એકસમયે શ્રીજીમહારાજ ગામ આધોઇ પધાર્યા. ને લાધાજીના દરબારમાં માસ બે પર્યંત રહ્યા. ત્યાં કબીરિયાઓ સાથે ચર્ચા કરીને તેમનો પરાભવ કર્યો.

Gujarati

આધોઈના રાયધણજી અને શ્રીજી મહારાજનું બળ

એકસમયે શ્રીજીમહારાજ ગામ આધોઇ પધાર્યા. ને લાધાજીના દરબારમાં માસ બે પર્યંત રહ્યા. ત્યાં કબીરિયાઓ સાથે ચર્ચા કરીને તેમનો પરાભવ કર્યો. તે લાધાજીને અદોજી, કલ્યાણજી, રામસંગજી ને રાયધણજી નામે ચાર દીકરાઓ હતા. શ્રીજીમહારાજ તેમના ઘેર રહ્યા ને ત્યાં ઘણી લીલાઓ કરી ને સર્વને સુખ આપ્યું. એક દિવસે મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ચારે ભાઇ આગળ બેઠા હતા ત્યારે શ્રીહરિએ પૂછ્યું જે, તમે ચાર ભાઇ છો, તેમાં બળીયા કોણ છે ? ત્યારે ત્રણે ભાઇઓ બોલ્યા જે, આ રાયધણજી બહું બળીયા છે. તે આઠ નાળિયેર એકી સાથે ભાંગી નાખે છે. બે નાળિયેર બગલમાં રાખે ને બે નાળિયેર કોણીના માંહીલા ભાગે રાખે, ને બે નાળિયેર બે સાથળ ને પેડુ વચ્ચે રાખે ને બે નાળિયેર બે પિંડીયો ને સાથળ તેની મધ્યે રાખેને પછી ઊભા હોય, ને બેસે એટલે એ આઠે નાળિયેર એકી સાથે ભાંગી નાખે, ને ચોવડી રાસ ઢીંચણે બાંધીને તોડી નાખે. ને જો ખરા રૂપમાં આવે તો સોપારીને ચપટીમાં રાખીને સૂડીએ કરે તેવો ચૂરો કરી નાખે એવા બળીયા છે. ત્યારે શ્રીજીમહારાજે રાયધણજીને કહ્યું જે, અમારું કાંડું પકડો. ત્યારે રાયધણજીએ કહ્યું જે, મહારાજ ! તમારું શરીર તપે કરીને કૃશ થઇ ગયું છે. તે કાંડું પકડવું તે કાંઇ મારે ઠીક નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે અમારી ચિંતા ન રાખવી અને સુખેથી સારી પેઠે કાંડું પકડો, જરાંપણ બીશો નહિ. ત્યારે રાયધણજીએ કહ્યું જે, સારું મહારાજ ! લાવો ત્યારે..! શ્રીજીમહારાજે જમણો હાથ આપ્યો તે રાયધણજીએ એક હાથે કરીને કાંડું પકડ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, બે હાથે પકડો. ત્યારે રાયધણજીએ બે હાથે કાંડું પકડ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, પકડજો હોં, એવી રીતે બે-ત્રણ વખત કહ્યું. ત્યારે રાયધણજીએ કહ્યું જે, સારી પેઠે પકડ્યું છે. પછી મહારાજે સહજમાં હાથ મૂકાવી દીધો. રાયધણજીનો જમણો હાથ બગલમાં લઇ લીધો, ને હાથને દબાવ્યો. ત્યારે રાયધણજી ઘણા વિકળ થઇ ગયા ને કાંઇ બોલી શક્યા નહિ. પછી શ્રીજીમહારાજે તે રાયધણજીના મોઢા સામું જોઇને તેનો હાથ મૂકી દીધો. ત્યારે રાયધણજી તો ઘણીક વાર સુધી બેસી રહ્યા. ને બોલ્યા જે, હે મહારાજ ! મારા હાથનાં હાડકાં ભાંગી ગયાં. એમ કહીને હાથ ઝાલીને બેઠા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અહીં આવો અમે જોઇએ. ત્યારે રાયધણજીએ આવીને પોતાનો હાથ દેખાડ્યો. ત્યારે મહારાજે જોઇને કહ્યું જે, હાથ તો કાંઇ ભાંગ્યો નથી. ચારે ભાઇ ઊઠીને દૂર જઇને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, દૂર કેમ બેઠા ? ત્યારે રાયધણજીએ કહ્યું જે, કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણ અગિયાર વર્ષના હતા, ને હસ્તી, મલ્લ, કંસાદિકને મારી નાખ્યા. તેનો અમારે સંશય હતો જે કેમ કરીને માર્યા હશે ? તે સંશય ટળી ગયો. કેમ જે, આપનું આ પરાક્રમ જોઇને અમને એમ જણાયું જે, તમે નાના પણ નથી ને શરીરે કૃશ પણ નથી. ને તમે તો અક્ષરાતીત પૂર્ણપુરુષોત્તમ નારાયણ છો. એવા આજે અમે તમોને ઓળખ્યા. માટે હે મહારાજ ! આપ હસ્યા-રમ્યા જેવા નથી. આપ તો સેવા કરવા યોગ્ય છો, એમ કહ્યું. ને આ ભગવાન સર્વે અવતાર ધારે છે એમ જાણીને ઘરનાં મનુષ્ય બાઇ- ભાઇ સર્વે હતાં, તે શ્રીજીમહારાજની ભાવથી સેવા કરવા લાગ્યાં.

