ગામ વઢાલામાં આહીર માંડણભાઇ નામે હરિભક્ત બહુ સારા હતા. તે એક સમે વૃદ્ધાવસ્થામાં માંદા થયા ત્યારે તેમને શ્રીજીમહારાજના દર્શન થયાં.

Gujarati

વઢાલાના માંડણભાઇ અને તેમનું અક્ષરધામ ગમન

ગામ વઢાલામાં આહીર માંડણભાઇ નામે હરિભક્ત બહુ સારા હતા. તે એક સમે વૃદ્ધાવસ્થામાં માંદા થયા ત્યારે તેમને શ્રીજીમહારાજના દર્શન થયાં. ત્યારે મહારાજે કહ્યું જે, ‘માંડણભાઇ ! તમારી કાંઈ ઇચ્છા છે ?’ ત્યારે માંડણભાઇએ કહ્યું જે, ‘હે મહારાજ ! મારે તો હવે કાઈ ઇચ્છા નથી, પણ એક વખત સંતોના દર્શન થાય તો બહુ સારું.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘સારું, કાલ બપોરે સંતો અહીં દર્શન દેવા આવશે.’

તે વખતે જુનાગઢ તથા ગઢપુરના મળીને બત્રીસ સાધુ વઢાલામાં મંદિરમાં હતા. તે સર્વેને માંડણભાઇએ પોતાને ઘેર તેડાવ્યા ને ગામના સર્વ સત્સંગી હરિભક્તોને પણ તેડાવ્યા ને બત્રીસ સાધુને પાકા સીધા લાવી આપ્યા ને રસોઈ કરાવીને જમાડ્યા. પછી માંડણભાઇએ સર્વ સાધુને તથા હરિભક્તોને પગે લાગીને કહ્યું જે, ‘હે સંતો ! હવે મારે દેહ મેલવો છે માટે મહારાજની ધૂન કરો.’ ત્યારે સર્વે સંતો-ભક્તો મહારાજની ધૂન કરવા માંડ્યા.

તે સમયે શ્રીજીમહારાજ તેને તેડવા આવ્યા ને માંડણભાઇએ સર્વેને કહ્યું જે, ‘હે મહારાજ ! આજ તો રહેવા દયો, અને કાલ બપોરે મને તેડવા આવજો.’ તે સાંભળી શ્રીજી મહારાજ અદ્રશ્ય થઇ ગયા. ત્યારે ત્યાં બેઠેલા સંતોએ પૂછ્યું જે, ‘માંડણભાઇ ! તમે કોની સાથે વાત કરો છો ?’ ત્યારે માંડણભાઇએ કહ્યું જે, ‘શ્રીજીમહારાજ અત્યારે મને તેડવા આવ્યા હતા, પણ મેં એમ કહ્યું જે, હે મહારાજ ! આજ તો રહેવા દ્યો ને કાલ બપોરે આવજો. માટે મહારાજ વળી પાછા ગયા.’

પછી વળતે દિવસે સવારે ઉઠીને માંડણભાઇએ નાહી ધોઈને પવિત્ર થઇને પૂજા કરી અને માળા ફેરવીને ભજન કરવા લાગ્યા ને ઘરના સહું તથા મહેમાન વગેરે પણ ભજન કરવા બેઠા. રોંઢે ચાર વાગ્યા ત્યારે માંડણભાઇ બોલ્યા જે, ‘આ શ્રીજીમહારાજ તથા મોટા મોટા સંત મને તેડવા આવ્યા છે. તે ભેગો હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ તજીને વાતો કરતા કરતા પંચમહાભૂત નો ત્યાગ કરીને દિવ્યદેહે અક્ષરધામમાં ગયા. ઘરના સહું અને સતસંગી અને ગામજનો પ્રગટ પરચો ભાળીને પાલખી કરીને વાજતે ગાજતે માંડણભાઇનો અગ્નિસંસ્કાર કરવા ગયા ને ત્યાં અગ્નિસંસ્કાર કરીને નાહીને સહુ પોતાને ઘેર આવ્યા. આમ, અગાઉથી કહીને ભકતવત્સલ શ્રીહરિ એમના ભકતની ઇચ્છાનુંસારે બીજે દિવસે પાછા પધારીને એને પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…

🙇🏻‍♂️🙏