ગામ ગોંડલમાં ગુરુદેવ રામાનંદ સ્વામી, પ્રભું શ્રીહરિ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી વગેરે સહું ના સમયથી ઘણા કૃપાપાત્ર મુકતો રહેતા હતા. એમાના એક એટલે ગૌડ બ્રાહ્મણ કુળમાં જન્મેલા એવા ‘જેઠામહારાજ’ હતા.

Gujarati

ગોંડલના જેઠામહારાજ અને શ્રીજી મહારાજના આશીર્વાદ

ગામ ગોંડલમાં ગુરુદેવ રામાનંદ સ્વામી, પ્રભું શ્રીહરિ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી વગેરે સહું ના સમયથી ઘણા કૃપાપાત્ર મુકતો રહેતા હતા. એમાના એક એટલે ગૌડ બ્રાહ્મણ કુળમાં જન્મેલા એવા ‘જેઠામહારાજ’ હતા. એક તો એમને બ્રાહ્મણ નો દેહ ને પોતે ભણેલા નહી તે રોજગારીનો મેળ પડે નહી, સ્વભાવે એકદમ ભોળા એટલે આર્થિક રીતે સાધારણ હતા. જેઠા મહારાજ ઇશ્વરકૃપાએ રસોઇ બહું સારી બનાવતા.

એકવખતે ભકતરાજ દરબારશ્રી દેવાજી અને હઠીસીંહજી ના આમંત્રણને માન આપીને ભગવાન શ્રીહરિ અને સદગુરુ મુકતાનંદ સ્વામી વગેરે સહું ગોંડલ દરબારગઢમાં પધાર્યા હતા. એ વખતે દરબારશ્રીના આગ્રહે શ્રીહરિએ રીંગણાનું શાક ઘીમાં વધારી ને બનાવ્યું હતું. આ વખતે જેઠામહારાજને શ્રીહરિ તથા સંતોના રસોડાની જવાબદારી સોંપવામાં આવી હતી. ધીરેધીરે શ્રીહરિ અને સહું સંતો વગેરે નજીક રહેતા એમને બહું હેત થઇ ગયું, આમ તેઓનું ભકતહૃદય શ્રીહરિવરનાં રંગે રંગાઈ ગયું. પોતે શ્રીહરિ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. જેઠા મહારાજ પોતે સત્સંગી થતા એમના નાત્ય ના બીજા બ્રાહ્મણોને રુચ્યું નહી એટલે તેઓ એને મનફાવે એમ મેંણાં-ટોંણા મારવા લાગ્યા. જેઠા મહારાજ ના ભજન સ્મરણ અને સેવામાં એ સહું ના ઉપદ્રવથી કશીય ઓટ ન આવી, પરંતું મનમાં એક ડંખ રહેતો કે ‘હું અભણ મૂવો તે શાસ્ત્રો ભણ્યો નથી, નહીંતર આ દ્વેષ કરનારા તમામને જડબાતોડ જવાબ આપીને એમની કુબુદ્ધિ ને ઠેકાણે લાવી દેત…!’ આમ મનમાં કાયમ વસવસો થયા કરે. એવામાં એકસમયે શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે ફરીને ગોંડલમાં પધાર્યા હતા, દરબારગઢમાં ધામધૂમથી સામૈયું થયું, આ વખતે પ્રેમીભકત એવા જેઠામહારાજ શ્રીજીના દર્શને આવ્યા ને દંડવત પ્રણામ કરીને હાથ જોડીને વિનંતી કરતા બોલ્યા કે “હે મહારાજ, આ તમારા જેઠીયા ની એક વિનંતી છે, આપ કૃપા કરીને મારે ઘેર થાળ જમવા પધારો .” શ્રીહરિ એ રાજી થઇને હા કહેતા તેઓને તો હૃદયમાં ખુશીનો પાર ન રહ્યો. પોતે ઘેર જઇને રસોઇ કરવા મંડયા, સંધ્યાસમે ઢળતા શ્રીહરિ પોતાને ઘેર જમવા પધાર્યા ઓસરીમાં બાજોઠ ઢાળ્યા અને શીતળ જળના કળશ ભરીને મુકયા. પોતાના હાથે જ પ્રેમે કરીને બધીય રસોઇ બનાવીને શ્રીહરિને થાળ પીરસીને જમવા બેસાર્યા. પોતે હેતથી પીરસીને શ્રીહરિને જમાડયા. શ્રીહરિ જમીને મુખવાસ લઇને ઓસરીની કોરે ઉભા થકા પુછ્યુ કે ‘જેઠા મહારાજ, તમારે પરિવારમાં બીજા કોઇ સત્સંગી નથી કે શું?’ ત્યારે જેઠામહારાજે નિસાસો નાંખીને કહ્યુ કે “હે મહારાજ, અમારા બ્રાહ્મણ કુટુંબમાં ખોટું જ્ઞાન પેસી ગયુ છે, મે સર્વને સમજાવવા ઘણાય પ્રયત્નો કર્યા પરંતુ હુ રહ્યો અભણ તે મારો કોઇ તર્ક એમના સામે ટકતો નથી, ને મારે એમના સંસ્કૃત-પ્રાકૃતના તર્કો સામે સમાધાન ન થતા નીચાજોણું થાય છે.” આ સુણીને ભકતવત્સલ શ્રીહરિ મંદ મંદ હસ્યા ને પોતાના ભકત ઉપર કૃપા કરતા થકા બોલ્યા કે ‘જેઠાભગત, એવું છે! જાઓ આજથી ગમે તેવો મોટો વિદ્વાન હશે તોય એ વાદ-વિવાદ માં તમને જીતશે નહી, એના ગમે એવા પ્રશ્નો હશે એના તમે જવાબ આપી શકશો, સહું કોઇ તમને અદાં કહીને બોલાવશે, આખાયે તમારા ગોંડલ ગામમાં તમને સહુ કોઇ માન સહિત બોલાવશે.” આમ, શ્રીહરિએ માથે હાથ મેલી ને જેઠા મહારાજને આશીર્વાદ દીધા.

