મુકતરાજ દિનાનાથ ભટ્ટના ગામ આમોદમાં વિપ્ર ગણપતરામ નામે બ્રાહ્મણ હરિભક્ત બહુ સારા હતા. તેઓ સંતોના યોગે સત્સંગ પરિપક્વ થતા મહારાજનો મહિમા સર્વોપરી જાણતા હતા.

Gujarati

આમોદના ગણપતરામ અને તેમનું અક્ષરધામ ગમન

મુકતરાજ દિનાનાથ ભટ્ટના ગામ આમોદમાં વિપ્ર ગણપતરામ નામે બ્રાહ્મણ હરિભક્ત બહુ સારા હતા. તેઓ સંતોના યોગે સત્સંગ પરિપક્વ થતા મહારાજનો મહિમા સર્વોપરી જાણતા હતા. શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ એવા શ્રી પુરૂષોત્તમનારાયણ જાણતા. પોતે અખંડ શ્રીસ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, દિવસ રાત્રી ગામના સહું હરિભકતો ને ભેગા કરીને વચનામૃત વાંચતા, તેઓને ગ્રામ્ય કથા તો તેમને સાંભળવી પણ ગમતી નહિ.

આ વિપ્ર ગણપતરામ ને સદગુરૂ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ શુકાનંદ સ્વામી સાથે હેત ઘણું હતું. એકવખતે શ્રીજી મહારાજે પણ એમની મુમુક્ષુતા જોઇને કહેલું કે ‘આ ગણપતરામનો જીવ તે મુક્તાનંદ સ્વામીના જેવો છે.’ આ ગણપતરામ પોતાની અવસ્થા થતા એકસમયે માંદા થયા, ત્યારે તેને શ્રીજીમહારાજ તથા મોટા મોટા સર્વ સંતના દર્શન થયાં. ત્યારે મહારાજે કહ્યું જે, ‘ગણપતરામ તમારી પાસે દ્રવ્ય છે તેમાંથી જે કાંય સંકલ્પ હોય એ મંદિરમાં દેવું હોય તેટલું દઈ દો ને તમારા ઘરનાં માણસને આપવું હોય તેટલું આપો.’ તે વખતે ત્યાં ગઢપુર તથા જુનાગઢના મળીને સાંઈઠ સાધુઓ મંદિરમાં હતા. તે સર્વેને ગણપતરામભાઈએ પોતાને ઘેર આમોદ ગામે તેડાવ્યા ને ગામના હરિભક્તને પણ તેડાવ્યા ને કહ્યું જે ‘મારી પાસે બચતના રૂપિયા પાંચ હજાર છે તેમાંથી એકહજાર આંહીના મંદિરના, એક હજાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના, ને એક હજાર મારા દાડાના ને એક હજાર મારી દીકરીયુંના ને એકહજાર મારી સ્ત્રીના જાણવા, આવતી કાલે બપોરે મારે દેહ મેલવો છે. માટે સર્વ સંતોને વહેલી રસોઈ કરાવી લેવી.’

બીજે દિવસે સર્વ સાધુઓએ વહેલી રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમી લીધું ને પછી ગણપતરામભાઈને ઘેર ગયા, ત્યારે સર્વેનાં દર્શન કરીને ગણપતરામભાઈ બોલ્યા જે ‘મને શ્રીજીમહારાજ અને સર્વ મુકતોના દર્શન થાય છે.’ ત્યારે જુનાગઢના જોગી સદગુરૂ મહાપુરુષદાસ સ્વામીએ કહ્યું જે ‘તમે ગોપાળાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો.’ એ પછી સહુ સંત મંદિરમાં આવ્યા ને તે જ વખતે ગણપતરામભાઈ દેહ મેલીને અક્ષરધામમાં ગયા. આમ પોતે શ્રીહરિના દર્શને સહું અગાઉથી કહીને અક્ષરધામમાં સીધાવ્યા.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….

🙇🏻‍♂️🙏