એક દિવસે શ્રીજીમહારાજે આધોઇ ગામના એક હરિભક્તને કહ્યું જે, અમે એમ સાંભળ્યું છે જે, તમારે ઘેર ઘી બહુ સારું થાય છે. ત્યારે તેમણે કહ્યું જે, ઘી સારું થાય છે. એમ કહીને પછી ભેંસો દુઝણી હતી તેનું તાવીને સારું ઘી કરીને મોટી તાંસળીમાં ભરીને મહારાજને આપ્યું, એટલે શ્રીજીમહારાજે તાંસળી લઇને જોઇને કહ્યું જે, ઘી બહુ સારું છે અને આ ઘી અમને તમે પીવા આપ્યું છે ? ત્યારે તે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! સુખેથી પીઓ. ત્યારે મહારાજ તાંસળી મોઢે માંડીને પી ગયા. તે હરિભક્તે તાંસળીમાં આંગળી ફેરવીને જોયું, ત્યારે તે આંગળી ચીકણી પણ ન થઇ. ત્યારે તે ભક્તે કહ્યું જે, જેમ કૃષ્ણાવતારમાં પુતના ધવરાવવા આવી હતી તેના પ્રાણ સહિત સ્તનપાન કરી ગયા. તેમ તાંસળીમાં પણ ચીકાશ નથી રહી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમને તમે પીવા આપ્યું તે અમે પી ગયા. ત્યારે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! પ્રસાદી પણ રહેવા ન દીધી. તે સાંભળીને મહારાજ હસ્યા, ને હરિભક્ત પણ હસ્યા.

વળી ફરીને એકદિવસે ચારે ભાઇનાં માતાજીએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! મારા દીકરા ચાર છે. તે ભગવાન ભજવામાં તો સારા છે પણ વ્યવહારમાં તો સમજાવીએ તો પણ સમજે એવા નથી. માટે તે ચારેને જુદું થવાનો વિચાર છે. તો પોતે માંહોમાંહી વઢી મરશે, તે માટે જો મહારાજ ! જેમ તમે વહેંચી આપો તેમ અમે રાજી છીએ. ત્યારે શ્રીજીમહારાજે ચાર ભાગ કરીને એમની ચિઠ્ઠીયું નાખી. સૌ સૌનો ભાગ આવ્યો તે લઇને ચારે ભાઇ રાજી થયા ને પોતપોતાને ઘેર ગયા. રસોઇ કરાવીને શ્રીહરિને રૂડી રીતે જમાડ્યા ને સ્નાન ભોજન આદિક સેવાએ કરીને શ્રીહરિને પ્રસન્ન કર્યા. રાયધણજી આદિ પ્રેમી ભક્તોએ શ્રીહરિને બે માસ પર્યંત પોતાને ઘેર રાખ્યા. તે ગામમાં મહારાજ નિત્ય નદીમાં સ્નાન કરવા જતા. હાલ નદીને સામે કાંઠે કુંડ છે, તેમાં પણ ઘણીવાર સ્નાન કરતા અને ત્યાં રહેલા શ્રીપાતાળેશ્વર મહાદેવજીના દર્શન કરતા.

એક દિવસે રાયધણજીનાં ભોજાઇએ મહારાજને કહ્યું જે, આજ સાધુને ઝોળીયે જાવા ન દેશો, અમારે જમાડવા છે. ત્યારે મહારાજે કહ્યું જે, સાધુને જાવા દ્યો એ ઠીક છે, નહિ તો સાધુ ભૂખ્યા રહેશે તો બજારમાં જઇને પેટ કૂટશે, ને કહેશે જે, રાયધણજીને ઘેર નોતરું આપીને અમને ભૂખે માર્યા. ત્યારે બાઇ બોલ્યાં જે, ભૂખ્યા રહે ત્યારે કહેજો ને…! પછી રસોઇ તૈયાર થઇને આઠ સાધુ ને શ્રીજીમહારાજ જમવા બેઠા. મહારાજે સાધુને કહ્યું જે, તમારે જમવામાં ના પાડવી નહિ, જે આપે તે પત્તરમાં લેવું. એ દિવસે પીરસતાં પીરસતાં રસોઇ તો થઇ રહી. ત્યારે શ્રીજીમહારાજ કહે જે, હોય તો લાવો. ત્યારે રાયધણજીએ પોતાનાં ભોજાઇને કહ્યું જે, કહોને અમે હાર્યાં. પછી બાઇ પડોશણને ઘેરથી ઘીનું ઠામ ભરી ઉછીનું લાવ્યાં. તે જોઇ મહારાજ હસ્યા ને કહ્યું જે, ‘અમે પારકા ઘરનું માંગેલું નથી જમતા.’ એમ કહીને બહુ હાસ્યવિનોદ કર્યો. એવી રીતે ઘણી ઘણી લીલાઓ કરી.

  • શ્રી કચ્છલીલા અધ્યાય ૨૪માંથી….

🙇🏻‍♂️🙏