શ્રીજી કહે સિંહ ઘણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોય…! વિપ્રે કહ્યું જે કહું વાત સાચી, છે મારી બુદ્ધિ પ્રભુ છેક કાચી..! કોઈ કરે વાદ વિવાદ આવી, તો તેહને હું ન શકું હઠાવી…! એવું સુણી અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું..! સરસ્વતી તુજ મુખે વસાશે, વિવાદ મધ્યે તુજ જીત થાશે…! પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો..! છ શાસ્ત્રવેત્તા કદી કોય હોય, તે વિપ્રને જીતી શકે ન તોય..! જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો..!

પછી તો પુરુષોત્તમનારાયણ ના આશીર્વાદ મળતા જ જાણે સરસ્વતીદેવીનો જેઠીયા મહારાજની જીહ્વાએ વાસ થયો, પોતે ખુબજ રસાળ શૈલીમાં શ્રીહરિના ઐશ્વર્યો, શ્રીરામચરિતમાનસ, શ્રીમદભાગવતને પોતાના મુખે આસપાસના ગામડાઓમાં કથાઓ કરતા. ગોંડલ આસપાસના મેંગણી, માખાવડ, ખાંભા, કાંગશીયાળી, વાગુદડ વગેરે ગામોમાં ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી, બાલમુંકુંદદાસ સ્વામી, વગેરે સહું સદગુરુ સંતો તેમજ અચિંત્યાનંદજી અને શાંતાનંદજી બ્રહ્ચારીઓ અવારનવાર ગોંડલ પધારતા. ગોંડલનો રાજદરબાર પણ મંદિરે નિર્માનીપણે દર્શન તેમજ કથા સાંભળવા આવતા. જેઠામહારાજ પ્રત્યે મેંગણી દરબારશ્રી માનભાં બાપુ તેમજ લોધિકા દરબાર જીભાઇને અતિ વિશેષ સ્નેહ હતો, તેઓ એમને શ્રીહરિના કૃપાપાત્ર જાણીને બહુ મહીમાભાવથી અન્ન-ધન્ન વસ્ત્રે કરીને સાચવતા.

  • શ્રીહરિલીલામૃત કળશ ૧ વિશ્રામ ૭માંથી….

🙇🏻‍♂️🙏