સંવત ૧૮૬૬ માં શ્રીહરિએ ડભાણમાં ભકતોને સુખ દેવાને અર્થે ભવ્યાતિભવ્ય અઢાર દિવસનો શ્રીમહાવિષ્ણુયાગ યજ્ઞોત્સવ કર્યો.
Gujarati
ડભાણનો મહાવિષ્ણુયાગ અને ભક્તોનું પૂજન
સંવત ૧૮૬૬ માં શ્રીહરિએ ડભાણમાં ભકતોને સુખ દેવાને અર્થે ભવ્યાતિભવ્ય અઢાર દિવસનો શ્રીમહાવિષ્ણુયાગ યજ્ઞોત્સવ કર્યો. આ વખતે ડભાણના પટેલ વિષ્ણુદાસ, હરિશરણ, રૂગનાથ, પ્રાગજીદાસ, સવદાસ શંભુરામ, કાનદાસ અને બોચાસણના કાશીદાસભાઇ, કરજીસણના ગોવિદભાઇ અને નાનાભાઇ વગેરે ખુબ સેવાઓ કરી અને શ્રીહરિ તથા સહુ સંતો-ભકતોની ખુબ બરદાસ્ત જાળવીને અતિ રાજી કર્યા.
આ વખતે કચ્છ-કાઠીયાવાડ-ગુજરાત, સુરત, દંઢાવ્ય થી અનેક ભકતો આ મહાવિષ્ણુંયાગના દર્શને આવ્યા હતા. ગઢપુરથી સંઘમાં દાદાખાચર, સુરાખાચર, અલૈયાખાચર, જીવાબાપું, લાડુંબા, જીવુંબા, રાજબાઇ વગેરે સહું ડભાણ યજ્ઞના દર્શને આવ્યા હતા. એ વખતે ઉત્સવના દિવસે દાદાખાચર ગઢપુરથી પોતાની સાથે પૂજનનો સામાન લાવ્યા હતા, પરંતું પૂજનની સામગ્રીમાં ફુલના હાર ન હતા, પોતે મનમાં સંકલ્પ કરતા હતા, એ જ સમયે એ માળી ફૂલનો ટોપલો લઇને ત્યાંથી પસાર થયો, દાદાખાચરે એમની પાસેથી ફૂલના હાર લીધા, ગજરા લીધા, બાજુબંધ લીધા ને વળતર રુપે એ માળીને પોતાના કડીયે બાંધેલ વાંસળી છોડીને એક સોના મહોર દીધી. પેલો પેટીયું રળતો ગરીબ માળી તો થોડાક ફૂલના બદલામાં સોનામહોર મળતા અતિ અહોભાવ થી ગદગદ ભાવે દાદાખાચર ના પગમાં પડી ગયો, ત્યારે કિશોર ઉંમરનાં દાદાખાચર એમને હાથ જોડીને બોલ્યા કે ભાઇ, આ તારા હાર-ગજરાનું અત્યારે તો કોઇ મુલ્ય થઇ શકે એમ નથી, એના બદલામાં આ સોનામહોર નું મુલ્ય તો કશુંય નથી.” આમ અતિમહીમાંથી ફૂલના હાર-ગજરા બાજુબંધ વગેરે લઇ લીધા.
