડી એટલે એમણે માને કહ્યું, ‘મા ! મારા માટે મૂરતિયો ગોતવાની માથાકૂટ કરતા નહિ. મારે સંસારી નહિ, પણ સાંખ્યયોગી બનવું છે.’ મા-બાપે પરણવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ જાનબાઈ એકના બે ન થયાં. આખરે મા-બાપ દીકરીની ભક્તિ કરવાની તીવ્ર તાલાવેલી જોઈ રાજી થયાં અને કહ્યું, ‘ભલે દીકરી, જેવી તારી મરજી. અમારો મા-બાપનો જીવ, તને સંસારમાં જોડવા માગે, પણ તું ભગવાન ભજતી હોય તો અમે તને કુરાજી નહિ કરીએ. તારા જેવી દીકરી તો અમારી એકોતેર પેઢીને તારે.’ મા-બાપે છતે સંસારે સાંખ્યયોગી બનવાનો માર્ગ મોકળો કરી આપ્યો. એક દિવસ જાનબાઈએ કહ્યું, ‘મા, મારે શ્રીજીમહારાજની આરાધના કરવા અલગ ઓરડી જોઈએ. આ બધાની સાથે રહેવામાં તો મને ભજન-સ્મરણ ને ધ્યાનમાં વિક્ષેપ રહ્યા કરે છે.’ માત-પિતાએ દીકરીને એક જૂદી ઓરડી કાઢી આપી. જાનબાઈ તેમાં રહી મહારાજનું અખંડ ભજન કરવા લાગ્યા. આખી રાત્રિ એક આસને બેસી મહારાજનું અખંડ ધ્યાન કરે. આસન જીતવા ગોઠણ ઉપર ઘંટલાનું પડ મૂકે. ઊંઘ અને આળસ જીતવા ઉપરના વળા સાથે દોરડું બાંધી દોરડાને છેડે ચોટલો બાંધે, અલ્પ આહાર કરી શરીરનું દમન કરે. આ રીતે દેવયાનીએ મક્કમ અને પ્રભુપ્રસન્નતા માટે આકરી સાધના શરૂ કરી.
એક વખત મા કામળબાઈ ગઢપુર જઈ રહ્યા હતાં. એણે દીકરીને સાથે આવવા આગ્રહ કર્યો પણ દીકરીએ ના પાડી એટલે માએ મીઠો ઠપકો દીધો, ‘ગાંડી, આમ તો આખો દિવસ મહારાજના નામનું સ્મરણ કરે છે, રાત્રેય એમનું ધ્યાન કરે છે અને દર્શને તો આવતી નથી.’ જાનબાઈ કહે, ‘મા, મહારાજને ગરજ હશે તો આવશે અહીં દર્શન દેવા, મારે નથી આવવું.’ આ શબ્દોમાં સહેજ પણ ગર્વની છાંટ ન હતી. આ તો પ્રેમહઠના શબ્દો હતા. કામળબાઈ ગઢપુર ગયા. મહારાજે પૂછયું ‘અમારા જાનબાઈ કેમ ન આવ્યા ?’ કામળબાઈ કહે ‘મહારાજ ! એ ગાંડી તો હઠ લઈને બેઠી છે. મને કહે મારે નથી આવવું. મહારાજને ગરજ હશે તો આવશે.’ આ સાંભળી મહારાજ મંદ મંદ હસ્યા અને બોલ્યા, ‘હા, જાનુ તો દેવયાની ખરીને ! શુક્રાચાર્યની દીકરી એટલે માનનો અંશ તો હોય જ ને !
સમય જતા જ્યારે ગઢપુરથી દાદાખાચરની જાન નીકળી છે, ખુદ મહારાજ વરનું વેલડું હાંકવા બેઠા છે. સાથે જાનૈયા તરીકે સંતો છે. વાજતે-ગાજતે જાન રવાના થઈ. શ્રીહરિ જાન લઈ ભટ્ટવદર પધાર્યા અને સાથોસાથ દિવ્યસ્વરૂપે ભક્તો સાથે છાપરી ગામે રાવત ચૈતરાના દરબારગઢમાં પધરામણી કરી.
પોતાના દરબારગઢમાં મહારાજને પધારેલા જોઈ રાવત ચૈતરો, જૂઠો ચૈતરો, કામળબાઈ બધા ભક્તો ભાવવિભોર બની ગયા. કામળબાઈએ હોંશે હોંશે ઢોલિયો ઢાળી દીધો. મહારાજ તે પર વિરાજમાન થયા. રાવતે અને કામળબાઈએ મહારાજના પગ ધોઈ ચરણામૃત પીધું. મહારાજે પૂછયું, ‘અમારી ભકત જાનબાઇ ક્યાં ?’ મહારાજ, એ તો એની ઓરડીમાંથી ક્યાં બહાર જ નીકળે છે. તમારું અખંડ ધ્યાન કર્યાં કરે છે.’ કામળબાઈ બોલ્યા. મહારાજે કહ્યું, ‘હવે તો અહીં આવશે કે હજુ અમારે વધુ ગરજુ થઈ એમની ઓરડીએ જવું પડશે ?’
