સંવત ૧૯૨૪માં પોષ-મહા માસમાં અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ શરીરે થોડા બિમાર હતા, સર્વ સંતો-ભકતો મહારાજશ્રીના આરોગ્ય સારું પ્રાર્થના ભજનભકિત વગેરે કરતા હતા.
Gujarati
અયોધ્યાપ્રસાદજી મહારાજ અને શુકમુનિ (અમદાવાદ)
સંવત ૧૯૨૪માં પોષ-મહા માસમાં અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ શરીરે થોડા બિમાર હતા, સર્વ સંતો-ભકતો મહારાજશ્રીના આરોગ્ય સારું પ્રાર્થના ભજનભકિત વગેરે કરતા હતા. એ વખતે વડતાલથી આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ અને સર્વ સંતો-ભકતો મહારાજશ્રીના ખબર અંતર પુછવા અમદાવાદ આવ્યા હતા. અયોધ્યાપ્રસાદજી મહારાજે પધારેલા સર્વ સંતો-ભક્તોનો આદર સત્કાર કરીને સારી એવી સરભરા કરી. સૌ કોઇ વારાફરતી દર્શને આવ્યા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજે પુછ્યુ કે શુકમુનિ કયા? એ કેમ દેખાતા નથી? ત્યારે સૌ કોઇએ કહ્યું જે “બાપજી, શુકાનંદ સ્વામી તો પધાર્યા નથી.” એ સુણીને સ્વામીને વિશે અતિશે હેતધરાવતા અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા કે “શુકાનંદ સ્વામી પધાર્યા નથી, તો શ્રીજીમહારાજ શેના પધારે? અત્યારે તાર કરીને એમને આહી તેડાવો.” આમ કહીને જરુરી મેનાનો પ્રબંધ કરાવીને સ્વામીને અમદાવાદ તેડાવ્યા. સ્વામી તો બાપજીના સમાચાર મળતા જ મેનામાં બેસીને તુંરત જ અમદાવાદ આવ્યા.
બીજે દિવસે અયોધ્યાપ્રસાદજી મહારાજે સંતો-ભકતોને જમાડવા સારું ઘેબરની રસોઇ કરાવીને પોતે જાતે જ ખુરશી નાંખીને ધર્મકુળની હવેલીના પાણીના ટાંકા પાસે વિરાજમાન થયા. પોતાના પાસે જ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજને પણ ખુરશી નંખાવીને બેસાર્યા. તમામ સંતો, બ્રહ્મચારીઓ અને સર્વે પાર્ષદોની પંકિતઓ થઇ. અયોધ્યાપ્રસાદજી મહારાજે તમામ સદગુરૂ સંતોને રૂંપાના થાળ અને વાટકાઓ માં જમવા આજ્ઞા કરી. સૌ સંતોએ પત્તર જમવા સારું મેલ્યા એટલે એ પાછા મેલાવીને રૂપાંનાં થાળ અને વાટકાઓમાં જમવા સૌને આગ્રહ કર્યો ને બોલ્યા કે “તમે સહું સદગુરુ સંતોએ મારા પિતા છતાં ઘણું સહન કર્યું છે. આ સત્સંગને મુમુક્ષુંને ઓળખાવવા તમે લોહી-પાણી એક કર્યા છે. આજ તો સહુ રૂપાના થાળમાં જમો.” એમ કહીને સહુંને અતિ આગ્રહે પુરાયે ધર્મકૂળે પોતે પંગતે ફરીને પીરસી પીરસીને સહું સંતો, બ્રહ્મચારીઓ અને પાર્ષદોને જમાડયા. જમી રહ્યા કેડે અમદાવાદ દેશના અને વડતાલદેશના એમ સર્વ સંતો-પારર્ષદોના તડ થયા, અને સૌ વારાફરતી શ્લોકો, અષ્ટકો બોલવા જ લાગ્યા. કોઇ કોઇને મચક આપતું ન હતું, આમ વારાફરતી બોલતા બોલતા બપોરના ચાર વાગી ગયા અને મંદિરમાં શ્રીનરનારાયણ દેવ જાગ્યાનું નગારું વાગ્યું.
આ સમે બ્રહ્મચારી સદગુરૂં આનંદાનંદ સ્વામી ઉભા થયા અને બંને ની વચ્ચે આવીને હાથ અધ્ધર કરીને સૌને રોકતા થકા બોલ્યા કે “હવે રાખો, તમે બેઉ પક્ષ જીત્યા લ્યો.” એમ કહ્યું ત્યારે સૌ બંધ થયા. આ વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજે એક મોટા ચલાખામાં પાંચ મણ પતાસા મેલાવીને ઢગલો કરાવ્યો. સદગુરૂ આનંદાનંદ બ્રહ્મચારીને આજ્ઞા કરી જે સૌ સંતો-પાર્ષદોને એ પ્રસાદીના પતાસા વહેચણી કરો. કેમ જે પ્રથમ શ્રીહરિ એ જ્યારે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે એમને પ્રથમ સેવા માં મેલ્યા હતા. આમ, આજ્ઞા કરાવીને સર્વ સંતો ઉપર અતિ રાજી થઇને અયોધ્યાપ્રસાદજી મહારાજે એ સમયે પાંચ મણ પતાસા વહેચાવડ્યા. વડતાલથી પધારેલા આચાર્યશ્રી ભગવતપ્રસાદજી મહારાજ, ધર્મકુળ, સદગુરૂ શુકાનંદ સ્વામી અને સૌ સંતો-ભકતોને આઠ-દસ દિવસ સુધી રોકીને બહું વહાલ વરસાવ્યું.
- સદગુરૂ શ્રી શુકાનંદ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….
🙇🏻♂️🙏