ગોંડલના કુંભાજીની દેરડી પાસે કમઢિયાળા નામે નાનું એવું એક ગામ છે. ત્યાં કાયાભાઇ કરીને એક સંધી રહેતા હતા.

Gujarati

કમઢિયાળાના કાયાભાઇ સંધીનો સત્સંગ નિશ્ચય

ગોંડલના કુંભાજીની દેરડી પાસે કમઢિયાળા નામે નાનું એવું એક ગામ છે. ત્યાં કાયાભાઇ કરીને એક સંધી રહેતા હતા. સંધી મુસ્લિમ જ્ઞાતિ ને ઉગ્રપ્રકૃતિ હોય કાયાભાઇ સ્વભાવે કુરપ્રકૃતિના એક ઝનૂની માણસ હતા. પરંતુ પૂર્વના એમના બલિષ્ટ પુણ્યથી તેમને ભગવાન સ્વામિનારાયણનો સહેજે યોગ થયો ને મહાપ્રભુની કૃપા થતા કાયાભાઇ અનન્ય ભક્ત બન્યા. એકસમે શ્રીજીમહારાજ જુનાગઢથી ગઢપુર તરફ સહું કાઠીદરબારો હારે ઘોડેસ્વાર થઇને જઇ રહ્યા હતા. ત્યારે કેડામાં આ કમઢિયાળા ગામ આવ્યું. શ્રીજીમહારાજ રસ્તે લાંબો પંથ કાપીને આવતા હોવાથી થાકેલા ઘોડાઓને થોડીવાર વિશ્રાંતિ લેવા હારું કમઢિયાળાના પાદરમાં થોડીવાર રોકાયા. શ્રીજીમહારાજ ગામના ગોંદરે એક પીપળાના વૃક્ષને છાંયડે ઓઠિંગણ દઇને આરામ લઇ રહ્યા હતા. સહુ દરબારો પણ શ્રીહરિના પડખે બેઠા થકા પોંરો ખાઇ રહેયા હતા. એકવખતે કાયાભાઇ ત્યાંથી પસાર થયા અને પોતાની નજર શ્રીહરિની મનમોહક માધુંરી મુરત પર પડી, શ્રીહરિ તો સુરાબાપુ આદિ સાથે મંદમંદ હસતા થકા વાર્તાલાપ કરી રહ્યા હતા. તેઓ જરીક નજીક ગયા એટલે શ્રીજીમહારાજે, “આવો કાયાભાઇ આવો’ એમ નામ લઇ પ્રેમથી બોલાવ્યા. શ્રીહરિએ એમના ખબર અંતર પુછ્યા અને થોડીવાર જ્ઞાનોપદેશની વાતો કરી. કાયાભાઇ તો શ્રીજીના અદ્ભુત દર્શન અને એ મધુર વચનો પામીને રંગાઇ ગયા, મનમાં પ્રગટ ખુંદા મળતા અંતરમાં દ્રઢ નિશ્ચય થયો. પુર્વના સંસ્કાર જાગી ઉઠ્યા. શ્રીહરિને સહુ દરબારો તો થોડીવારમાં ઘોડે ચડીને ચાલવા તૈયાર થયા ત્યારે કાયાભાઇએ બે હાથ જોડીને કહ્યું, “હે પરવરદિગાર, મને તમારો શિષ્ય બનાવો. હું તમારા બધા ધર્મનિયમો પાળીશ.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “કાયાભાઇ, તમે શુરવિર છોવ, તમારા હૃદયમાં અમારા તરફ પ્રેમભાવ છે, એટલે તમે અમારા જ છો. તમે સત્સંગી થશો તો તમારા મુસ્લિમભાઇઓ તમને બહુ જ મુશ્કેલીમાં મૂકશે ; માટે મનમાં પ્રેમભાવ રાખજો અને અમારું ભજન કરજયો.’’ ત્યારે કાયાભાઇએ કહ્યું કે, મહારાજ ! મને ગમે તેવી મુશ્કેલી પડશે, તો પણ હું આપની આજ્ઞા શિર સાટે પાળીશ. માટે આપ મને પાવન કરો.” પછી શ્રીજી મહારાજે તેમને વર્તમાન ધરાવી ટૂંકમાં સત્સંગની રીતભાત કહી બતાવી, ને ઘોડે ચડી ગઢપુર તરફ ચાલતા થયા. શ્રીહરિ ઘણે દુર ગયા ત્યાં સુધી કાયાભાઇએ શાંત ચિત્તે દર્શન કર્યા. ઘેર આવી સર્વ પ્રકારે શુદ્ધિ કરી, ફેલ ફીતુર ને વ્યસનો છોડીને અત્યંત નિર્માનીપણે મહિમાપૂર્વક ભજનભક્તિ કરવા લાગ્યા.