તેઓ સૌ સાથે શ્રીહરિ બીરાજતા હતા ત્યાં પૂજન કરવા પધાર્યા, એ વખતે શ્રીહરિના અગ્રપૂજન વખતે કાઠીયાવાડથી સંઘમાં પધારેલા નવ વર્ષની સાવ નાની ઉંમરના મુકતરાજ દાદાખાચરને શ્રીહરિએ નજીક બોલાવ્યા. દાદાખાચરે નજીક આવીને પ્રણામ કરીને પૂજન કરતા શ્રીહરિના ચરણો ધોયા, ચંદન-કંકું તેમજ અક્ષતથી શ્રીહરિના ચરણારવિંદનું પુજન કર્યું. શ્રીહરિ ને ફૂલના સુગંધી હાર પહેરાવ્યા, બાજુબંધ બાંધ્યા અને ગજરાં અર્પણ કર્યા. ગઢપુરથી શ્રીહરિ સારું દાદાખાચર પોતે રુપીયા આઠસોની કિંમતના સોનાના તોડાં લાવ્યા હતા એ ચરણે ધરાવ્યા, સાથે જીવુંબાં અને રાજબાઇ વતિ રુપીયા ચોવીસસો રુપીયાના કનકના કડાં લાવ્યા હતા એ ધરાવ્યા, અને લાડુંબાં વતિ સાતસો રુપીયાની કિંમતનો કંદોરો પણ ધરાવ્યો. શ્રીહરિને પ્રણામ કર્યા એ વખતે શ્રીહરિ દાદાખાચરને ભેંટી પડ્યા. ત્યારબાદ ઝીંઝાવદર દરબાર શ્રી અલૈયાખાચરે અઢારસો રુપીયાની કિંમતના સાંકળા, કારીયાણી દરબાર મુકતરાજશ્રી માંચાખાચરે બારસોં રુપીયાની કિંમતની ઉતરી, શ્રીહરિના સખા એવા લોયા-નાગડકા દરબારશ્રી સુરાખાચરે, સોમલા ખાચરે રુપીયા એકસો ની કિંમતનો વેઢ ધારણ કરાવ્યો. જીવાબાપું, બંધીયાના દરબાર શ્રી મુંળુંભાઇ, નાજા જોગીયા, હમીરખાચર, અને માંતરા ધાધલ વગેરે સહુંએ વારાફરતી પધારીને એક એક વેઢ અર્પણ કરીને પુજન કર્યું. ગામ પીઠવડીના મુકતો એના ભગો-મૂળો પોતે રુપીયા બસોની કિંમતના સોનેરી સુરવાળ અને જામો, નવાનગરના હરિભકતો અઢારસોં રુપીયાની કિંમતનો સોનેરી રેંટો અને સોનાના તાર વાળા વસ્ત્ર ઉપરણી, ગામ સુંદરીયાણાથી પુંજાંશા અને વનાશાં સોનાના બોર વાળા બાજુંબંધ, બોચાસણના કાશીદાસે સો-સો રુપીયાની કિંમતના ચોકડાં (કાનમાં પહેરવાનું ઘરેણું), મોતીભાઇ શાહ પાંચસો રુપીયાનો કિનખાબનો પોશાક, ગોવિંદભાઇ પટેલ ત્રણસો રુપીયાની કિંમતની સોળવલાં સુવર્ણની દુગદુગી (ગળે પહેરવાનું ઘરેણું), રૂપચંદ શેઠ બારસો રુપીયાની કિંમતની ઉતરીં, જાદવજીભાઇ ત્રણસો રુપીયાની કિંમતનું હિરાજડીત માંદળીયું, નરોત્તમભાઇ સોના ના ફૂલ વાળી ચાંદીની એકસો રુપીયા ની ચાખડીં, લલ્લુભાઇ અને લક્ષ્મીચંદ બેઉ બસો-બસો રુપીયાની હાથે પહેરવાની એક એક સોનાની પોંચી, ગંગદાસભાઇ બસો રૂપિયાની મોતીની માળા, સુરજરામ એકસો રુપીયા નો પાઘમાં રાખવાનો સોનાનો તોરો, પિતાંબરભગત સવાયો રુપીયાની જવમાળા, ઘેલાભાઇ એકસો નો ઘૂઘરીવાળો કંદોરો, તાપીદાસ અને ભવાનીદાસ બેઉ કાનમાં ધરાવવા એકસો એકસોના સોનાના ગુચ્છ, લક્ષ્મીબાઇ પાંચસો રૂપિયાની સોનાનું સુરજમુખી અલંકાર, નરસિંહભાઇ પાંચસો રુપીયાની અબદાગીરી, ભકત નાગરદાસ એકસો રૂપિયાનું છત્ર, અરદેશર કોટવાળ અને પીલું સાહેબ શ્રીહરિ સારું સોનાના ડાંડા વાળો ચમર લાવ્યા હતા. આમ પોતાના સર્વ પ્રેમીભક્તોનો ભાવગ્રહણ કરતા થકા વસ્ત્ર, અલંકાર, આભૂષણ ધારણ કરીને શ્રીહરિ અતિ શોભતા હતા.