હું હમણાં જ એને ખબર આપું છું.’ કહી કામળબાઈ દોડયા. જાનુબેટા, હવે તો ચાલ, ખુદ મહારાજ પધાર્યા છે.’ સાંભળતાં જ જાનબાઈ એકદમ ઊભાં થઈ ગયાં. દોડતાં મહારાજ પાસે આવી પ્રણામ કર્યાં. દર્શન કરતાં નેત્રોમાંથી દડ દડ આંસુડાંની ધારા વહેવા લાગી. ગદ્ગદ્ કંઠે બોલ્યાં, ‘કૃપાનાથ, આખરે આ સેવક ઉપર કરુણા કરી ખરી.’ મહારાજ હસીને બોલ્યાઃ ‘ગાંડી, તેં તો આમ હઠ કરીને અમને બહુ જ ગરજ કરાવી.’ ‘આખરે હું તો શુક્રાચાર્યની દીકરી ને ? શરીર બદલે પણ સ્વભાવ થોડો બદલે ? પ્રભુ.’ જાનબાઈ હસતાં હસતાં બોલ્યાં. મહારાજ કહે, ‘ના જાનબાઈ, તમારા સ્વભાવ તો અમારા ધ્યાનના પ્રતાપે ક્યારના ધોવાઈ ગયા.’
મહારાજ ! ક્ષમા કરજો, તમને નાહક હેરાન કર્યા. અહીં આવવાનો હઠાગ્રહ સેવ્યો. પણ મહારાજ, તમે અહીં ન પધારો તો આ ઘરબાર, દરબારગઢ, ગામ બધું પાવન કેમ થાય ?’ જાનબાઈ બોલ્યાં. ‘અમે તમારા ભાવને બરાબર જાણીએ છીએ જાનબાઈ અને એટલે તો અહીં આવ્યા છીએ. હવે અમારા આ સંબંધે કરીને તમારા ઘરમાં જે જન્મશે, અરે ! કોઈ મહેમાન થઈને અહીં આવશે, તે બધાનો ઉદ્ધાર થઈ જશે.’ મહારાજનાં આશીર્વચન સાંભળી આર્દ્ર અને દીનભાવે રડમસ અવાજે જાનબાઈ બોલ્યાં, ‘એ બધું તો ઠીક છે. આપના પ્રતાપથી એ સર્વેનો ઉદ્ધાર થઈ જશે, પણ હવે મને આમ કેટલાક દહાડા રખડાવવી છે ? કેટલાય યુગોથી ભટકું છું. હવે મારો આરોવારો ક્યારે આવશે ? અમે પામર જીવ તો સદાય તમારા અપરાધી. વાંકગુનો હોય તો માફ કરો પણ હવે દયા કરો."
જાનુ, હવે તમારે વધુ ભટકવું નહિ પડે. એક મહિના પછી અમે તમને તેડી જઈશું.’ મહારાજે કોલ દીધો.
પણ મહારાજ, હું એકલી નથી. અમે ત્રણ જણીયું છીએ.’ મહારાજે પૂછયું, ‘બીજી બે વળી કોણ છે ?’ જાનબાઈએ કહ્યું, ‘એક હું, બીજી મારી માસીની દીકરી અને ત્રીજી ચૂડેલ-વાણિયાની ઘરવાળી. અમારે ત્રણેયને એકીસાથે આપના ધામમાં આવવાની બોલી થઈ છે.’ તમારે એ ભૂતડીને પણ ભેગી અમારા ધામમાં તેડી જવી છે ?’ મહારાજ હસતાં હસતાં બોલ્યાં. મહારાજ, મેં એને તમારા મહિમાની ખૂબ વાતો કરી છે. સુપાત્ર જીવ છે. કરુણા કરો તો સારું.’
જેવી તમારી ઇચ્છા. મહિના પછી ત્રણેયને એક સાથે તેડવા આવીશ.’ મહારાજે હૈયાધારણ આપી. કુટુંબીજનો તો આ વાર્તાલાપ સાંભળી હબક થઈ ગયાં. રાવત ચૈતરે કહ્યું પણ ખરું, ‘ધન્ય છે દીકરી તને. તારા પુણ્યના પ્રતાપે તો અમારું ઘરબાર સર્વસ્વ પાવન થઈ ગયું.’ બરાબર એક માસ બાદ મહારાજ જાનબાઈને તેડવા આવ્યા. જાનબાઈએ અગાઉથી સૌને જાણ કરી. મહારાજ પધાર્યા છે અમે ત્રણેય વિમાનમાં બેસી મહારાજના ધામમાં જઈએ છીએ. પ્રગટ પુરુષોત્તમ નારાયણનો દૃઢ આશરો કરી ભજન કરજો. ‘લ્યો જય સ્વામિનારાયણ’. આકાશમાંથી અક્ષરમુક્તોએ પુષ્પવૃષ્ટિ કરી. જાનબાઈ માયિક શરીર છોડી દિવ્ય શરીર ધારણ કરી અક્ષરધામમાં સીધાવ્યાં.
- નારીરત્નોમાંથી…. 🙇🏻♂️💐