સંવત ૧૮૮૪ના વૈશાખ વદ બીજને દિવસે જુનાગઢમાં બ્રહ્મમુનિએ શ્રીહરિની આજ્ઞાએ બાંધેલ ભવ્ય મંદિરના દેરાઓમાં પોતાના સ્વહસ્તે બાથમાં ઘાલીને મૂર્તિઓની સ્થાપના કરી.

Gujarati

જૂનાગઢના નરસિંહ મહેતાના વંશજ અને શ્રી રણછોડરાયજી

સંવત ૧૮૮૪ના વૈશાખ વદ બીજને દિવસે જુનાગઢમાં બ્રહ્મમુનિએ શ્રીહરિની આજ્ઞાએ બાંધેલ ભવ્ય મંદિરના દેરાઓમાં પોતાના સ્વહસ્તે બાથમાં ઘાલીને મૂર્તિઓની સ્થાપના કરી. તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડરાયજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં મહાપ્રતાપી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને પાર્વતીમાતા અને શ્રી વિઘ્નવિનાયક ગણપતિજી પધરાવ્યા. વસ્ત્ર, ઘરેણાં, ફૂલોના હારા પહેરાવીને આરતી ઉતારી અને શ્રીજીમહારાજ સન્મુખ ઊભા રહ્યા. ત્યારે દેશોદેશના હરિભક્તો સર્વેએ ભેટ મેલવા માંડી, તે રૂપિયા, ઘરેણાં, પાઘડીઓ અને જમીનના લેખો તે સર્વે દેવોની આગળ મેલીને શ્રીજીમહારાજને પગે લાગ્યા. શ્રીજીમહારાજને સહુએ હેતે કરીને ભારે ભારે પોષાક પહેરાવ્યો ને પુજન કર્યું. શ્રીરાધારમણ દેવ અને સીદ્ધેશ્વરમહાદેવજી ની પ્રતિષ્ઠા વખતે મંદિરના દેરામાં દેવ સન્મુખ ઉભા રહીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ઘેરા રાગમાં અષ્ટ ત્રિભંગી અને છપ્પય છંદો ગાયા કે… સમરત જેહી શેષા, દિપત સુરેશા, પુત્ર ગણેશા નિજ પ્યારા..! બ્રહ્માંડ પ્રવેશા, પ્રસિદ્ધ પરેશા, અજર ઉમેશા ઉદ્ધારા..! બેહદ નરવેશા, ક્રતશિર કેશા, ટલત અદેશા, અધરેશા…! જયદેવ સિધ્ધેશા, હરન કલેશા, મગન હમેશાં માહેશા..!! આ વખતે ગામ ભાયાવદરના નાની ઉંમરના રામજી જોષી (જુનાગઢના જોગી મહાપુરુષદાસ સ્વામી) પણ ત્યાં હાજર હતા, જે જીવનભર આ અલૌકિક સમાની વાતને સહુ સંતો-ભકતો સમક્ષ યાદ કરતા ને અતિ મહીમાંથી કહેતા. ત્યાર પછી શ્રીહરિએ જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેમને શેલાં, પાઘડીઓ અને રૂપિયા અપાવ્યા, ચાર વેદો કે જેઓ બ્રાહ્મણનું રૂપ લઇને આવ્યા હતા તેમને શ્રીજીમહારાજે છાતીમાં ચરણારવિન્દ આપ્યાં ત્યારે તે મહારાજની આજ્ઞા લઇને ચાલ્યા. બીજા બ્રાહ્મણોને પણ રૂપિયો રૂપિયો દક્ષિણા અપાવી અને સહુ શિલ્પીઓને પહેરામણી કરાવી.

આવા મહાપ્રતાપી શ્રી રાધારમણ દેવ, શ્રીરણછોડરાયજી, ત્રીકમરાયજી તેમજ શ્રી સિધ્ધેશ્વરમહાદેવજીના દર્શને જુનાગઢના તેમજ દેશ વિદેશથી પરોક્ષના પણ ઘણા મુમુક્ષુંઓ હાલ નિયમિત દર્શને આવે છે. જુનાગઢના નાગર જ્ઞાતિમાં શીરમોરભકત એવા ચકુભાઇ નાગરના બેનના એક દિકરી ને પણ આ શ્રીરણછોડરાયજી સાથે અતિ હેત હતુ, તો તેઓ નિયમિત દર્શન કરવા આવે, અને અતિ મહીમાંભાવ થી દર્શન કરીને મંદિરને પ્રદક્ષિણા કરે. દિવાળીના દિવસે તો તેઓ એક પ્રદક્ષિણા કરતા કરતા દેવ આગળ એક એક સીતાફળ મુકતા જાય ને પ્રદક્ષિણાઓ કરતા જાય. પોતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવીધારા પરિવારમાં સાસરે હોય એમને જીવનભર શ્રીરણછોડરાયજીના પ્રત્યે અતિ હેત હતું.

જ્યારે એમનો અંતસમો આવ્યો ત્યારે તેમને તેડવા શ્રીસ્વામિનારાયણ ભગવાન જાતે પધાર્યા ને બાઇને દિવ્યરુપે દર્શન દીધા. આ બાઇ તો સફાળા બેઠા થઇ ગયા અને પ્રભું ને પ્રણામ કરીને સર્વકુટુંબીજનો ને કહેવા લાગ્યા કે “મને શ્રીહરિ તેડવા પધાર્યા છે. હું એમના સાથે ધામમાં જાઉ છું.” ત્યારે એમના સર્વ પરિવારજનોને પણ ઘણું આશ્ચર્ય થયું તો પુછવા લાગ્યા. ત્યારે બાઇ કહે કે હું મંદિરે શ્રીરણછોડરાયજી ના દર્શને કાયમ જતી, અને પ્રદક્ષિણાઓ કરતી એથી પ્રભું મને તેડવા પધાર્યા છે. મને એ મુર્તિ પ્રત્યે હેતના લીધે શ્રીસ્વામિનારાયણ ભગવાન મારું કલ્યાણ કરવા મને અંતસમે તેડવા પધાર્યા છે.” આમ કહીને એ બાઇએ વાતો કરતા કરતા દેહ મેલ્યો ને અક્ષરધામના અધિકારી થયા. ત્યારે એમના સર્વ નાગર કુટુંબના પરિવારજનો ને અતિ આશ્ચર્ય થયું નેટ કળીકાળમાં પ્રતિતી મનાણી.

  • મારા જનને અંતકાળે… લેખમાળામાંથી..

🙇🏻‍♂️🙏