પુજયા શ્રીસહજાનંદ સ્વામી, નાંખ્યું દુખ દારિદ્રને વામી..! વસ્ત્ર વાહન અલંકાર અતિ, પુજયા પ્રીત કરી સંતપતિ..!! પુષ્પ ચંદન અત્તરને હાર, પુજ્યા સુરતિ જને કરી પ્યાર..! થાળ કરાવ્યા એમણે અતિ, જમાડયા સંતને પ્રાણપતિ…!!
આ ઉપરાંત સુરતથી આવેલ સંધના ભાલચંન્દ્રશેઠ વગેરે ભક્તો પંદસો રુપીયાની રોઝા અને માણકી ઘોડી સારું પલાણ, કરજીસણના ગોવિંદભાઇ બારસો રુપીયાનું રોઝા ઘોડા સારું તાવિત, જીભાઇ ચારસો રુપીયાની ડૂંમચી (સાજ-પલાણને પુછડી સાથે બાંધવાની દોરી), પુરુષોત્તમભકત રૂપાના રુપીયા ત્રણસોના ઘૂઘરીવાળા ઝાંઝર ને રુપીયા એકસો એકસોના બે એવા રૂપાનાં પેંગડા લાવ્યા હતા. અંબારામભાઇ ડોઢસો રુપીયાનું રૂપાનું ચોકડું, દાદાભાઇ સો રુપીયાની કિંમત ની મણિ જડીત કલગી, નારાયણભાઇ અઢીસો રુપીયાની કિંમતનો મોવડોં બનાવરાવી લાવ્યા હતા. જે સર્વ ભકતોના ભાવને ગ્રહણ કરી નાજા જોગીયા પાસે રોઝા ઘોડાને પહેરાવી ને તૈયાર કરીને એ ઉપર શ્રીહરિ સવાર થયા હતા. ભકતો એ અર્પણ કરેલ મોંઘા મોંઘા વસ્ત્ર-અલંકારો ધારણ કરીને શ્રીહરિ ડભાણ ગામની બજારો માં હજારો ભકતોને દર્શન દેવા સારું રોઝે ઘોડે ચડીને પધારતા. શ્રીહરિ દરરોજ સંતોને પંકિતએ ફરી ફરીને લાડું -જલેબી પીરસતા, અને હજારો બ્રાહ્મણો ને ચોરાશીઓ કરીને જમાડ્યા, તેમજ એ વખતે સંતો એ શ્રીહરિને યજ્ઞની વેદી ઉપર બાંધેલ હિંડોળામાં અતિ હેતે ઝુલાવ્યા હતા.
ધન્ય ધન્ય ડભાણ ગામ, લેતા પાવન થઇ નામ..! ધન્ય ધન્ય ડભાણ ના જન, જીંયા પ્રભું રહ્યા રાતદન..!! કર્યા દર્શન જેણે દ્રગ ભરી, પાછા ન પામે ભવમાં ફરી..! ઉડી ડમરી ગઇ આકાશ, પામી દેવ થયા હૂલ્લાસ..!! વૃક્ષ વેલી વાહન આવ્યા કામ, કેતો પામ્યા પ્રભુજીંનું ધામ..! જે જે જમ્યા જગનનું અન્ન, કરી દર્શન થયા પાવન..!! કહી કહી કહીએ કેટલું, નવ કહેવાય થયું તેટલું..! આ લીલા સંભારી જે ગાય, તેને સર્વે દુખ મટી જાય..!!
- સદગુરુ વાસુદેવચરણદાસજી સ્વામી રચિત શ્રીહરિચરિત્રચિંતામણી કળશ ૧૦૫ માંથી…
🙇🏻♂️🙏