એક સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજ સભા ભરીને વિરાજમાન હતા. તે સમયે વડોદરાના મીર સાહેબ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા.
Gujarati
વડોદરાના મીર સાહેબ અને શ્રીજી મહારાજ
એક સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજ સભા ભરીને વિરાજમાન હતા. તે સમયે વડોદરાના મીર સાહેબ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. શ્રીહરિએ તેમને આવકાર આપ્યો અને મીર સાહેબે શ્રીહરિને પુછ્યું કે, “હે મહારાજ, જે લોકો અલ્લા અને ખુદાને માને છે, તે અવતારમાં કેમ માનતા નથી ?” ત્યારે શ્રીજી મહારાજે તેમને વિસ્તારપૂર્વક સમજાવ્યું કે, “ખુદા પોતે જ જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરે છે.”
મહારાજે એક કથા કહી કે, “એક સમયે એક બાદશાહ હતો, તેણે વિચાર્યું કે જો ખુદા બધું જ કરી શકતા હોય તો તે પોતે કેમ નથી આવતા ? ત્યારે એક જ્ઞાનીએ બાદશાહને સમજાવ્યું કે ખુદા જરૂર પડે ત્યારે અવતાર લે છે. તે બાદશાહે ખુદાને જોવાની જીદ કરી. ત્યારે ખુદાએ તેને દર્શન આપ્યા. ખુદાએ બાદશાહને કહ્યું કે, ‘તું મારૂ પરાક્રમ જો.’ એમ કહી પોતાના દેહની ચામડી ઊતારીને તે બાદશાહની પાસે ફેંકી દીધી. આ જોઇને તે બહુ જ નવાઇ પામ્યો. પછી મનુષ્ય લીલા કરતા એવા એ ખુદાએ બાદશાહને કહ્યું, “મને ખૂબ ભુખ લાગી છે. માટે મને કંઇ જમવાનું આપો.” પછી તે રાજાએ ઝીણો ઘઉંનો લોટ આપ્યો. ત્યારે તે રાજા સાંભળે તેમ ખુદાએ સૂર્યને કહ્યું, “હે સૂર્ય, તું જો મારી આજ્ઞા માનતો હો તો આ કાચો લોટ પાણીથી બાંધી તેની રોટલી પકાવી દે.” પછી આકાશમાંથી સૂર્ય નીચે આવ્યા અને રોટલી પકાવી દીધી. આ ઐશ્વર્યથી લોકો અત્યંત તાપથી પીડા પામવા લાગ્યા. ખુદા અવતાર નથી ધરતા એમ જે કહે છે, તેને શાસ્ત્રમાં આસ્થા નથી એમ જાણી જ્ઞાની પુરુષે તેનું વચન માનવું નહિ.”
આ પ્રમાણે મહાપ્રભુ શ્રીહરિએ વિસ્તારથી મીર સાહેબને વાત કરી. મીરસાહેબને કહ્યું કે, તમે નેત્ર મીંચી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર કરો. એમ કરતા તેમને દિવ્ય મહાતેજમાં શ્રેષ્ઠ સિહાસન પર શ્રી સ્વામિનારાયણ ભગવાનને જોયા અને શ્રીહરિની પાસે હાથ જોડી સ્તુતિ કરતા એવા પેગંબરોને દેખ્યા. આ રીતે દિવ્ય સ્વરૂપના અલૌકિક દર્શન કરી મીર સાહેબ મહા આશ્ચર્ય પામ્યા. શ્રીહરિએ તેમને જમવાની તાણ કરી ત્યારે તેમણે કહ્યું, “આજે મારે ઉપવાસ છે.” ત્યારે દહીંનુ ભરેલું પાત્ર મંગાવીને તે તેમને આપ્યું. પછી મહારાજે કહ્યું કે, “now જો કાંઇ સંશય રહેતો હોય તો પૂછો.” ત્યારે મીર સાહેબ બોલ્યા કે, “કુરાનમાં જેને અલ્લા નામ કહે છે તે જ તમે સાક્ષાત્ પરમેશ્વર છો ને હું આપનો સેવક છું.” એમ કહી શ્રીહરિના ચરણમાં મસ્તક મૂકી પ્રણામ કરવા લાગ્યા.
ત્યારે શ્રીહરિએ તેમના મસ્તક ઉપર પોતાના બે હાથ મુક્યા કહ્યું કે, “જાઓ તમે સદા સુખી થશો.” આમ સાત દિવસ સુધી ગઢપુરમાં રોકાઇને મીર સાહેબે શ્રીજી અને સંતોનો સમાગમ કર્યો. શ્રીજીમહારાજે પણ તેમની અનન્ય નિષ્ઠા જોઇને પોતાની પાઘ આપી. હંમેશા સવારમાં મીર સાહેબ સ્નાન કરી તે પાઘના દર્શન-પૂજન કર્યા પછીથી જ બીજું કામ કરતા. ત્યારબાદ તેઓ શ્રીહરિની રજા લઇને વડોદરા ગયા. પછી સુરતના કોઇ સારા કારીગર પાસે શ્રીજી મહારાજને બેસવા માટે એક મેના ભેટ મોકલાવ્યો હતો. તે મેનામાં બેસીને શ્રીજી ગઢપુરથી રાજકોટ સર માલ્કમને દર્શન દેવા માટે પધાર્યા હતા.
- શ્રીહરિલીલામૃત કળશ ૯ વિશ્રામ ૭માંથી… 🙇🏻♂️🙏