શ્રીજીમહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવતા હતા. ત્યાં બોરડી નીચે એક મોટો પથ્થર હતો તે ઉપર આઠ વડી ધાબળી પાથરીને વિરાજમાન હતા.

Gujarati

વડતાલના રતના કડીયા અને અક્ષરધામનો અનુભવ

શ્રીજીમહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવતા હતા. ત્યાં બોરડી નીચે એક મોટો પથ્થર હતો તે ઉપર આઠ વડી ધાબળી પાથરીને વિરાજમાન હતા. પછી હરે. .. થયા એટલે સૌ સંત તથા કડીયા જમવા ગયા. એ વખતે રતનો કરીને કડીયો હતો તેણે ઘણા દિવસથી સંકલ્પ કરેલ જે, “ક્યારેક શ્રીજીમહારાજ એકાંત માં મળે તો મારે પૂછવું છે.’ પછી તે વખતે શ્રીજીમહારાજને તેણે પૂછ્યું જે, “હે મહારાજ ! અત્યારે અક્ષરધામમાં શ્રીજીમહારાજ શું કરતા હશે ?”

ત્યારે મહારાજ હસ્યા ને કહે, “રતના, અત્યારે અક્ષરધામમાં બોરડી નીચે મોટું બેલું છે, તે ઉપર આઠ વડી ધાબળી કરીને પાથરીને તે ઉપર ભગવાન વિરાજમાન છે, અને લક્ષ્મીનારાયણ દેવના મંદિર કરાવે છે.” રતનો કહે, “મહારાજ ! હું તો અક્ષરધામનું પૂછું છું. ” ત્યારે મહારાજ કહે, “રતના, મેં અક્ષરધામની જ વાત કરી છે.” એમ બે-ચારવાર પૂછ્યું, પણ મહારાજે એ જ ઉત્તર આપ્યો.

પછી થોડીવારે માણસની હરફર થઈ એટલે રતનો કડીયો પથરા ઘડવા મંડ્યો. પછી રાત્રીએ સદગુરુ મુક્તાનંદસ્વામીને આસને રતના કડીયાએ જઈને વાત કરી જે, “મેં મહારાજને પૂછ્યું , ત્યારે મહારાજે મને આવો જવાબ આપ્યો.” પછી સ્વામી બોલ્યા જે, “રતના ! તારું ભાગ્ય મોટું જે તને મહારાજે આવી વાત કરી. અત્યારે અક્ષરધામમાં જે ભગવાન છે તે જ આ શ્રીજીમહારાજ છે માટે ભગવાન જે લીલા કરે છે તે જ અક્ષરધામની લીલા છે.” એમ કહી સ્વામીએ રતના કડીયાને મહારાજનું સર્વોપરી પણું સમજાવ્યું.

  • શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો માંથી….

🙇🏻‍♂️🙏