એકસમયે ભકતવત્સલ ભગવાન શ્રીહરિની માળાના પ્રથમ મણકા સમાન દેવજીભગતના ગામ નેનપરમાં સદગુરુ કૃપાનંદસ્વામી તથા ગુરુદેવ ગુણાતીતાનંદસ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા પધાર્યા હતા.

Gujarati

નેનપુરના દેવજીભગત અને શ્રીજી મહારાજ

એકસમયે ભકતવત્સલ ભગવાન શ્રીહરિની માળાના પ્રથમ મણકા સમાન દેવજીભગતના ગામ નેનપરમાં સદગુરુ કૃપાનંદસ્વામી તથા ગુરુદેવ ગુણાતીતાનંદસ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા પધાર્યા હતા. સાંજે સંધ્યા આરતિ અને કથાવાર્તા થઇ, એ સમયે દેવજીભગત પોતાની વાડીએથી આવીને બળદ ને નિરણ પૂળો કરીને તુરંતજ મંદિરે સંતોના દર્શને દોડતા આવ્યા. દેવજીભગત દંડવત પ્રણામ કરીને સ્વામી પાસે વાતું સાંભળવા બેઠા. મોડી રાતના દસ વાગ્યા એટલે કૃપાનંદ સ્વામી બોલ્યા જે, “હવે ભગત બહુ મોડું થયું, આંખોય દિવસ ના ખેતીકામથી થાક્યા હશો, ઘેર જાઓ ને આરામ કરો." ત્યારે ભગત કહે જે, “ભલે સ્વામી, ! તમે પણ વિચરણ માં થાક્યા હશો, તમે પણ આરામ કરો ને હું ઘેર જાઉ.” સ્વામી કહે, “ઘેર જઈને શું કરશો ?” ભગત કહે, “વાળુની થાળી ઢાંકીને મેલી હશે, ને ઘરનાં સૌ કોઇ તો સૂઈ ગયાં હશે. હું ઘેર જઈ દીવો કરીને વાળુ કરીને પાછો વાડીએ જાઈશ. ત્યાં જઈને મારા રોજના નિયમની પાંચસેં માળા ફેરવીશ અને પછી ઊંઘને કહીશ જે, આવ્ય તે આવશે તો ઠીક, નહીં તો પછી સવાર સુધી માળા ફેરવીશ.” આ સુણીને સદગુરૂ કૃપાનંદસ્વામી બોલ્યા જે, “સાંભળો ગુણાતીતાનંદસ્વામી ! આ ભક્તની તો કેવી અટલ શ્રદ્ધા છે. ”

એક વખત દેવજીભગતનો દીકરો દેહ મેલી ગયો અને તેને ખરખરે સૌ લોક આવવા મંડ્યાં, સ્થિતપ્રજ્ઞ એવા દેવજીભગત તો પોતાની વાડીએ જઈને બેઠા અને એમના ઘરવાળા ને ઘીનો ઘડો ભરીને ગઢપુર મોકલ્યાં. બાઈ ગઢપુર આવીને દરબારગઢમાં આવીને ઓસરી એ ઘીનો ઘાડવો નીચે મુકીને શ્રીજીમહારાજને પગે લાગ્યાં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેમ અમારા ભગત સુખી તો છે ને?” ત્યારે દેવજીભગતના ઘરવાળા બાઈ કહે, “હે મહારાજ ! ભગત તો સુખી હતા અને હવે તમે વધારે સુખિયા કર્યા.” શ્રીહરિ કહે, “એમ કેમ ?” ત્યારે બાઈ મહારાજને હાથ જોડીને બોલ્યાં જે “હે મહારાજ! ભગત તો આપની દયાથી સુખી હતા. અમારે એક દીકરો જુવાન હતો તેને આપની દયાથી નિરાવરણ દૃષ્ટિ હતી. એટલે આપનાં દર્શન નિત્યે થતાં. રોજ આપની લીલાની વાતો પણ કરતો. એટલે ભગતને થયું કે જો એ સંસારની બેડીમાં બંધાશે તો તે આપનું સુખ લેતો આળસી જશે. એટલે ભગતે સંકલ્પ કર્યો કે તે આપના ધામમાં અખંડ આપની મૂર્તિનું સુખ લ્યે. ભગતના સંકલ્પે આપે તેને આપે અક્ષરધામમાં બેસારી દીધો, તે આજ વળી વધુ સુખિયા થયા છે. એટલે હવે અમારેય વહેવારની ઉપાધિ મટી અને હવે સુખે ભજન થાશે. દીકરો ધામમાં ગયો એટલે તેની ક્રિયા કરી ભગત ખેતરે રહેવા ગયા અને મને અહીં આપની પાસે આ ઘીનો ઘાડવો લઈને મોકલી, એટલે કોઈ ઘરે રડવા-કરવા આવે નહીં.” મહારાજ મંદમંદ હસતાં હસતાં બાઈના આ બોલ સાંભળતા હતા. પછી તે વખતે શ્રીજીમહારાજ બપોરના થાળમાં ભડકું જમતા હતા ને એ ઘીનો ઘડો લઈને મહારાજની પાસે બાઇએ મેલ્યો. તે તેમાંથી મહારાજ ઘી પોતાને હાથે કાઢીને જમવા લાગ્યા. શ્રીજીમહારાજ સૌ દરબારગઢના વાસીઓને ઉદ્દેશીને બોલ્યા જે, “દાદાખાચરની એક વેંત જેવડી દીકરી મરી ગઈ, તમે સૌ માથાં મૂંડાવીને બેઠા છો, જેની વાંહે રોયા જ કરો છો, અમને દૂધ પાવું પણ ભૂલી ગયાં, થાળ કરવો પણ ભૂલી ગયા અને આને એક જ દીકરો હતો તે ધામમાં ગયો, તોપણ શોક ન પાળ્યો અને અમને જમવા સારું ઘીનો ઘાડવો લાવ્યાં છે અને અમારો ભક્ત વાડીએ જઈને બેઠો છે.” એમ સુચિતાર્થ શબ્દો કહેતા જ જીવુબા, લાડુબા, પાંચુબા બધાં જ શ્રીજીમહારાજના શબ્દોનો મર્મ સમજી ગયાં. વચનામૃત ગઢડા પ્રથમ ના ૨જાં નો દિવસ જોતાં શ્રીજીમહારાજ ભડકું જમ્યા પછી મહારાજ વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીમાં પધાર્યા અને સંતોને વિગતવાર આ બધી જ વાત કરી. આ રીતે દેવજી ભગતની વિદેહી સ્થિતિ જોઈ સભામાં બેઠેલા સૌને અતિ આશ્ચર્ય થયું, દેવજી ભગતની આવી દેહાતિત સ્થીતીનું વૃત્તાંત સાંભળ્યા પછી જ વિચારમય સ્થિતિમાં મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન પૂછ્યો હશે, કે “હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ શાં?” અને શ્રીજીમહારાજે પણ આ પ્રશ્નનો ઉત્તર એક ગૃહસ્થાશ્રમી જનક રાજાના દૃષ્ટાંતથી દિધેલ કારણ કે પ્રશ્ન પૂછનાર મયારામ પણ ગૃહસ્થ છે અને જેની આધ્યાત્મિક સ્થિતિ જોઈ પ્રશ્ન પુછાયો છે તે દેવજી ભગત અને તેઓનાં ધર્મપત્ની પણ ગૃહસ્થ છે.

  • શ્રીવચનામૃતમ્ ઇતિહાસ માંથી…..

🙇🏻‍♂️🙏