એકસમયે શ્રીહરિ ગઢપુર દરબારગઢમાં લીંબતરૂં તળે સભા કરીને વિરાજમાન હતા અને ગામ સરધારથી હસનભાઇ તથા નાથાને તેની માં પોઠિયા ઉપર છાલકામાં બેસાડી ને ગઢપુર લાવ્યાં.
Gujarati
સરધારના હસનભાઇ અને નાથાનો પ્રસંગ
એકસમયે શ્રીહરિ ગઢપુર દરબારગઢમાં લીંબતરૂં તળે સભા કરીને વિરાજમાન હતા અને ગામ સરધારથી હસનભાઇ તથા નાથાને તેની માં પોઠિયા ઉપર છાલકામાં(પોઠિયા ઉપર નાંખવાની બે પાંસિયાવાળી ખુલ્લી ગુણ) બેસાડી ને ગઢપુર લાવ્યાં. દરબારગઢમાં આવીને પોઠિયા ઉપરથી છાલકું હેઠું ઉતાર્યું. તેમાંથી બન્ને ભાઈને બહાર કાઢ્યા. તે સમયે નાના એવા હસનભાઈ તો આઠવંકા હતા ને તેનો ભાઈ નાથો મૂંગો હતો. બંને નાના બાળકોને જોઈને સદગુરુ બ્રહ્માનંદસ્વામી બોલ્યા શ્રીહરિ પ્રત્યે કાંક સુચિતાર્થ કરતા થકા હાથ જોડીને જે, હે મહારાજ..! મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ ..! યત્કૃપા તમહં વંદે પરમાનંદં માધવમ્..!!
કરુણાવત્સલ એવા શ્રીહરિએ ઢોલીયે ઉભા થઇને મોટા હસનભાઈના બે પગ ઉપર પોતાના બે પગ ના અંગૂઠાને દબાવીને ડોક ઝાલીને અધ્ધર ખેંચ્યો. અને જરાક પીઠ ઉપરથી ધક્કો માર્યો એટલે તુંરત જ હસનભાઈ ના તો ખોડ્યખાંપણ તો અંગો માંથી જાણે તમામ જતી રહી અને એતો ચાલવા મંડયા, શ્રીજીમહારાજે સભામાં કાઠીદરબારો અને પાર્ષદો બેઠા હતા એમને બેઠા જે, “એક ચકલી ઝાલો ને નાથાનું મોં ઉઘાડીને અંદર ચકલી બોલાવો. ” પછી કાઠીદરબારો એ ફળિયામાંથી એક ચકલી ઝાલીને નાથાનું મોઢું ફાડીને અંદર ચકલી બોલાવી, એટલે નાથો તુંરત જ બોલવા લાગ્યો. હસનભાઇ ની માં નો તો હરખ નો પાર ન રહ્યો અને શ્રીહરિને હાથ જોડીને બોલ્યા જે “હે મહારાજ, આપતો કૃપાનિધાન અને ગરિબનવાઝ છોવ, આ મારા બંને દિકરાઓને આપની સેવામાં રાખો..” શ્રીજીમહારાજે બેઉને પુર્વજન્મના મુમુક્ષુ ઓ જાણીને દાદાખાચર ને કહ્યુ જે “આમને વાડીએ સેવામાં રાખજો..!” પછી બન્ને ભાઈ વાડીએ નાની મોટી એનાથી બનતી સેવાઓ કરવા મંડ્યા.
