ગામ બારપટોળીના હરિભક્ત પરમભકત કાળુવાવડીયા ગઢડે શ્રીજીમહારાજને દર્શને જાતા હતા. ત્યાં માર્ગમાં નદી આવી, તેને કાંઠે એક ભરવાડ ઢોર ચારતો’તો.

Gujarati

બારપટોળીનો ભરવાડ અને શ્રીજી મહારાજની સોટી

ગામ બારપટોળીના હરિભક્ત પરમભકત કાળુવાવડીયા ગઢડે શ્રીજીમહારાજને દર્શને જાતા હતા. ત્યાં માર્ગમાં નદી આવી, તેને કાંઠે એક ભરવાડ ઢોર ચારતો’તો. તે કહે ‘આપા કયા હાલ્યા ? કાળુભગત કહે કે ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, એના દર્શને જાઉ છું. ભરવાડ પાહે એક સોટી બહુ સારી હતી. તે તેણે કાળુભક્તને આપી અને કહ્યું, ‘આ સોટી મારી પાસે એક કાઠીએ સવા રૂપિયાની માગી હતી પણ મેં તેને આપી નથી, તે તમને સ્વામિનારાયણ ભગવાનને આપવા સારૂ આપું છું. તે તમે ઇ ભગવાનને આપજો, ને કહેજો કે, એ જો સાચુકલા ભગવાન હોય તો સોટી લઈને મને અંતકાળે તેડવા આવે; ને અગાઉથી મને ખબર આપે.’ પછી કાળુભક્ત ગઢડે ગયા ને મહારાજને પગે લાગીને તે સોટી આપી ને વાત કરી જે, ‘આ એક ભરવાડે ભેટ આપી છે ને કહ્યું છે જે, મને અંતકાળે મહારાજ એ સોટી લઈને તેડવા આવે ને અગાઉથી ખબર આપે.’ ત્યારે મહારાજ કહે ‘ઠીક'.

થોડા વરહે તે ભરવાડનો મૃત્યુકાળ આવ્યો, ત્યારે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા ને હાથમાં તેણે આપેલી સોટી હતી. પછી ભરવાડે તેના કુટુંબીને કહ્યું જે, ‘આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે તે ભેગો હું ધામમાં જાઉં છું ને તમે પણ સ્વામિનારાયણનું ભજન કરજો તો તમે પણ ધામમાં જાશો.’ એમ કહીને દેહ મૂકી દીધો.

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ વાત ૩૫૯ માંથી….

🙇🏻‍♂️🙏