ગામ કમઢીયાના શુરવિરભકત કાયાભાઇનું અંગ અત્યંત મહિમાવાળું હતું એથી પોતાના અહોભાગ્ય સમજીને શ્રીજી મહારાજ,સંતો અને સત્સંગીઓ એ સર્વનો તેઓ ખૂબ જ મહિમા સમજતા.
Gujarati
કામઢીયાના કાયાભાઇ અને કૂતરાનો પ્રસંગ
ગામ કમઢીયાના શુરવિરભકત કાયાભાઇનું અંગ અત્યંત મહિમાવાળું હતું એથી પોતાના અહોભાગ્ય સમજીને શ્રીજી મહારાજ,સંતો અને સત્સંગીઓ એ સર્વનો તેઓ ખૂબ જ મહિમા સમજતા. એક વખતે તેઓ ગઢપુરમાં શ્રીજીના દર્શન કરવા ગયેલા. તે વખતે શ્રીજી મહારાજ પ્રાતઃકાળમાં દાદ ખાચરના દરબારમાં નિબતરું નીચે સભા કરીને બેઠેલા. કાયાભાઇ દર્શન માટે સભા તરફ જઇ રહ્યા હતા ત્યાં ચોકમાં એક કૂતરું બેઠેલું. થોડું અંધારા જેવું હોવાથી અને પોતાની દ્રષ્ટિ સભા તરફ આકર્ષાયેલી હતી. તેથી પોતાના પગનું ઠેબું કૂતરાને લાગી ગયું. એટલે કુતરે પોતાના જાતિ સ્વભાવ પ્રમાણે બાંઉકારો નાખ્યો. ત્યાં તો કાયાભાઇ પોતાના મનમાં એકદમ ત્રાસ પામી. જાણે કોઇ મહાન ભક્તરાજનો અપરાધ થઇ ગયો હોય તેમ તે કૂતરાને દંડવત કરવા લાગ્યા.
શ્રીજી મહારાજે સભામાંથી જોયું કે કાયાભાઇ કૂતરાને દંડવત કરે છે, એટલે મહારાજ ઊંચે અવાજે બોલ્યા કે, “કાયાભાઇ ત્યાં કોને દંડવત પ્રણામ કરે છે, ત્યાં કોઇ સાધુ બેઠા છે શું ? જુઓ તો તપાસ કરો. એક કાઠી ભક્ત તપાસ કરીને આવ્યા કે, “મહારાજ ! ત્યાં કોઇ સાધુ નથી. એક કુતરું ચોકમાં બેઠું છે. તેને કાયાભાઇ દંડવત કરે છે.” ત્યારે મહારાજે કાયાભાઇને બોલાવીને પૂછયું કે, “કાયાભાઇ તમે કૂતરાને દંડવત કેમ કર્યા ?” ત્યારે તેમણે કહ્યું, “મહારાજ, આ કુતરું મહાન ભાગ્યશાળી છે. સર્વ અવતારના અવતારી આપ અને અનંત મુક્તો અહીં બિરાજો છો. આપ સર્વની ચરણરજની આ ભૂમિ અત્યંત પવિત્ર છે. આ ચરણરજ મોટા મોટા દેવોને પણ દુર્લભ છે. આવી ચરણરજનું અધિકારી આ કુતરું છે. તેને મારા પગનું ઠેબું લાગી ગયું.તે મારો અપરાધ કહેવાય.તે ગુનો માફ થાય તે માટે આ કૂતરાને મેં દંડવત્ પ્રણામ કર્યા.” કાયાભાઇની આવી શ્રેષ્ઠ સમજણ અને મહિમા દ્રષ્ટિ જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થયા.
- આદર્શ ભક્તગાથા તથા અન્ય ગ્રંથોમાંથી…
🙇🏻♂️🙏