ગામ વંથળીના મહામુક્તરાજ કલ્યાણબાપાને દેવજીભાઇ, શામાભાઈ અને ડાહ્યાભાઇ એમ ત્રણ દીકરા હતા. મોરના ઇંડા ચિતરવા ન પડે એ કહેવતે પિતાની જેમ જ ત્રણેય દિકરાઓ પણ ઘણા જ ઉત્તમ સત્સંગી હતા.

Gujarati

વંથળીના ડાહ્યાભાઇ અને તેમની ઉચ્ચ ભક્તિ સ્થિતિ

ગામ વંથળીના મહામુક્તરાજ કલ્યાણબાપાને દેવજીભાઇ, શામાભાઈ અને ડાહ્યાભાઇ એમ ત્રણ દીકરા હતા. મોરના ઇંડા ચિતરવા ન પડે એ કહેવતે પિતાની જેમ જ ત્રણેય દિકરાઓ પણ ઘણા જ ઉત્તમ સત્સંગી હતા. સત્સંગમાં અને સમાજમાં તેમની બહુ જ પ્રતિષ્ઠા હતી. એમણે જૂનાગઢની નજીકમાં ઇવનગર અને નવુંગામ એ બે ગામ વસાવ્યા. કલ્યાણબાપા ના ત્રણ સુપુત્રોમાં સૌથી નાના ડાહ્યાભાઈ એ તો ઉત્તમ સ્થિતિવાળા એકાંતિક ભક્ત હતા. તેઓ મંદિરમાં બેસીને અખંડ ધ્યાન ભજન કરતા. કોઈ મહાન તપસ્વી ઋષિમુનિના જેવી તપ પ્રધાન, નમ્રતાપૂર્ણ એમની ભક્તિનિષ્ઠા જોઈને ભલભલાનો પણ ગર્વ ગળી જતો. આહાર, નિદ્રા વગેરેને જીતી, ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાઓને દબાવીને વર્તતા અને પોતાને બ્રહ્મરૂપ માની સદા ભગવત્પરાયણ રહેતા. ડાહ્યાભાઈ ક્યારેય રાત્રે પગ લાંબો કરીને સૂતા નહિ. થાંભલાને ઓઠિંગણે બેસતા થકા ધ્યાન અખંડ ભજન કરતા. લગભગ અધરાત્ય વિત્યે પછી બહુ નિંદર આવવા માંડે ત્યારે ત્યાં બેઠા બેઠા જ ઝોકું ખાય લેતા. પથારીનું ગાદલું ગોદડું વગેરે ક્યારેય પાથરતા જ નહિ, ફક્ત હાથવણાટની એક જાડી પછેડી રાખતા તે બહુ ટાઢ વાય ત્યારે ઓઢતા. સં.૧૯૪૮ની સાલમાં ગઢડાના યજ્ઞમહોત્સવ પછી આચાર્ય પ્રવરશ્રી વિહારીલાલજી મહારાજે વડતાલમાં સત્સંગીજીવનનું પારાયણ કરાવ્યું હતું. એ વખતે ગઢપુર-જૂનાગઢ ધોલેરા વગેરે મંદિરોથી સૌ સદગુરુ સંતો વડતાલ પધાર્યા હતા. તે પ્રસંગે જૂનાગઢથી સદ્દગુરુ બાલમુકુંદદાસજી સ્વામી પણ વડતાલ હતા, એમના સાથે સંઘમાં વંથળીના ડાહ્યાભાઇ પણ દર્શન કરવા ગયા હતા. સદગુરુ બાલમુકુંદદાસ સ્વામીનું મંડળ ને ગઢપુરથી વડિલ સદ્ગુરુ સ્વામી રામચરણદાસજી વગેરે સહું સંતો સભામંડપના બીજે માળે ઊતર્યા હતા. તેમાં એક તરફ સાધુઓના આસનો હતા, તેની સામે એક થાંભલે ડાહ્યાભાઇનું આસન રાખ્યું હતું. તેમના માટે કોઠારીએ ગાદલું ગોદડું મોકલ્યું હતું, પણ ડાહ્યાભાઇએ તો તેને વીંટો કરીને ઓઠીંગણે મૂકી રાખ્યા હતા. સદગુરૂ રામચરણદાસજી સ્વામી ઉમરલાયક સંત હતા. એથી રાત્રિના ત્રણ ચાર વાર લઘુ કરવા ઊઠતા. સ્વામી જયારે જયારે ઊઠતા, ત્યારે ડાહ્યાભાઇને માળા ફેરવતા જુએ, પણ ક્યારેય લાંબો પગ કરીને સૂતેલા જોયા નહિ. આમ લગોલગ આઠ દિવસ સુધી એમણે જોયું. આથી, એક દિવસ રામચરણદાસજીએ બાલમુકુંદદાસ સ્વામીને પૂછ્યું કે, “સ્વામી ! તમારી સાથે આ હરિભક્ત આવ્યા છે તે ક્યા ગામના છે ?” સ્વામી કહે, “એ વંથળીના પરમભકત કલ્યાણભાઇ હતા. તેમના દીકરા ડાહ્યાભાઈ છે.” સ્વામી રામચરણદાસજી કહે, “ઓહોહો ! શું કાંઇ એમની સ્થિતિ છે ! હું બાર બજે, બે બજે અને ત્રણ બજે એમ રાત્રિના ત્રણચાર વાર જયારે જયારે લઘુ જાવા ઊઠું છું ત્યારે એ માળા ફેરવતા જ હોય છે. આજ આઠ દિવસથી હું બરાબર જોઉં છું, પણ એ ક્યારેય લાંબો પગ કરીને સૂતા નથી. અહો ! એના પગરખામાં આપણો તો પગ પણ આવે એમ નથી.” એક વખત મંદિરમાં ગોદડાં કરવા હતા. તેથી સાધુઓએ પૂછ્યું કે, “ડાહ્યાભાઈ ! આપણે ગોદડાં કેટલા લાંબા પહોળા કરીશું?” ત્યારે ડાહ્યાભાઇએ કહ્યું કે, “જેણે ગોદડું ઓઢ્યું પાથર્યું હોય તેને ખબર પડે.” ડાહ્યાભાઇની આ રીતની વાત સાંભળીને સાધુઓ બહુ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે, “અહો ! ગૃહસ્થ છે છતાં કેટલી ઉચ્ચ સ્થિતિ છે.! શાસ્ત્રોમાં જનક રાજા અને અંબરીષ વગેરેના દ્રષ્ટાંતો લખાયા છે પરંતુ તેથી પણ ઉત્તમ સ્થિતિ ડાહ્યાભાઇની છે.”

