એકદિવસે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચર ના દરબારગઢમાં સભા ભરીને બેઠા હતા. સદગુરુ મુકતાનંદ સ્વામી આદિક મોટેરા સહુ સંતો-ભકતો સન્મુખ શ્રીહરિના મુખે અમૃતવાણીનું રસપાન કરી રહ્યા હતા.

Gujarati

રાઘવાનંદ સ્વામી અને વાણીનો વિવેક

એકદિવસે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચર ના દરબારગઢમાં સભા ભરીને બેઠા હતા. સદગુરુ મુકતાનંદ સ્વામી આદિક મોટેરા સહુ સંતો-ભકતો સન્મુખ શ્રીહરિના મુખે અમૃતવાણીનું રસપાન કરી રહ્યા હતા, એ વખતે શ્રીહરિ એ વિવેક સહિત વાણી બોલ્યા ઉપર બહું ભાર મુકીને ઉપદેશાત્મક વાત્ય કરતા કહ્યું કે “સ્વામી, વાણી બોલ્યા બોલ્યા માં બહુ ફેર છે, એક વાણીમાં અમૃત રહેલું છે અને એક વાણીમાં ઝેર રહેલું છે.” આ વખતે સદગુરુ રાઘવાનંદ સ્વામી ગામડાઓમા્ સત્સંગ વિચરણ કરીને આવ્યાને શ્રીહરિને દંડવત પ્રણામ કરીને બેઠા, શ્રીહરિએ એમને ખબર અંતર પુછ્યા ને પોતાની પાસે બેસાર્યા. શ્રીહરિ એ ફરીને વળી વાત કહેવા માંડી જે “એકવખતે અમે અને આ રાઘવાનંદ સ્વામી ને સુરાખાચર આદિ બીજા દશ-વીશ ઘોડેસ્વાર વગેરે સહુ એકહારે જાવા નીસર્યા, તે રસ્તામાં સોખડું કરીને એક ગામ આવ્યું, એ ટાણે તડકો ઘણો તે સહુ કોઇ તરસ્યા થયા હતા ને ઘોડાને પણ પાણી પાવું પડે એમ લાગ્યું, તે ગામને ગોંદરે એક વડલાના ઝાડને છાંયડે અમે સહું ઉભા રહ્યા. એ વખતે અમારા હારે દાદાખાચરનો હજૂરી ત્રિકમ નામે હતો, અમે એને ગામના ગોંદરે જે કૂવે ગામની બાઇયું પાણી સીંચીને પોતાની હેલ્યું ભરતી હતી એના પાહે પાણી લેવા હારું મોકલ્યો. તે ત્રિકમ ત્યાં કૂવે જઇને બાંયું પ્રત્યે બોલ્યો જે ‘એય મારા બાપની બાયડીયું, અમને પીવા સારું પાણી આપો..!’ આટલું સાંભળતા તો બાઇયું ગાળ્યું દેતી ખીજાઇયું ને પાણીની ગાગર લઇને ત્રિકમ ને મારવા દોડી, ને પાણી ન દીધું તે ત્રિકમ વીલે મોઢે અમે ઉભેલા ત્યાં પાછો આવ્યો. ત્યારે અમે રાઘવાનંદ સ્વામી ને મોકલ્યા તો એ ગયા ને ત્યાં જઇને બોલ્યા જે ‘હે માવડીયું, અમે સહું પંથે સંઘમાં ચાલતા તમારા ગામના પાદરે પહોંચ્યા છઇ, અમ હારે ભગવાન શ્રી સ્વામિનારાયણ તમારા ગામના પાદરે પધાર્યા છે, તમારા ગામના તો આજે બહુ મોટા ભાગ્ય છે કે ખુદ ભગવાન તમારા ગામમાં પધાર્યા છે, એમને બહું તરસ લાગી છે ને એમના ઘોડાઓ છે એ પણ પંથે ચાલતા તરસ્યા થયા છે, તો તમે અમને સીંચણને ઘડો આપો તો અમે કૂવેથી પાણી સીંચીને સહું તરસ છીપાવઇ, ઘોડાને પાણી પાઇએ. માવડીયું તમે તો દયાળું ને પરદુઃખભંજક છો.’ એમ રાઘવાનંદ સ્વામીની વાતો સાંભળીને સર્વે બાઇઓ બોલી જે ‘તમે આ એક ઘડો લઇ જાઓ ને એ પ્રભું ને અમારા વતિ પાણી પાજો ને પછી તમે પણ સર્વે પાણી પીજો, ને સૌને કહો કે ઘોડાઓ લઇને આહી આવે એટલે અમે સહું બે-બે ચાર-ચાર ઘડા સીંચીને ઘોડાઓને પાણી પાઇ દેશું.’ એમ કહીને પાણીનો ઘડો આપ્યો તે રાઘવાનંદ સ્વામી લઇને શ્રીહરિ પાસે આવ્યા ને શ્રીહરિને જળનો ધરાવ્યું અને સહુએ પણ પીધું ને ઠંડા થયા.

