સદગુરુ રાઘવાનંદ સ્વામીએ બાબરીયાવાડના બેતાલીસ ગામના આહીરો માં સત્સંગ કરાવ્યા પુર્વે રાજુલાના ગામ કોવાયામાં કાળુંભાઇ વાવડીયાના ભાણેજ જમાઇ રાઘોભાઇ રહેતા હતા.
Gujarati
કોવાયાના નાજાભગતની નિરાવરણ દ્રષ્ટિ
સદગુરુ રાઘવાનંદ સ્વામીએ બાબરીયાવાડના બેતાલીસ ગામના આહીરો માં સત્સંગ કરાવ્યા પુર્વે રાજુલાના ગામ કોવાયામાં કાળુંભાઇ વાવડીયાના ભાણેજ જમાઇ રાઘોભાઇ રહેતા હતા. તેઓ બાજુના ગામ જોલાપરા માં રહેવા ગયા. આ જોલાપરા નો ગામગુરૂ એવો ઉમેંદગર બાવો હતો, જે કામણ ટૂંમણીયો હતો અને ગાંરાના (માટીના) ઘોડાઓ તથા અસવાર બનાવીને સામસામા લડાવતો. રાઘાભાઇ આ ઉમેંદગરના શીષ્ય હતા, એટલે એમના વિવાહ થતા એમના પત્નિ લખુંબાઇ ને પગે લગાડવા આવવાનું કહેવડાવ્યું. લખુંબાઇ તો ભકતરાજ કાળુંભાઇ વાવડીયાના ભાણેજ હોય ચુસ્ત સત્સંગી હતા એટલે તેઓ ઢોંગી બાવાને પગે લાગવા ગયા નહી. આથી ઉમેદગર બાવો અતિ ક્રોધે ભરાયો ને ગુસ્સે થતા શ્રાપ દીધો જે ‘જો તારી કૂખે સંતાન થાય તો મારી જાંઘ ફાટે’ આમ લગ્ન થોડા વર્ષો વિત્યા છતા સંતાન થયુ નહી.” આથી રાઘાભાઇને ઉમેદગર બાવા પ્રત્યે ક્રોધ ચડયો અને એનો તત્કાળ ત્યાગ કર્યો.
એકદિવસે બાજુના ગામ વાવેરામાં સદગુરુ રાઘવાનંદ સ્વામી પધાર્યા હતા. એ વખતે રાઘાભાઇ અને એમના પતિન સ્વામીના દર્શને ગયા ને રાઘોભાઇ વર્તમાનધારણ કરીને સત્સંગી થયા. આ વખતે રાઘાભાઇ ને સ્વામીએ ખબર અંતર પુછતા એમણે તમામ વિગતે વાત્ય કરી. રાઘવાનંદ સ્વામી એમના ઉપર રાજી થતા કહે કે ‘એ ઉમેદગર બાવાની શી મજાલ છે, દિકરા દેવા એતો ભગવાન શ્રીહરિના હાથમાં છે, જાઓ તમારે ઘેર ચાર દિકરા થશે.’ આમ સદગુરુ રાઘવાનંદ સ્વામીના આશીર્વાદે એમના ઘરે દિકરાનો જન્મ થયો ને એનું નાજોભાઇ નામ રાખ્યું.
સંવત ૧૮૮૦ના વરહે એકવખતે રાઘોભાઇ અને એમના પત્નિ બેઉ ગઢપુર શ્રીહરિના દર્શન કરવા ગયા, એ વખતે શ્રીહરિ દરબારગઢની ઓસરીએ ઢોલીયા ઉપર બીરાજમાન હતા. આ વખતે રાઘાભગતે એમના નાના એવા દિકરા નાજાભાઇને શ્રીહરિના ચરણે પગે લગાડ્યા, તે નાજોભાઇ શ્રીહરિના ચરણારવિંદ ના અંગૂઠાને મુખમાં લઇને ધાવવા લાગ્યા, શ્રીહરિએ રાજી થઇને નાજાભાઇના વાંહામાં હાથ ફેરવ્યો ને આશીર્વાદ દીધા કે ‘આ નાજો તો બહુ સારો ભગત થશે. હજુ બીજા ત્રણ મુકતો તમારા ઘરે બાળક તરીકે જન્મ લેશે.’ એ સમયે મુળજી બ્રહ્મચારી શ્રીહરિ સારું મકાઇના ડોડા શેકીને હવેજ ચડાવીને લાવ્યા, તે શ્રીહરિએ એની પ્રસાદી એને આપી. આમ શ્રીહરિના આશીર્વાદ સુણીને લખુંબાઇ ને રાઘાભગત ઘણા આનંદને પામ્યા ને સમૈયો કરીને પોતાને ઘેર કોવાયા ગામે ગયા. પછી એમને ત્યાં ત્રણ બીજા દીકરાઓના જન્મ થયા જેમાં બીજાનું જોધો, ત્રીજાનું પૂંજો અને સૌથી નાનેરાનું નામ વિસામણ રાખ્યું. સંવત ૧૮૮૬ ના જેઠ મહીને જ્યારે શ્રીહરિએ મંદવાડ સ્વીકાર્યો અને સ્વધામ જવાની ઇચ્છા કરી ત્યારે શ્રીહરિની તબિયતના સમાચાર જાણીને રાઘાભાઇ કોવાયાથી ગઢપુર ખબર પુછવા આવ્યા હતા. જ્યારે જેઠસુદી દશમીના દિવસે શ્રીહરિ સ્વધામ સીધાવ્યા એ વખતે કોવાયા ગામે નાનકડા એવા નાજાભાઇ ને દર્શન દીધા અને કહ્યું કે ‘નાજા, ચાલ અમારી સાથે અક્ષરધામમાં..!’ એ વખતે નાજાભાઇએ બાળઅવસ્થા હોય ના પાડી ને સાથે ન ગયા. શ્રીહરિ તો ગયા પણ એ જ દિવસથી છ-સાત વરહના નાજાભાઇને નિરાવરણ દ્રષ્ટિ થઇ ગઇ. એ દિવસે એમને ગઢપુરની વાડી દેખાણી, સર્વ સંતો-ભક્તોને વિરહ માં દોડતા દર્શન થયા. એમના બાપા રાઘાભાઇ પણ ગઢડે ગયા હોય એને પણ લક્ષ્મીવાડીએ અગ્નિસંસ્કાર વખતે સહું સાથે ઉભેલા ભાળ્યા. આમ, પોતાને સ્મૃતિ થઇ આવતા નાજોભાઇ રોતો-રોતો ચોરે ગયા અને ગલઢેરાઓ બેઠેલા હતા એમને વાત્ય કરી કે ‘આજે શ્રીજીમહારાજ પોતાના ધામમાં સીધાવ્યા છે એવા મને દર્શન થાય છે.’ ત્યારે સહુ કોઇને મનાયું નહી તે પોતે બોલ્યા કે “તમે આજનો દિન અને ટાણું સંભારી રાખજો, મારા બાપુ ગઢડેથી પાછા આવે ત્યારે તમે એને પુછજો..!” આમ નાજોભાઇ રોતો રોતો એમા માં લખુંબાઇ પાહે ગયો અને સર્વે વાત કરી ત્યારે બાઇ કહે કે ‘બેટા, હવે આ વાત કોઇને કરીશ નહી, નહીતર સહુ કોઇ કહેશે કે આ સ્વામિનારાયણીયાવ ગપ્પા મારે છે.’ ત્યારે નાજોભાઇ કહે કે ‘હુ તો ગામને ચોરે વાત કરી આવ્યો છું.’ પછે ચોથે દિવસ જ્યારે રાઘોભગત ગઢડે થી પરત કોવાયા આવ્યા ત્યારે એમણે બધીય વાત્ય કરી ત્યારે સહુ ઘણા ઘણા આશ્ચર્ય ને પામ્યા ને બોલ્યા કે ‘તમારા સ્વામિનારાયણ ભગવાન ખરા ને એમની કૃપા પણ ખરી નહીતર આવડો નાનકડો છોકરો કેમ બધુંય જાણે..!’ એમ સહુ ગરઢેરાઓને પરચો મનાણો. થોડા વરહ વિત્યે જ્યારે રાઘોભગત માંદા થયા ને ત્યારે એકદિવસે શ્રીજીમહારાજે એમને દર્શન દઇને કહ્યું જે ‘રાઘાભગત, આજથી પરમદહાડે અમે તમને તેડવા આવીશું.’ આમ પોતે પોતાના ઘરના સર્વ અને કુટુંબીજનોને વાત કરી. પછી ત્રીજે દિવસે સવારે પોતે સહુને કહ્યું જે “આજ તમે સહુ બપોરા વહેલાસર કરી લેજ્યો, મારે બપોરે શ્રીહરિના ભેળા અક્ષરધામમાં જાવું છે.” તે દિવસે ભગતની વાત સુણીને સહુ કોઇ કુટુંબીજનો અને ગામના સહું બપોરે વહેલા જમીને એમના ઘરે આવ્યા ત્યારે પોતે સહુને ધૂન્ય કરવા કહ્યું. બરોબર બપોર ના બાર બજે રાઘોભગત સહુંને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો ત્યાગ કરીને શ્રીહરિ અને ગુરુદેવ રાઘવાનંદ સ્વામી ભેળા પધાર્યા છે એના હારે હું અક્ષરધામ જાઉ છું. એમ કહીને દિવ્યદેહે વિમાનમાં બેસીને અક્ષરધામ સીધાવ્યા.
એમના દિકરા નાજોભગત અને બીજા ત્રણેય ભાઇએ નિરાવરણ દ્રષ્ટીએ સહું ને દેખતા ને અખંડ ભજન કરતા. ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી વગેરે જ્યારે જ્યારે બાબરીયાવાડમાં પધારે ત્યારે પોતાને ગામ કોવાયા અચૂક તેડી લાવતા.
- મારા જનને અંતકાળે…લેખમાળામાંથી
🙇🏻♂️🙏