એકસમયે સદગુરૂ ગુણાતીતાનંદસ્વામી વડતાલથી જૂનાગઢ તરફ પાછા વળતા હતા. એવામાં વચ્ચે વાગડ ગામ આવ્યું. વાગડ ગામની પાસે અણિયાળી ગામની તરભેટે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી રહેતા હતા.

Gujarati

ભાયાત્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી (ઉપાસનાનું રહસ્ય)

એકસમયે સદગુરૂ ગુણાતીતાનંદસ્વામી વડતાલથી જૂનાગઢ તરફ પાછા વળતા હતા. એવામાં વચ્ચે વાગડ ગામ આવ્યું. વાગડ ગામની પાસે અણિયાળી ગામની તરભેટે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી રહેતા હતા. ભાયાત્માનંદ સ્વામીની ઉંમર એ વખતે ૧૧૬ વર્ષની થઈ ગયેલી. એ વખતે સ્વામીને પોતાની શરીર અવસ્થાને વાગડ ગામનું જ પાણી ફાવતું એટલે તેઓ ત્યાં જ રહેતા. ગુરુદેવ ગુણાતીતાનંદસ્વામી ભાઇસ્વામીને મળવા આવ્યા. ગુણાતિતાનંદ સ્વામી કારણ વિના તો ન જ આવ્યા હોય. તેમણે જેવો પગ મૂક્યો કે તરત જ ભાયાત્માનંદ સ્વામી બેઠા થઈ ગયા અને બથમાં ઘાલીને ભેટી પડયા. ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘ઓહોહો… બેસો સ્વામી બેસો. સ્વામી ! હું એવા વિચાર કરતો હતો કે મને ૧૧૬ વર્ષ થઈ ગયા. ૩૦ વર્ષ મહારાજ ભેળો રહ્યો અને ૩૦ વર્ષથી શ્રીજીનો વિયોગ સહન કરું છું. બીજા નવા દાંત પણ ફૂટી ગયા છે. છતાં સ્વામી, મને મહારાજ તેડવા કેમ નથી આવતાં ? સ્વામી, મારી શું કસર છે? મારામાં શું ખામી છે? એકવાર આ જ પ્રશ્ન લઈને તમારી પાસે હું જૂનાગઢ આવ્યો હતો. પણ સ્વામી તે વખતે તમે સોરઠમાં ફરવા ગયા હતા. ઘણા દિવસો સુધી તમે આવ્યા નહીં અને મને જૂનાગઢનું પાણી ફાવ્યું નહિ. હું ભેળું પાણી લાવ્યો હતો, તે પણ ખૂટી ગયું એટલે અહીં પાછો આવ્યો. પણ આજે તમને શ્રીજીમહારાજે સામેથી મોકલ્યા છે. તો મારી શું કસર છે, એ મને કહો.’’ ત્યારે ગુણાતિતાનંદ સ્વામી કહે, ‘‘સ્વામી, આપને તો મહારાજે પોતાના ‘ભાઈ’ તરીકે સ્વીકાર્યા છે, એટલે બીજી તો શું કસર હોય? કોઈ કસર નથી. પણ હા, ફક્ત ઉપાસનાની સમજણમાં કસર છે, એ ટાળી નાખો એટલે શ્રીજીમહારાજ તમને તુંરતજ ધામમાં તેડી જશે. સ્વામી, મહારાજને તમારી પર ખૂબ હેત છે. તમારે બીજો ફેરો ન ફરવો પડે એટલા માટે જ તમને હજુ સુધી રાખ્યા છે.’’ ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘હે સ્વામી ! મારી ઉપાસનામાં એવી તે શું ખોટ છે ?’’ ગુણાતીતાનંદસ્વામી કહે, ‘‘સાંભળો સ્વામી, જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી, ઉપાસના પર ચર્ચાઓ થતી, ત્યારે તમે એમ બોલતા કે, ‘એ…છોડો આ બધું. એમ શેર ને બશેર વળી શું જોખો છો ?!’ આમ કહીને તમે વાત ટાળી નાંખતા. તેથી કોઈ વાત કહેતું નહીં.’’ ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘હા સ્વામી, એ સાચું સ્વામી, હું તો હજુ પણ એમ જ સમજું છું કે જે અન્ય અવતારો હતા તે જ આ રાજાધિરાજ શ્રીજી મહારાજ છે. બંને એક જ છે. સ્વામી, હવે આપ જ સમજાવો કે હું કેમ સમજું ?’’ પછી ગુણાતીતાનંદસ્વામી એક પછી એક ઉપાસનાના વચનામૃતો કઢાવી વંચાવતા જાય અને ઉપાસનાનું રહસ્ય સમજાવતા જાય. પછી સ્વામીએ કહ્યું, “ ભાયાત્માનંદ સ્વામી, સાંભળો. વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય નહોતો થતો, ત્યારે શ્રીહરિએ એમને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા. વ્યાપકાનંદ સ્વામીએ અક્ષરધામમાં મહારાજની પૂજા કરી, અને પછી સ્વામીને વિચાર આવ્યો કે આ અનંત મુક્તો બેઠાં છે, તેમની પણ મારે પૂજા કરવી છે ! પણ એકકળાવછિન્ન પૂજા કઈ રીતે કરું ? ત્યારે મહારાજે વ્યાપકાનંદસ્વામીને કહ્યું, ‘‘સ્વામી, એક-એક અવતારના નામ લઈને કહો કે તેમાંથી જો કોઈ સર્વાવતારી હોય તો હું અનેકરૂપે થાઉં. અને એકકળાવછિન્ન થઈને સર્વ મુક્તોની પૂજા કરું. આવો સંકલ્પ કરો.’’ વ્યાપકાનંદસ્વામીએ સંકલ્પ કર્યો પણ અનંતરૂપે ન થવાયું. ત્યારે મહારાજે કહ્યું કે, ‘‘સ્વામી, અમારું નામ લઈને સંકલ્પ કરો કે, જો આ સહજાનંદ સ્વામી સર્વાવતારી પુરૂષોત્તમનારાયણ હોય, તો હું અનંતરૂપે થાઉં અને એક કળાવચ્છિન્ન પૂજા કરું.’’ વ્યાપકાનંદ સ્વામીએ આવો સંકલ્પ કર્યો કે તરત જ તેઓ અનંતરૂપે થયા, અને તેમણે મહારાજની સાથે મુક્તોની પૂજા કરી. આત્માનંદ સ્વામી, આ પ્રસંગ તો આપ જાણો છો ને ?” ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘હા સ્વામી, જાણું છું.’’ વળી, ગુણાતીનંદસ્વામી કહે, ‘‘નાગડકા ગામમાં વ્યાપકાનંદ સ્વામીની નજર સામે, મહારાજની મૂર્તિમાંથી ચોવીસ અવતારો પ્રગટ થયા અને મહારાજની મૂર્તિમાં જ લીન થઈ ગયા, ત્યારે પણ તમે હાજર હતા. એ પ્રસંગ યાદ છે ને ?’’ ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘હા સ્વામી, યાદ છે.’’ ગુણાતીતાનંદ સ્વામી આગળ કહે, ‘‘સ્વામી, પર્વતભાઈનો પ્રસંગ પણ જાણો છો ને? પર્વતભાઈને મનમાં સંકલ્પ થયો કે, ભગવાને નૃસિંહ અવતાર કેવી રીતે ધાર્યો હશે ? તરત જ ચોવીસ અવતારો તેમની સામે પ્રગટ થયા અને પછી મહારાજની મૂર્તિમાં લીન થયા.” ભાયાત્માનંદ સ્વામી કહે, ‘‘હા સ્વામી, એ કથા પણ જાણું છું.’’ પછી ગુણાતીતાનંદસ્વામીએ કહ્યું, ‘‘સ્વામી, આ બધા પ્રસંગોનો અર્થ શું છે ? અવતાર અવતારીમાંથી પ્રગટ થાય અને અવતારીમાં જ લીન થાય, સર્વ અવતાર એ શ્રીજી મહારાજના અને સર્વ અવતારના ધારણ કરનારા અવતારી ‘સહજાનંદ સ્વામી’ એજ પુરૂષોત્તમ, આવી ઘેડય પાડો તો શ્રીજીમહારાજ તમને ધામમાં લઈ જાય.’’ આ રીતે ગુણાતીતાનંદસ્વામી ભાયાત્માનંદ સ્વામીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું અને જતાં જતાં ગુણાતિતાનંદ સ્વામીએ ભકતરાજ શિવલાલ શેઠને કહ્યું કે, ‘‘શિવલાલ, હવે સ્વામીને મહારાજ ધામમાં લઈ જશે.’’

સંવત ૧૯૧૬ના જેઠ વદી છઠના દિવસે શ્રીજીમહારાજ સદગુરુ ભાયાત્માનંદ સ્વામીને ધામમાં તેડી ગયા.

  • સદગુરૂ ભાયાત્માનંદ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….

🙇🏻‍♂️🙏