એ વખતે સહું ત્યાં બેઠા હતા ત્યારે અમે કહ્યું જે ‘સ્વામી તમે તરસ તો સર્વની મટાડી પણ સર્વને ભૂખ પણ લાગી છે.’ તે સમયે સુરોખાચર બોલ્યા કે ‘મહારાજ, રાઘવાનંદ સ્વામીએ તરસ તો મટાડી પણ જમવાનું ભોજન તો કાંય આકાશ માંથી પડશે કે સ્વામી એ પણ લાવીને આપણા સહું ની ભૂખ પણ મટાડે..!’ એ સુણીને ત્યારે રાઘવાનંદ સ્વામી બોલ્યા કે ‘હે મહારાજ, તમે સહું આંહી બેસો, હું આપના પ્રતાપથી લાડવાનું જમણ કરાવી લાવું.’ એમ કહીને એકાદ ગાંઉ છેટે ગરાસીયાનું ગામ હતું ત્યાં ચાલતા ગયા, એ વખતે ગામના ચોરે સહું ગલઢેરા ગરાસીયા નો ડાયરો ભરાઇ ને બેઠો હતો, રાઘવાનંદ સ્વામીએ ત્યાં જઇને માથે ઓઢીને મોટે-મોટેથી પોક મુકીને રોવા માંડ્યું. ત્યારે એ ગલઢેરા ગરાસિયાઓ એ પુછ્યું કે ‘હે રાજગર, તમે કાંણું રોતા છવ..!’ ત્યારે રાઘવાનંદ સ્વામી કહે કે “હું દુવારકા જાતો’તો એ ફેરે મારી માં મરી ગઇ તે બધાય ખડ-ખંભાળીયાના ગરાસીયાઓ, આમલીયાળા ના ગરાસીયાઓએ કોઇએ અધમણ, કોઇએ પનર શેર, કોઇ દશ શેર ઘઉના લોટના લાડવા કરાવીને મારી માં ના કારજ સારું ખાંધીયા (મરણના દાડાનું જમણ) કરાવ્યા, ને હવે દુવારકાથી દર્શન કરીને વળતા મને સમાચાર મળ્યા કે મારા બાપ પણ મરી ગયા, ને કાલ સવારે એના ખાંધિયા છેને કોઇ વાતનું ઠેકાણું છે નહી, તમે સહું તો ગામધણી મનુષ્ય છોવ તો તે મારા બાપના ખાંધિયા સારું યાચના કરવા આવ્યો છવ, હવે તમે જેમ કહો તેમ કરું.” આમ રાઘવાનંદ સ્વામીની વાત સુણીને સહું કોઇ વારાફરતી ઉઠયા ને પોતાને ઘેરથી કોઇ અધમણ ને કોઇ પાંચ-દશ કે પનર શેર એમ એમ કુલ ત્રણ મણ જેટલા પાકા સીધા લાવી ને કારજ સારું દીધા. ગામના ખેડુંને કહીને સ્વામી હારે વળાવવા મોકલ્યો.

સ્વામી ત્યાંથી તમામ પાકા સીધા ગાડામાં ભરીને શ્રીજીમહારાજ બેઠા હતા ત્યાં લાવ્યા, ગાડાવાળો પાકા સીધાનો સામાન ઉતારી ને પાછો વળ્યો ત્યારે રાઘવાનંદ સ્વામી બોલ્યા જે “લ્યો સુરાખાચર, આ જમવાનું આકાશ માંથી પડ્યું, હવે લાડવા બનાવી ને તમતમારે નિરાંતે જમો.” શ્રીહરિ આ જોઇને હસતા થકા સ્વામી ઉપર અતિ રાજી થયા. પછી સર્વ સંતે લાડુંની રસોઇ કરી. ત્યાં વડલાના ઝાડની નીચે સહું કોઇ સંતો-ભકતો સાથે જમ્યા.” એવી રીતે શ્રીહરિએ એ દિવસે સભામાં વાણીના ગુણ અને દોષ સંબંધી ઘણી વાર્તા કરી ને રાઘવાનંદ સ્વામી ઉપર અતિ રાજીપો વર્તાવ્યો.

  • સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