નાઘેર માં આવેલા તડ ગામના જેઠા કોળી પોતે બ્રાહ્મણ જેવા આચાર રાખે.

Gujarati

તડ ગામના જેઠા કોળીની સ્વચ્છતા અને ભક્તિ

નાઘેર માં આવેલા તડ ગામના જેઠા કોળી પોતે બ્રાહ્મણ જેવા આચાર રાખે. એકવખતે એક સરકારી અમલદાર સીમ જોવા નીકળ્યા. છેટેથી પૂછ્યું : ‘અલ્યા આ કોનું સાંતી છે ?’ ત્યારે એક પટેલે કહ્યું : ‘ઇ જેઠાભગત કોળીનું છે.’ એ સમયે સુખી મોટા ખેડૂતોને ત્યાં બળદો હોય, પણ નિમ્ન વર્ણના એ ગરીબ લોકોને ત્યાં તો બળદની જોડ્ય ક્યાંથી હોય ? આથી અમલદારે આશ્ચર્ય પામતાં પૂછ્યું : ‘એ કોળી બળદ રાખે છે ?’ પટેલે કહ્યું : ‘એના જેવા બળદ અમારા આખા ગામમાં કોઈની પાસે નથી !’ અમલદારે જેઠા કોળી પાસે જઈને બધું પૂછ્યું. તેની નજર દૂર પડી : ‘ઓલ્યું બોરડીના ગળાયા નીચે શું છે ?’ જેઠો કહે : ‘પાણીની ભંભલી છે, તે ઉપર કાગડો બેસી ન જાય એટલા માટે પાશેંરું માથે રાખ્યું છે.’ તે સુણી અમલદારે પુછ્યુ કે ‘તે ઓલો લોટો કેમ છેટે રાખ્યો છે ?’ જેઠો કહે : ‘દિશાએ (શૌચાલય) જવું હોય તો પાણી લેવું જોઈએ ને ! ને પાણી પીવાનો લોટો જુદો છે !’ જેઠા કોળીની સ્વચ્છતા-શુચિતાની વાત સાંભળી અમલદાર દિંગ થઈ ગયો. ગામના પટેલે જેઠાની તારીફ કરતાં કહ્યું : ‘સાહેબ ! આ ગામમાં આ એકલો જેઠો જ એવો છે કે જે અગીયારહ પાળે છે ને અન્નવસ્ત્ર ને આબરૂ એનાં જેવાં કોઈને નથી. તે દર દશમીને રોજ ઊના મંદિરે જાય, અગીયારહ નો ઉપવાસ કરે ને ભજન કરે, બારસે પારણાં કરી ઘરે આવે એવો એને નિયમ છે. સવારે નિત્ય ઊઠીને નાહીને પૂજાપાઠ કરે અને તિલકચાંદલો કરે ને ઊજળાં લૂગડાં પહેરે.’

  • આદર્શ ભકતગાથા માંથી….

🙇🏻‍♂️🙏