એકવખતે શ્રીહરિ અને આત્માનંદ સ્વામી વગેરે સહુ સંતો કચ્છ દેશ માં વિચરણ કરતા કરતા ગામ ધુંણઇ આવ્યા ને સર્વે સાધુને કાનજી સુતારની કોઢે ઉતારો આપ્યો.

Gujarati

આત્માનંદ સ્વામી અને કાઠિયાવાડી રોટલાનો પ્રસંગ

એકવખતે શ્રીહરિ અને આત્માનંદ સ્વામી વગેરે સહુ સંતો કચ્છ દેશ માં વિચરણ કરતા કરતા ગામ ધુંણઇ આવ્યા ને સર્વે સાધુને કાનજી સુતારની કોઢે ઉતારો આપ્યો. શ્રીજીમહારાજ સુતાર કાનજીને ઘેર ઉતર્યા. કાનજી સુતારે શ્રીજી તથા સંતોને જમવા સારું થાળ નું પુછ્યુ ત્યારે ગળ્યા ચોખા કરાવ્યા. સંધ્યાટાણું થતા સંતો ને કહ્યું જે, વાળુ કરવા ચાલો એટલે સહુ સંતો આવ્યા. ત્યારે બાઇઓએ કહ્યું જે, મહારાજ, સહુ સંતો ને જમવા સારું ઠામ મંગાવીએ ? ત્યારે મહારાજે કહ્યું જે, ઠામ તો અમારી પાસે છે. એમ કહેતા સંતોએ પંકિતમાં પોતાની બે ઝોળી પાથરી. તે ઝોળિયુંમાં ચોખા પીરસ્યા. એ વખતે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, આટલું બધુ તો કોણ જમશે ? ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું જે, સ્વામી, તમારે બોલવું નહિ. એમ કહીને સર્વે સાધુ ઝોળિયું ફરતા જમવા બેઠા. શ્રીહરિએ સર્વે ‘હરે કરો’ એમ કહેતા સર્વેએ જમવા માંડ્યું. આત્માનંદ સ્વામી થોડું જમીને રહી ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, રાખો. ને તાંસળિયું લાવો. તે સુણી કાનજી સુતાર અને હરિભક્તો ઘરમાંથી તાંસળિયું લાવ્યા. એમ સર્વ સંતોને એક એક દોથો ચોખાને માંહે દૂધની તાંસળિયું ભરી દીધી. પછી બોલ્યા જે, એટલું જમીને ઊઠો. સંતો શ્રીહરિની આજ્ઞાએ એટલું જમીને કોઢે જઇને સૂઇ રહ્યા. શ્રીજીમહારાજ પણ કાનજી સુતારને ઘેર પોઢી ગયા.

પરોઢ થતા સવારે ડુંગરજીભગત આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ચાલવા માંડો. અમે આવીએ છીએ. એ સમયે સંતો પણ ગામ બહાર કૂવા ઉપર નાહતા હતા. ત્યાં મહારાજ આવ્યા ને હસતાં હસતાં કહ્યું જે, કેમ આત્માનંદ સ્વામી ! કેવા જોગ સાધ્યા ? કે ભેંસ જોગ સાધ્યા ? એમ મહારાજ હાસ્યવિનોદ કરતા કરતા ત્યાંથી ગામ પુનડી આવ્યા, ને સાધુને કહ્યું જે, તમો સર્વે આહી હાટમાં બેસો, અમે આગળ જગ્યા સમી કરાવીએ. શ્રીજીમહારાજ હરિભકત સુતારને ઘેર ગયા ને ત્યાં ઓંસરીમાં આડી મોદ બંધાવી ને ઢોલિયો ઢળાવીને તે ઉપર મહારાજ બેઠા. પછી સર્વ સાધુને હાટ ઉપરથી બોલાવી તેડાવ્યા. તે સાધુ આવ્યા ને શ્રીહરિ સન્મુખ ઓસરીમાં બેઠા. ત્યારે એ સભામાં આત્માનંદ સ્વામીને ચિદ્રૂપાનંદ સ્વામીએ કહ્યું જે, સ્વામી, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે, જીવ ગર્ભમાં પાંચ મહિને આવે છે તે કેમ સમજવું ? ત્યાર પછી તે બે સંતો મહારાજ પાસે મોદ પાથરી હતી તે ઉપર આસન કરીને બેઠા. શ્રીહરિએ ચિદ્રુપાનંદ સ્વામીનો પ્રશ્ન વિગતે સમજાવ્યો. એ વખતે બાઇઓએ આવીને ફળીમાં ઉભા થકા મહારાજને કહ્યું જે, રસોઇની આજ્ઞા કરો તો રસોઇ કરીએ. ત્યારે મહારાજે કહ્યું જે, રાત્રે મોડા જમ્યા છીએ તે કોઇને ભૂખ નથી. ત્યારે બાઇઓ બોલ્યાં જે, રાત્રે જમ્યા છો ને કહો છો જે ભૂખ નથી, એમ કેમ હોય ? ત્યારે શ્રીહરિ કહે જે, અમે ગળ્યું ચીકણું જમતા નથી. તે બાજરાના રોટલા કરો અને મગની દાળ કરો તો જમીયે. ત્યારે બાઇઓએ કહ્યું જે, બહું સારું મહારાજ. એમ કહીને પછી રોટલા ને મગની દાળ કરી. રસોઇ તૈયાર થતા શ્રીજીમહારાજ તથા સર્વ સાધુ જમવા બોલાવ્યા એટલે આત્માનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, “તમો સહુને સત્સંગની વાતું કરો ને અમે જમી આવીએ”. એમ કહીને શ્રીજીમહારાજ જમીને પરત સ્વામી પાસે આવ્યા.

ત્યારે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે જમી આવો. પછી તે જમવા ગયા. અને મહારાજ જમીને ઊઠ્યા હતા તે વાસણમાં દાળ અને થાળીમાં અર્ધો રોટલો હતો તે પ્રસાદી સ્વામી જમ્યા. પછી સૌ આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, આત્માનંદ સ્વામી ! કેમ, આ રોટલો કાઠિયાવાડી ખરો કે નહિં ? ત્યારે તેમણે કહ્યું જે, હા મહારાજ, આ રોટલો કાઠિયાવાડી છે, પછી મહારાજે કહ્યું જે, સાધુ દીઠ એવા બે રોટલા જોઇએ. ને દાળ તથા ચાંપુ ચોખા હોય તે ગણવા નહિ. એક વખત જમવું. ને સવારમાં જમ્યા હોય અથવા માર્ગે ચાલ્યા હોય, કે થોડું મળ્યું હોય, ત્યારે બીજી વખત જમવું, પણ મનની ભૂખે ન જમવું ને પ્રાણની ભૂખે જમવું, એવી રીતે સર્વ સાધુઓને એમના નિયમની ઘણી ઘણી વાત કરી. પછે શ્રીજીમહારાજ પોઢવા પધાર્યા.

  • શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૧૫માંથી…

🙇🏻‍♂️🙏