એક દિવસે શ્રીહરિ ભૂજમાં સુતાર ભગવાનજીને ઘેર ઉગમણે બાર પૂજા કરવાના ઓરડાને વિષે વસ્ત્રે કરીને પલાંઠી વાળીને બેઠા હતા.

Gujarati

ભુજના તલા વિપ્ર અને શ્રીજી મહારાજ

એક દિવસે શ્રીહરિ ભૂજમાં સુતાર ભગવાનજીને ઘેર ઉગમણે બાર પૂજા કરવાના ઓરડાને વિષે વસ્ત્રે કરીને પલાંઠી વાળીને બેઠા હતા. તે સમયે વિપ્ર તલો મોઢ મહારાજને દર્શને આવ્યો. ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું કે, તલા, આજ તારે કેમ છે ? પછી તલો બોલ્યો, આજતો ખાધા-પીધાનું કાંઇ મળ્યું નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું પેંડા જમશો ? એમ કહીને બશેર પેંડા લાવવાની આજ્ઞા કરી. ત્યારે વિપ્રે કહ્યું, બશેર પેંડા તો મારે ચટણી યે નહિં થાય. ત્યારે શ્રીજીમહારાજે ત્રણ શેરની આજ્ઞા કરી, પછી ચાર શેરની આજ્ઞા કરી. ત્યારે તલે કહ્યું જે, પુરું તો નહિ થાય. પછી પાંચ શેર પેંડા મંગાવ્યા. ત્યારે તલો વિપ્ર કહે જે, સંપૂર્ણ તો નહિ થાય પરંતુ કામ ચાલ્યું. પછી પેંડા જમવા લાગ્યો. ત્યારે શ્રીહરિએ પૂછ્યું, હવે તમારે કાંઇ જોઇએ તો મંગાવી આપું. ત્યારે તલે કહ્યું જે, દહીંની જરૂર છે. પછી મીઠીબાઇએ એની માસીને ઘેરથી દહીં શેર પાંચ પથ્થરના વાટકામાં ભરીને મંગાવી આપ્યું. પછી તે પેંડા તથા દહીં સર્વે જમી ગયા. પણ ઓડકાર આવ્યો નહિ. તે સમયે શ્રીહરિએ કહ્યું જે, તલા, તમને પાંચ શેર પેંડા પચશે કેમ ? ત્યારે તે વિપ્ર કેડ્ય બાંધીને ચાલ્યો તે ચાર ગાઉનો આંટો ચાર ઘડીમાં કરીને પાછો આવ્યો, અને શ્રીજીમહારાજને કહ્યું જે, જુઓ મહારાજ, મારું પેટ તો એવું ને એવું ભૂખ્યું છે. તે સાંભળીને શ્રીહરિ હસવા લાગ્યા.

  • કચ્છલીલામાંથી….

🙇🏻‍♂️🙏