એક સમયે હિન્દુસ્તાનમાં ગ્વાલિયર પરગણામાં ગામ ધોરેનગરમાં પ્યારેલાલ નામનો એક સારો સુતાર સત્સંગી હતો.

Gujarati

સાંખ્યનીના પ્યારેલાલ સુતાર અને શ્રીજી મહારાજ

એક સમયે હિન્દુસ્તાનમાં ગ્વાલિયર પરગણામાં ગામ ધોરેનગરમાં પ્યારેલાલ નામનો એક સારો સુતાર સત્સંગી હતો. તે પોતાના મામાના ગામ ‘સાંખ્યની’ જાતાં વચ્ચમાં એક ભારે બોરડીનું વૃક્ષ પાકી રહેલું હતું, તેના ઉપર તે બોરાં ખાવા ચડ્યો કે તરત જ ઉપરથી હેઠો પડ્યો, એટલે તેને બહુ વાગ્યું અને પગ પણ ઉતરી ગયો. ત્યારે તે રોતો રોતો શ્રીજી મહારાજને સંભારીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે મહારાજ ! આ ઝાડી અને પર્વતના વિકટ માર્ગમાં મારો પગ ઉતરી ગયો. અને જો હવે અહીં જ રાત પડી જાશે તો આ જંગલમાંથી વાઘ કે રીંછ વગેરે જંગલી પશુ આવશે ને મને મારી ને ફાડી ખાશે. માટે હે શ્રીજીમહારાજ, કૃપાનાથ મારી રક્ષા કરજયો. સાંજ પડવાનો વખત થયો છે અને હમણાં જ આ નદીમાં પાણી પીવા સારુ વાઘ આવશે, અહી તો આસપાસ માં કોઇ માણસ પણ નથી. મારું ગામ પણ અહીંથી સાતેક ગાઉ જેટલે છેટે રહી ગયું, તેમજ મારા મામાનું ગામ પણ ત્રણ ગાઉ છેટે છે. ને હવે મારાથી ચલાય તેમ પણ નથી. માટે હે સહજાનંદ સ્વામી ! હવે મારી શી વલે થાશે ? એવી રીતની દિનભાવે ઘણી ઘણી પ્રાર્થના કરતાં દિલગીર થઇ ગયો. એટલાકમાં તો શ્રીજી મહારાજ પોતાના ભક્તની આર્તનાદે પ્રાર્થના સાંભળીને એની રક્ષા કરવા માટે તત્કાળ ખરા વખતે ઉતાવળા થયા થકા પોતાની સાથે એક ઘોડો લઇને આવ્યા. આવીને તેને ઠપકો દઇને તેનો પગ ચડાવ્યો ને પછી પાટો બાંધીને તેને ઘોડા ઉપર બેસાડીને ત્યાંથી શ્રીહરિ એના સાથે ચાલ્યા, તે ગામ ‘સાંખ્યની’ આવી પ્યારેલાલ સુતારને એના મામાના આંગણામાં ઉતારી મુક્યો. અને કહ્યું જે, અમે મંદિરમાં જઇએ છીએ. આ બધા સમાચાર તું તારા મામાને કહેજે. એમ કહીને શ્રીહરિ મંદિરમાં ગયા. મંદિરમાં પહોંચી શ્રીહરિએ એક હરિભક્તને કહ્યું જે ‘અમે તરસ્યા છીએ માટે પાણીનો લોટો ભરી આવો’ એમ કહીને પછી પોતાના ઘોડાને મંદિરના થાંભલે બાંધ્યો અને પોતે જેર ઉપર બેઠા.

ત્યારે તે હરિભક્ત સદગુરુ મુક્તાનંદ સ્વામીની કરેલી ‘વિવેક ચિંતામણી’ની ચોપડી વાંચતો હતો, તે અચાનક શ્રીજીમહારાજ પધાર્યા જાણીને એ ચોપડા વાંચતી પડતી મૂકીને પ્રેમનો ભર્યો ઊઠી ઊભો થઇને દર્શન કરીને પાણી લેવા ગયો. તે ઉતાવળો નદીમાંથી જળનો લોટો ભરી ને તુરંત જ લાવ્યો અને શ્રીજીમહારાજને પાણી પાઇને બોલ્યો જે, ‘હે મહારાજ’! તમે આમ અચાનક જ ક્યાંથી આવ્યા ? ત્યારે મહારાજે મંદ મંદ હસતા કહ્યું જે, હાલતો અમે અમારા ભકતનો સાદ સાંભળીને તો ‘ધોરેનગરથી’ આવ્યા, આ ઘોડાને માટે ઘાસ કે કાંય જોગાણ હોય તો લાવો. ત્યારે તે હરિભક્ત ઘાસ લેવા ગયો, એટલે પોતે અદ્રશ્ય થઇ ગયા. પછી તે હરિભક્ત ઘાસ લઇને આવીને જ્યાં જુવે છે ત્યાં તો કોઇ ન મળે. તેવું મહા આશ્ચર્ય જોઇને, આનંદ પામીને તે વાત સહુ હરિભક્તોને કહી. સહુ હરિભકત શ્રીહરિનો પ્રગટ પરચો પામીે અતિ આશ્ચર્ય ને પામ્યા.

  • શ્રીજીમહારાજ પ્રગટની વાતો માંથી…

🙇🏻‍♂️🙏