એકવખત હસનભાઈ એકાદશી રહ્યા હતા અને સાંજ વખતે ભૂખ બહુ જ લાગી તે મોટીબા પાસે આવીને કહ્યું જે, “બા ! મને ફરાળ આપો, મને બહુ જ ભૂખ લાગી છે.” ત્યારે મોટીબા કહે, “ હસન, ફરાળ તો તૈયાર નથી, પણ આ કોઠીમાં ચણા છે, તે શેકીને ખા !” એટલે હસનભાઇએ ચણાને ઠીંબડી(ભાંગેલ માટીના ઘડાનો નીચેનો અડધો ભાગ)માં નાંખી ઉપર દેવતા મૂક્યો અને વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીએ બેસીને ચણા શેકતા હતા. તે વખતે મહારાજ લક્ષ્મીવાડીથી દરબારમાં આવ્યા અને ચોપદાર પાર્ષદ દરબારગઢની ડેલીને છડી બોલ્યા એ સુણીને હસનભાઈને મહારાજની બીક લાગી જે, “જો મને એકાદશીના દિવસે ચણા શેકીને ખાતા મહારાજ ભાળશે તો મને ખિજાશે.’ એમ જાણી પોતે ઠીંબડી ને ગાભામાં લઇને ત્યાંથી ભાગ્યા. તે હાથમાંથી ચણાની ઠીબડી પડી ગઈ ને ફળીમાં દેવતા તથા ચણા વેરાઈ ગયા. બરાબર એજ વખતે શ્રીહરિ દરબારગઢમાં લીંબતરુ પાસે થી અક્ષરઓરડીએ જતા ઓસરી પાસે પધાર્યા. શ્રીહરિએ ચણા અને દેવતાઓ ફળીમાં વેરાયેલા ભાળીને મોટીબાને પૂછયું જે, “આ ચણા કોણે ઢોળ્યા છે ?” તે સુણીને મોટીબા કહે, “મહારાજ ! હસન ભૂખ્યો થયો હતો, તે ફરાળ માટે ચણા શેક્તો હતો. તે તમે આવ્યા એટલે બીકનો માર્યો ભાગી ગયો”. ત્યારે શ્રીજીમહારાજ પાર્ષદોને કહે, “કોઇ બોલાવો હસનને !” એટલે પાર્ષદોએ વાડામાં હસનભાઈ જ્યાં સંતાણા હતા ત્યાંથી બોલાવ્યાં.
હસનભાઇ તો શ્રીજીમહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા, તે થરથર શરીર ધ્રૂજતું હતું. મહારાજ કહે, “હસન ! કેમ ફળીયામાં ચણા ઢોળ્યા ?” હસનભાઈ કહે, “મહારાજ ! આજે એકાદશી હું રહ્યો છવ તે બવ ભૂખ લાગી હતી તે સારું ફરાળ માટે ચણા શેકતો હતો. તે તમારા આહીં આવવાથી હું ભાગ્યો.” ત્યારે ભકતવત્સલ શ્રીહરિકહે, “જા, હવેથી તું એકટાણું કરજે, પણ એકાદશી જરુર કરજે.”
એક વખત ગઢડામાં હસનભાઈએ તમાકુનો વેપાર કર્યો હતો. તેમાં પોતાને ખોટ જાય એમ જણાયું, એટલે એમણે રામચંદ્ર નામે ગામ રુંવાદના બ્રાહ્મણ હતા તેને કહ્યું જે, “આ તમાકુના વેપારમાં હાંસલ(નફો) બહુ આવે તેમ છે. માટે ગાડીઓ ભરી સરધાર વેચવા જાઓ. વખતે દિવસે ગાડાં ભરી હસનભાઈએ રામચંદ્રને સરધાર મોકલ્યા. એ દિવસે શ્રીજીમહારાજ સવારમાં નાઈ-ધોઈ પૂજા કરવા બેઠા. એટલે શ્રીજીમહારાજ કહે, “રામચંદ્ર ક્યાં ?” એ સુણીને કોઈએ કહ્યું જે, “એને તો તમાકું વેચવા મોકલ્યા.” શ્રીહરિ કહે કે “રામચંદ્રવિપ્ર તો રોજ અમારી પાસે વિષ્ણુસહસનો પાઠ કરતા હતા અને તેને ત્યાં ક્યાં મોકલ્યા ? અને ગધેડાનો ભાર ગાય પાસે ક્યાં ઉપડાવ્યો ? માટે બે અસવાર તુરંત જ જઈ એને પાછા વાળો.” પછી બે અસવાર જઈ રામચંદ્ર વિપ્રને રસ્તેથી પાછા વાળી આવ્યા. એ દિવસે શ્રીજીમહારાજે હસનભાઈને બોલાવીને કહ્યું જે, “લાભ રહે તોય તારે ને ખોટ જાય તોય તારે માથે.” આ રામચંદ્ર અને રત્નેશ્વર વિપ્રબંધુઓ તથા તેનાં માતુશ્રી, ત્રણેય જણ પોતાના ગામનો ત્યાગ કરી શ્રીજીમહારાજની સેવા કરવા સારું ગઢપુર આવેલ હતાં અને રામચંદ્ર શ્રીજીમહારાજ સવારમાં પૂજા કરવા બેસે ત્યારે વિષ્ણુસહસનો પાઠ કરતા. પછે બન્ને ભાઈઓ શ્રીહરિ પાસે દિક્ષા ગ્રહણ કરીને બ્રહ્મચારી થયા. તે રામચંદ્રનું નામ પુરુષોત્તમાનંદ પાડ્યું અને રત્નેશ્વરનું નામ ગોવિંદાનંદ બ્રહ્મચારી પાડ્યું હતું.