કાયાભાઇ ‘જીવનમુક્તા સ્વામિનારાયણ’ નો નવો ધર્મ પાળે છે ને તેમને ભજન-ભક્તિ કરતા જોઇને તેમના ઘણા જ્ઞાતિજનો તેમની હાંસીમશ્કરી, નિંદા-તિરસ્કાર કરવા લાગ્યા. છતાં કાયાભાઇ તો કોઇથી ડર્યા કે શરમાયા સિવાય સત્સંગનું બળ રાખતા. ગઢપુર-વડતાલ વગેરે સ્થળે સમૈયા ઉત્સવોમાં શ્રીહરિના દર્શન અને સંતસમાગમ કરવા પહોંચી જતા, ઉત્સવોમાં ચોકી-પહેરો કરવો ઇત્યાદિ નાની મોટી જે કાંઇ સેવા બતાવે તે બહુ જ મહીમાંથી કરતા. કાયાભાઇ સત્સંગી થતા એમના સ્ત્રીપુત્રાદિ-કુટુંબીઓ અને સબંધીઓને ધીરે ધીરે સત્સંગનો રંગ લાગયો, કેટલાક દ્વેષબુદ્ધિવાળા લોકોને રુંચતું ન હતું, તેઓ દ્વેષબુદ્ધિથી કાયાભાઇને યેનકેન પ્રકારે હેરાન કરતા. તેઓ શુરવિર હોવા છતા બધું મૂંગે મોઢે સહન કરીને ધર્મનિયમ પાળવામાં કે ધુન-કીર્તન કરવામાં જરાપણ મોળા પડ્યા નહિ. એમના નાતિલા દ્વેષી મુસ્લીમો એ ગામધણીને ફરિયાદ કરતા કહ્યું કે, “કાયાભાઇ આપણા મુસ્લિમ બીરાદર થઇ હિંદુનો ધર્મ પાળે છે. એટલું જ નહિ, પણ તેણે પોતાને ઘેર મંદિર બનાવ્યું છે. તેમાં રોજ સાંજે ‘સ્વામિનારાયણ’ નામની ભારે ધુન મચાવે છે. આપ ઇસ્લામ ધર્મના છો, કાયાભાઇ હિંદુ ધર્મનો પ્રચાર કરે એ મુનાસીબ નથી. માટે તેઓ હિંદુ ધર્મ છોડી દે એવો તાત્કાલિક અફર ઇલાજ કરો.” આમ નાતિલા લોકોની ભંભેરણી સાંભળીને ગામધણી મુસલમાન તુર્તજ કાયાભાઇને બોલાવીને ફરમાન કર્યું કે, “તું મુસલમાન થઇને હિંદુનો ધર્મ કેમ પાળે છે ? જો તારે અમારા ગામમાં સુખેથી રહેવું હોય તો તે સ્વામિનારાયણને છોડી દે, નહિતર આ ગામમાં રહેવાશે નહિ.” એ સુણીને કાયાભાઇએ નમ્રભાવે કહ્યું, “આપ ગામધણી રાજા છો. હું સ્વામિનારાયણનો શિષ્ય થયો. ત્યારથી દરેક રીતે સુધર્યો છું. જો મારાથી રાજ્ય કે પ્રજાને કંઇ પણ હરકત આવતી હોય અગર ખોટું દેખાય એવું કંઇ થતું હોય, તો આપની ફરજ છે કે મને દંડ કરવો જોઇએ.” ત્યારે ગામધણીને પડ્યો બોલ ન ઝીલતા સ્વમાન ઘવાયું ને ગુસ્સે થતા કહ્યું, “મારે તારી કાંઇ વાત સાંભળવી નથી. તું એ બધું ટીખળ છોડી દે.” ત્યારે દ્રઢનિશ્ચયી કાયાભાઇએ કહ્યું, “નામદાર, હું કોઇપણ રીતે એ ધર્મ છોડી શકું તેમ નથી. આ દેહમાં જીવ હશે ત્યાં સુધી ગમે તેવું દુ:ખ આવે કે તો પણ સ્વામિનારાયણ મહાપ્રભું નું નામ મારાથી હવે છૂટી શકે તેમ નથી. એતો હવે મારા જીવ સાથે જડાઇ ગયું છે. જેમ આપને ઠીક પડે તેમ કરો.” આમ અતિ દ્રઢતાવાળી કાયાભાઇની વાત સાંભળીને દરબારે તત્કાળ હુકમ કર્યો કે, “સૈનિકો, આને બહાર બળબળતા તડકે બેસારવાનો દંડ કરીએ છીએ.” આ રીતે ગામધણીનો હુકમ થતા સિપાઇઓએ કાયાભાઇને બહાર ચૈત્ર-વૈશાખના બળબળતા તડકે બહાર બેસારી દીધા અને કહ્યું કે, “જયાં સુધી નામદારમો બીજો હુકમ ન થાય ત્યાં સુધી તમારે હંમેશા તડકે બેસવાનું છે.’ કાયાભાઇ તો આનંદથી ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ..!’ એમ અખંડ ભજન કરતા કરતા તડકે બેસી ગયા. એ વખતે બરાબર વૈશાખ મહિનો હતો એટલે અતિ આકરો તાપ પડતો હતો. લૂ ઝરતી હતી. તેમાં આખો દિવસ તડકે બેસવું એ અતિશય અઘરૂ હતું પરંતુ કાયાભાઈ તો ભજનના આનંદમાં બધું દુઃખ ભૂલી જઇને પ્રભુમાં તલ્લીન થઇને અખંડ ભજન કરતા હતા. પહેલે જ દિવસે કાયાભાઇ બે ત્રણ કલાક સખત તડકામાં બેઠા ત્યાં જ ગામધણીના પેટમાં સહન ન થઇ શકે એવી કાળી બળતરા થવા લાગી. એક પછી એક એમ બે ચાર વૈદ્યોને બોલાવીને ઉપાયો કર્યા પણ પીડા શાંત થઇ નહિ. આ રીતે ત્રણ દિવસ સુધી ઘણાં વૈદ્યોને બોલાવી અનેક ઇલાજો કર્યા પણ દરબારને શાંતિ થઇ નહિ. ગામ દેરડીના વાણિયા રૂપશીભાઇ સારા વૈદ્ય તરીકે પ્રસિદ્ધ હતા તેમને બોલાવ્યા; એટલે તેઓ આવ્યા. રૂપશીભાઇ ગામમાં આવ્યા ત્યાં તેમણે ચોકમાં સખત તડકામાં બેસી સ્વામિનારાયણનું ભજન કરતા કાયાભાઇ જોયો એટલે તેઓ તેમની પાસે ગયા અને પૂછ્યું કે, “કાયાભાઇ, તમે તાપમાં બેસીને કેમ ભજન કરો છો ?” ત્યારે કાયાભાઇએ કહ્યું, “હું મુસલમાન હોવા છતા સ્વામિનારાયણનો ધર્મપાળુ છું. તેથી ગામધણીએ ગુસ્સે થઇને મને તડકે બેસાડ્યો છે.” રૂપશીભાઇ પોતે ખરેખરા સત્સંગી હતા. તેથી આ વાત સાંભળીને તેમના મનમાં ઘણું દુ:ખ થયું. તેઓ દરબાર પાસે ગયા અને દવા આપીને શાંતિથી વાત કરવા લાગ્યા કે, “દરબાર સાહેબ ! જો આપને મનાય તો એક વાત કરું.” ત્યારે તેમણે કહ્યું, ભલે કહો, પછી રૂપશીભાઇએ કહ્યું કે, “આપે ઘણી ઘણી દવાઓ કરી છતાં બળતરા ટળતી નથી. તો મારું એમ માનવું છે કે આપને કોઇ પ્રકારનો રોગ નથી. પણ તમે ખુદાના કોઇ ભક્તનો અપરાધ કર્યો છે તેથી તમને આ પીડા થાય છે. માટે પીડા ટાળવી હોય તો તે ભક્તને રાજી કરો એટલે દવા વિના બધું દર્દ મટી જશે.” પછી દરબારે તુર્તજ કાયાભાઇને પાસે બોલાવીને કહ્યું કે, “તમે સુખેથી સ્વામિનારાયણનું ભજન કરો. અમારે તેમાં કાંઇ હરકત નથી.” પછી કાયાભાઇ ઘેર ગયા અને દરબારને પણ થોડીવારમાં શાંતિ થઇ ગઇ.

  • આદર્શભકતગાથા તથા અન્ય ગ્રંથોમાંથી…

🙇🏻‍♂️🙏