એકવખત ગોંડલ દરબારશ્રી ભાણાબાપુંએ શ્રીહરિના કૃપાપાત્ર એવા જેઠામહારાજની કથા પુર્ણ થતા દર્શન કરતી વખતે સુચિતાર્થ માં પુછ્યુ કે “આપણા ગોંડલની ગાદી કેમ તપતી નથી..?”
Gujarati
ગોંડલના જેઠામહારાજ અને ગોંડલ મંદિરનો ઇતિહાસ
એકવખત ગોંડલ દરબારશ્રી ભાણાબાપુંએ શ્રીહરિના કૃપાપાત્ર એવા જેઠામહારાજની કથા પુર્ણ થતા દર્શન કરતી વખતે સુચિતાર્થ માં પુછ્યુ કે “આપણા ગોંડલની ગાદી કેમ તપતી નથી..?” તે સમયે અતિ પવિત્ર ને ભોળા એવા જેઠા મહારાજે દરબારશ્રીને કહ્યુ કે “હમણા ઉનાળો આવશે ને વૈશાખ તપશે એટલે આંખોય પંથક તપશે, જો દરબારગઢમાં માથેથી નળિયા ઉતારી નંખાવો તો તો એથીય વધારે તપશે..!” આમ વાત વાતમાં રમુજ કરી. દરબારશ્રી ભાણાબાપું કહે કે “જેઠા મહારાજ હું તો ગોંડલ રાજસીંહાસને કેમ કોઇ રાજા લાંબો સમય ટકતા નથી, એ કહું છું.” તે સમયે સ્પષ્ટ વક્તા એવા જેઠા મહારાજ બોલ્યા કે “દરબાર, તમે ને પુરોય રાજપરિવાર સત્સંગ તો ગુરુદેવ રામાનંદ સ્વામી વખત થી કરો છો, પરંતું ગામમાં સંતોને શ્રીહરિને કાયમી રહેવાનું મંદિર તો કરાવતા નથી, જો રાજખર્ચે મંદિર કરાવો તો ગોંડલની ગાદી તપે…!” આમ વાત કરતા જ ગોંડલ ના રાજા ભાણાબાપુંને સત્ય વાત સમજાણી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને તેડાવીને રાજખર્ચે પાકકું હરિમંદિર અને ધર્મશાળા પણ કરાવી. આદિ આચાર્ય શ્રી રઘુવિરજીમહારાજને ગોંડલ તેડાવીને વાજતે ગાજતે ઉત્સવ મનાવતા થકા એમના વરદ હસ્તે દેવોની મુર્તિપ્રતિષ્ઠા વિધી થયો.
ગોપાળસ્વામી વળી ભૂપ પાસ, વિશેષ કીધું વચન પ્રકાશ..! તમે હરિમંદિર તો કરાવો, સુસંતને ઉતરવા ઠરાવો…! સુતાર કચ્છી જન દેવરામ, નિવાસથી દક્ષિણ દીશ ઠામ..! જગ્યા હતી મંદિર ત્યાં કરાવ્યું, ભક્તો તણાં અંતર માંહિ ભાવ્યું…! ભાણાજીયે ભાવ ભલો સજીને, આચાર્યજી શ્રીરઘુવીરજીને..! તેડાવી તેની સજી સારી સેવા, આ લોકમાં લાભ અલભ્ય લેવા…! ગુણાતીતાનંદ મુનીન્દ્ર પાસ, વાતો સુણી ચિત્ત ધરી હુલાસ..!
એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા. જેઠામહારાજ વગેરે સહુ ભકતો સ્વામીનો સમાગમ વગેરે કરતા. બે દિવસ થયા પરંતુ ગોંડલ દરબારશ્રી ભાણાબાપું દર્શને આવ્યા નહી, એટલે જેઠા મહારાજે એમને સમાચાર મોકલાવ્યા કે ‘સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે પધાર્યા છે તો રાજના કાજમાંથી સમય કાઢીને દર્શને પધારજો..!’ આ સમાચાર મળતા જ દરબારશ્રી જવા તૈયાર થયા પરંતું નીકળતા જ કોઇને છીંક આવી, એટલે સત્સંગ નો દ્વેષી એવો કારભારી કહે કે અપશુકન થયા હવે ન જવાય..! બીજેદિવસે ફરીને જવા તૈયાર થયા પરંતુ બિલાડી આડી ઉતરી એટલે ફરીને તેઓને રોક્યા.
જેઠામહારાજને મનમાં થયું કે બે દિવસ થયા સંતો આવ્યાના સમાચાર તો મોકલાવ્યા પણ દરબારશ્રી કેમ નહી આવ્યા હોય, કાંઇ માંદગી તો નહી હોયને..! આમ લાચારીને તેઓ ખુદ જ દરબારશ્રીને મળવા રાજદરબાર માં આવ્યા ને ખબરઅંતર પુછ્યા. ભાણાબાપું બોલ્યા કે “તમારા સમાચાર મળતા જે સ્વામીના દર્શને બે વખત જવા નીસર્યા પરંતું બેઉ વખત અપશુકન થયા એટલે દર્શને આવી ન શકયો.” આમ વાત સાંભળતા જ સ્પષ્ટ ને નીડર વક્તા એવા જેઠા મહારાજ બોલ્યા કે “સાંભળો દરબાર, તમે થોડા તમારા દિકરા ની જાન જોડીને જાઓ છો, તમો તો શ્રીહરિના પરમએકાંતિક સંતના દર્શને જાવ છો, તમને આ સંસાર ના કોઇપણ અપશુકન નડે જ નહી. જો આવડા મોટા સંત આંગણે પધાર્યા હોય અને એના દર્શન ન કરીએ એ જ જીવનમાં મોટા અપશુંકન કહેવાય.” દરબારશ્રી ભાણાભાઇ ને પોતાની ભૂલ્ય સમજાણી અને જેઠામહારાજ સાથે જ તેઓ સ્વામીના દર્શન-સમાગમ કરવા પધાર્યા. આમ, જેઠામહારાજ સત્ય હિતની વાત કરવામાં કોઇની શેહશરમ રાખતા નહી.
- શ્રીહરિલીલામૃત કળશ ૧ વિશ્રામ ૮માંથી….
🙇🏻♂️🙏