હસનભાઈએ એક વખત ગઢપુરમાં વેપાર કર્યો હતો અને તેમાં ખોટ જાય તેવું જણાયું. એ વખતે શ્રીજીમહારાજે ગઢપુર ગામમાં સાદ પડાવ્યો જે, “જેને હસન પાસે લેણું હોય તો સુખેથી લેશો, પણ દાદા ખાચરને ને હસનને કાંઈ લેવા-દેવા નથી.” એવો સાદ પડાવ્યો. આ સુણીને હસનભાઈ ને માંઠું લાગતા વળતે દિવસે વહેલા ઊઠીને ભાવનગર જતા રહ્યા અને વહાણમાં બેસી સુરત ઊતર્યા અને સુરતમાં ગુરુદેવ ગોપાળાનંદસ્વામી હતા તેમનાં દર્શને ગયા. ગોપાળાનંદસ્વામીએ હસનભાઇને એકાએક આવેલા જોઇને પૂછ્યું, “હસનભાઈ ! અહીં કેવા ?” હસનભાઈ કહે, “ગઢપુરમાં શ્રીજીમહારાજે મારી લાજ લીધી. ” સ્વામી કહે, “હવે ક્યાં જાશો ?” હસનભાઈ કહે, “મુંબઈ જઈશ અને ગર્વનરને મળીશ અને ગઢપુરનું પરગણું ઈજારે લાવીશ. પછે ગઢડાની બજારમાં ઘોડાગાડીએ બેસીને જ્યારે નીકળું અને ગઢડાનું મહાજન મને સલામ ભરે, ત્યારે મારી લાજ રહે.” સ્વામી કહે, “ગઢડામાં તારી લાજ જેણે લીધી, તેને તમે શું જાણો છો ?” હસનભાઈ કહે, “શ્રીજીમહારાજને તો હું ભગવાન જાણું છું.” સ્વામી કહે, “ગર્વનરનું અંતઃકરણ ફેરવી નાંખશે, તો તમે શું કરશો ?” ત્યારે હસનભાઈ ને પોતાની ભૂલ્ય સમજાણી અને સ્વામી પાસે દિલગીર થતા થકા રડી પડ્યા ને કહે, “સ્વામી ! હવે તમે કહો તેમ કરું.” ત્યારે ધિરગંભીર એવા ગોપાળાનંદ સ્વામી એમના જીવનું ભલું ઇચ્છીને એમને વડતાલ તેડી ગયા અને ત્યાંના કોઠારી કર્યા હતા.
આ હસનભાઇ એકવખતે અમરેલી તરફ ગયા હતા એ વખતે એમણે મુર્તિઓ વેચવા વાળાના ગાડા ભાળ્યા હતા, જે ગઢપુર આવીને શ્રીજીમહારાજ ને વાત કરી. બીજેદિવસે શ્રીજીમહારાજે એ મુર્તિઓના ગાડા ગઢપુર તેડાવીને એક કાલભૈરવ ની મુર્તિ હતી એ સીવાય બધીય લીધી. કાલભૈરવની મુર્તી ઉપર હાથ મેલીને આશીર્વાદ દીધા અને કહ્યુ કે આ દેવ પવિત્ર રહેશે. જે હાલ પાલીતાણા ના કાળભૈરવ મંદિર માં બિરાજમાન છે. બીજી સર્વે મુર્તિઓ શ્રીહરિએ એ મુર્તિકાર પાસેથી ખરીદ કરીને પોતાના સ્વહસ્તે દાદાખાચરના દરબારગઢમાં પધરાવી હતી.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….
🙇🏻♂️🙏