ડાહ્યાભાઈ વંથળીમાં પ્રસાદીનો જે સૂર્યકુંડ છે, ત્યાં હંમેશા સવારે સ્નાન કરવા જતા. એક વખતે ગામના કોઈ વણિકના બૈરાંઓ વહેલી સવારે સૂર્યકુંડમાં સ્નાન કરવા ગયેલ, તેમાં કોઈ બાઇએ પગમાં પહેરવાના સોનાના સાંકળા કાઢીને એક બાજુ મૂકી સ્નાન કરીને ચાલતી વખતે પેલા સોનાના કિંમતી સાંકળા ત્યાં પડી રહ્યા, ઘેર ગયા પછી પણ ઘરકામની પ્રવૃત્તિમાં બાઈને તે કંઈ યાદ આવ્યું નહિ. ડાહ્યાભાઈ રોજના ક્રમ પ્રમાણે સવારમાં સૂર્યકુંડે સ્નાન કરવા ગયા, ત્યાં પેલા સોનાના સાંકળા નજરે પડ્યા. એમણે વિચાર કર્યો કે આપણે પારકી વસ્તુ લેવાય નહિ, તેમ જ અડાય નહિ. આ ઘરેણું અહીં કોઈ ભૂલી ગયેલું હશે. તેને દુઃખ થશે માટે આને અહીં જ એક તરફ કોઈ લઈ ન જાય તેમ દાટી દઉં. પછી નજીક જ હાથલિયા થોરની વાડ હતી તેમાં તે સાંકળા લાકડીથી ઊંચકીને રાખી દીધા. પોતે સ્નાન કરીને મંદિરે આવ્યા ને ઠાકોરજી આગળ માળા ફેરવવા બેસી ગયા. સાંજના ચારપાંચ વાગ્યાના સુમારે પેલી બાઈને યાદ આવ્યું કે પગના સાંકળા તો સવારે સ્નાન કરવા ગયા હતા ત્યાં જ ભૂલાઈ ગયા છે. પણ અત્યાર સુધીમાં તો ત્યાં કેટલાય માણસો ફરી ગયા હોય તેથી હવે ત્યાં કંઈ હોય નહિ. આ વાતની જાણ થતાં કોઇએ કહ્યું કે ડાહ્યાભાઈ હંમેશા સવારે વહેલા સૂર્યકુંડે ન્હાવા જાય છે, માટે તેમને પૂછી જુઓ. તેઓ પ્રામાણિક માણસ છે તેથી હશે તેવું કહેશે. બાઈના પતિ ડાહ્યાભાઈને ઘેર ગયા. ત્યાં તેઓ હતા નહિ, એટલે શેઠ મંદિરમાં આવ્યા. તેમને બધી વાત કરી. ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું, “શેઠ ! હું ન્હાવા ગ્યો ત્યારે ત્યાં સાંકળા પડેલા જોયા, તે કોઇ લઈ ન લે માટે એક બાજુ થોરની વાડમાં રાખેલ છે. તમે ધ્યાન દઈ જોશો તો મળી આવશે.” સૂર્યકુંડે જઈ તપાસ કરતા સાંકળા મળી ગયા. શેઠને ડાહ્યાભાઇ પ્રત્યે અતિ આદરભાવ થયો.

જૂનાગઢમાં ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સ્વામી યોગેશ્વરદાસજી બહુ સમર્થ સંત હતા. તેમની સાથે ડાહ્યાભાઇને ઘણું હેત હતું. સંવત્ ૧૯૫૭ની સાલમાં સ્વામી દેહ ન રહે તેવા બીમાર થઇ ગયા. તે વખતે ડાહ્યાભાઈએ શ્રીજી મહારાજની આર્તહૃદયથી પ્રાર્થના કરેલી. તેથી સ્વામીને શ્રીજી મહારાજ તેડી ગયા નહિ. તે સ્વામીએ અંતર્યામીપણે જાણ્યું. પછી જ્યારે ડાહ્યાભાઈ સ્વામીના દર્શન કરવા આવ્યા, ત્યારે સ્વામીએ એમને મીઠો ઠપકો આપ્યો કે શ્રીજીમહારાજને ધક્કો ખવરાવ્યો ને મને ધામમાં જવા દીધો નહિ ને ? પછી ડાહ્યાભાઈ કહે, “સ્વામી મારે તમારા પહેલા ધામમાં જવું છે.” સં.૧૯૫૮ના જેઠ માસમાં ડાહ્યાભાઈ અક્ષરવાસી થયા, પછી સ્વામી યોગેશ્વરદાસજી ધામમાં ગયાં.

  • આદર્શભકતગાથા તેમજ બીજા ગ્રંથોમાંથી… 🙇🏻‍♂️🙏