સંવત ૧૮૭૬ના ચૈત્ર માસમાં ગામ રોજકાના પરમભકત દરબારશ્રી કાકાભાઇ ને જ્યારે સંતાન ન હતું, એ વખતે ગામમાં આવેલા કોઇ ટેલીયા બ્રાહ્મણે એમના પત્નિને કહ્યું કે ‘તમે પ્રભાસ પાટણ જાઓ તો સંતાન થાય.’
Gujarati
રોજકાના કાકાભાઇ અને શ્રીજી મહારાજનો ઉપદેશ
સંવત ૧૮૮૪ના વૈશાખ વદ બીજને દિવસે જુનાગઢમાં બ્રહ્મમુનિએ શ્રીહરિની આજ્ઞાએ બાંધેલ ભવ્ય મંદિરના દેરાઓમાં પોતાના સ્વહસ્તે બાથમાં ઘાલીને મૂર્તિઓની સ્થાપના કરી. સંવત ૧૮૭૬ના ચૈત્ર માસમાં ગામ રોજકાના પરમભકત દરબારશ્રી કાકાભાઇ ને જ્યારે સંતાન ન હતું, એ વખતે ગામમાં આવેલા કોઇ ટેલીયા બ્રાહ્મણે એમના પત્નિને કહ્યું કે ‘તમે પ્રભાસ પાટણ જાઓ તો સંતાન થાય.’ આથી એમના ઘરવાળાએ પ્રભાસ પાટણ દર્શને જાવાની હઠ લીધી, આથી કાકાભાઇ અને એમના પત્નિ બેઉ પ્રભાસ પાટણ દર્શને ગયા. ત્યાં દર્શન કરીને વળતા તેઓ ગઢપુર આવ્યા.
એ વખતે શ્રીહરિ અક્ષરઓરડીએ પોતાના સખા સુરાખાચર, મોકાખાચર, સોમલાખાચર વગેરે સહું સાથે બીરાજતા હતા. કાકાભાઇ શ્રીહરિના દર્શન કરવા અક્ષરઓરડીએ ગયા એટલે શ્રીજીમહારાજે એમના ખબર અંતર પુછીને અતિ આગ્રહ કરીને દાદાખાચરની માંડવધારની જમીન સારું ઉપદ્રવ હોય એમને એકાંદ મહીનો ગઢપુર રોકાવા કહ્યું. કાકાભાઇ એ હા કહી એટલે શ્રીહરિએ દાદાખાચર ને બોલાવી ને એમના સારું ઉતારાની વ્યવસ્થા કરાવી. કાકાભાઇ ઉતારે ગયા એટલે શ્રીહરિએ એમના સખા સુરાખાચર અને મોકાખાચરને ભલામણ કરતા કહ્યું કે ‘સુરાબાપું, તમારો ટીખળીયો સ્વભાવ છે એટલે તમને અમે ખાસ કહીએ છઇ કે કાકાભાઇને દુખ લાગે એવી કોઇ વાત કરીને હાંસી-મશ્કરી કરશો નહી.” ત્યારે સુરાખાચર અને મોકાખાચરે સંમતિ આપતા કહ્યું કે ‘ભલે મહારાજ’. એમ કહીને થોડીવારે થાળ તૈયાર થયા એટલે શ્રીહરિ જમવા પધાર્યા અને સહુ દરબારો પોતપોતાના ઉતારે ગયા. બપોર પછે દરબારગઢમાં લીંબવૃક્ષની છાંયમાં સભા થઇ એટલે સહું સંતોભકતો શ્રીહરિના દર્શન કરીને સન્મુખ બેઠા. એ સભામાં કાકાભાઇ પણ શ્રીહરિ સન્મુખ આવીને બેઠા હતા. સુરાખાચર પણ શ્રીહરિના ઢોલીયા પાસે જ બેઠા હતા. એ વખતે સુરાખાચરના દિકરા નાથોખાચર આવીને સુરાખાચરના ખોળામાં બેઠા. સુરાખાચર બોલ્યા કે ‘મહારાજ, આ મારો નાથીયો નો ગયો કાશી, નો ગયો કેદાર, નો ગયો જગન્નાથ કે પ્રયાગ કે નો ગયો ગોકુંળ-મથુંરા કે દુવારકા ઇ કયાંય નવ ગયો, ભણું બ્રહ્મા તો નવરો નવરો સૃષ્ટિ સરજ સરજ કરે છ,’ એમ કહીને નાથાખાચર ને ખોળેથી ઉઠાડીને બોલ્યા જે ‘ભણું ભાગી જાવ, હું તમને કેટ-કેટલાવને રમાડું.’ આમ કહી ને સુચિતાર્થમાં કાકાભાઇની નિષ્ઠાની હાંસી કરી. તેથી કાકાભાઇ સુરાખાચર ની હાંસી સમજ્યા ને એમનું મુખ શ્યામ થયું, શ્રીહરિએ પણ આ જાણ્યું ને સુરાખાચર સામું જોઇને વધારે કઇ ન બોલવા ઇશારો કર્યો. થોડીવારે સંધ્યાટાણું થતા સભા ઉઠી ને સહુ કોઇ સંધ્યા આરતિ કરીને વાળું કરવા ગયા. વાળુંપાણી કરીને સુરાખાચર અને સોમલા ખાચર અક્ષરઓરડી એ શ્રીહરિ પાસે આવ્યા ત્યારે શ્રીહરિએ બપોરની વાંત્ય કરીને સુરાખાચરને કહ્યું કે “સુરાબાપું, તમને કાકાભાઇ ની મશ્કરી કરવાની ના કહી હતી તો પણ તમે મશ્કરી કરી ?” ત્યારે સુરાબાપું બોલ્યા જે “ગધીનો, માગણનો હોય એ કાકાભાઇની મશ્કરી કરે, મેં તો મારા છોકરા નાથીયાની વાત્ય કરી હતી.” ત્યારે શ્રીહરિ હસ્યા અને બોલ્યા જે “તમારી વાણીને અને કાગડાની વાણી બેઉ બરાબર, પોતાના છોકરાની મશ્કરી કરીને ઇ બહાનેય ગરાસીયા ની મશ્કરીને એની છાલ (કેડો) મેલી.” આમ વાત કરીને શ્રીહરિએ સુરાખાચરને ઠપકો દીધો. પછી સહું સભામાં આવીને બેઠા. એ દિવસે રાત્રે શ્રીહરિએ પોતાના સર્વોપરીપણા અને ઐશ્વર્યની ઘણી ઘણી વાતો કરીને સહુને દ્રઢ નિશ્ચય કરાવ્યો. બીજેદિવસે પુનમના દિવસે સવારે સભા થઇ એ વખતે કાકાભાઇએ સદગુરુ નિત્યાનંદ સ્વામીને સભામાં પ્રશ્ન પુછ્યો જે, ‘‘અંતરને માંહીલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે, તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ?‘‘ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘‘ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે.’’ એ પ્રશ્નનો શ્રીહરિએ વિગતથી જવાબ દીધો. ત્યાર વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, ‘‘હે મહારાજ ! એકને તો કુસંગીની લડાઈ આળશી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે. તે એ બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી; પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય ? તે કહો.’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘જેમ એક લડવા નીસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ તો, અને એક તો લડવા નીસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી. માટે એ તો એમ ને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હઠયો, પણ દેહનો આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહિ જાણે ? જે ‘એને આગળ આવાં કરડાં માણસ આવ્યા હતાં તે નહિ જીતાય અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા,’ એમ એ બેય ધણીની નજરમાં હોય. તેમ એની ભગવાન સહાય કરે જે, ‘આને આવા સંકલ્પ-વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે, એમ જાણીને ભગવાન એની સહાય કરે છે. માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહિ. ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું.’’ એમ શ્રીહરિએ ઘણી ઘણી વાર્તા કરી જે ગઢડા પ્રથમના સીંતેરમાં વચનામૃત માં લખાઇ છે.
- વચનામૃતના ઇતિહાસ તેમજ સદગુરૂં અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…
🙇🏻♂️🙏