એકવખતે શ્રીજીમહારાજે ધાંગન્ધ્રા ગામના હરિભકત બેચર પંચોલી અને લખીરામભાઈને બોલાવ્યા.
Gujarati
ધાંગધ્રાના બેચર પંચોલી અને શ્રીજી મહારાજની આજ્ઞા
એકવખતે શ્રીજીમહારાજે ધાંગન્ધ્રા ગામના હરિભકત બેચર પંચોલી અને લખીરામભાઈને બોલાવ્યા. બંને હરિભક્તોએ આવીને મહારાજને વિનય વચને પૂછ્યું કે, “મહારાજ, અમારું શું કામ પડ્યું ?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “બેચર પંચોલી, તમારે અને લખીરામભાઈ બંનેને સીથાગામ તમારા વેવાઈને ત્યાં એક પુસ્તક લેવા માટે જવાનુંછે.”
એ વખતે બેચર પંચોલી અને તેમના વેવાઈને કોઈ વ્યવહારિક બાબતે તકરાર થઈ હતી. તેથી બેચર પંચોલી અને તેમના વેવાઈની વચ્ચે થોડા સમયથી અબોલા હતા. કોઈ દિવસ એકબીજાના ઘેર પ્રસંગોપાત્ત પણ જતા નહોતા. પરંતુ બેચર પંચોલીની દૃષ્ટિ તો એકમાત્ર મહારાજના રાજીપા સામે હતી. તેથી તેમણે મહારાજ આગળ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર, આજ્ઞાને સહર્ષ સ્વીકારી લીધી. શ્રીજીમહારાજની રજા લઈ તેઓ લખીરામભાઈ સાથે ગામ સીથા ભણી ચાલ્યા.
સીથા પહોંચ્યા અને બેચર પંચોલીના વેવાઈને ત્યાં જઈ કહ્યું કે, “અમને શ્રી સ્વામિનારાયણ ભગવાને તમારે ત્યાં પુસ્તક લેવા માટે મોકલ્યા છે, માટે આપો.” થોડીવાર તેઓ કંઈ જ બોલ્યા નહીં. પછી કહ્યું કે, “એ પુસ્તક તો મારી પાસેથી હળવદના શિવરામ જાની વાંચવા લઈ ગયા હતા એટલે એમની પાસે હશે.” બેચર પંચોલી અને લખીરામભાઈ સીથાથી સીધા જ શિવરામ જાનીને ઘરે જવા નીકળ્યા. હળવદ પહોંચી શિવરામ જાની પાસે પુસ્તકની માંગણી કરી ત્યારે શિવરામ જાનીએ કહ્યું કે, “મારી પાસે પુસ્તક છે જ નહીં. એ પુસ્તક તો મેં ક્યારનુંય તેમને હાથોહાથ સોંપી દીધું છે.” બંને હરિભક્તો ત્યાંથી પાછા સીથા આવ્યા. સીથા આવીને બેચર પંચોલીએ ફરી વખત તેમના વેવાઈને પુસ્તક આપવા વિનંતી કરી. વેવાઈએ વાતને ફેરવી નાંખી અને કહ્યું કે, “અરે.. હાં, મેં તો… એ પુસ્તક લગભગ વાંકાનેરના બ્રાહ્મણને આપ્યું હોય તેવું લાગે છે, માટે એમની પાસેથી લઈ લો.”
શ્રીજીમહારાજના રાજીપાના પ્યાસી એવા બંને હરિભક્તો ફરી પાછા ત્યાંથી સીધા વાંકાનેર ભણી ચાલ્યા. વાંકાનેર જઈ બ્રાહ્મણ હરિભક્તને પુસ્તક અંગે વાત કરી તો તેમણે પણ શિવરામ જાની જેવો જ જવાબ આપ્યો. આવો જવાબ મળવા છતાં બંનેનાં મુખારવિંદ પર હતાશા કે નિરાશાના કોઈ ભાવ ન દેખાયા. ફરી પાછા ચાલતાં-ચાલતાં સીથા ગયા અને વેવાઈ પાસે પુસ્તકની માંગણી કરી ત્યારે તેમણે કહ્યું કે, “હું તો સાવ ભૂલી જ ગયો હતો. એ પુસ્તક તો મેં મોરબીના મકનજીભાઈને લખવા માટે આપ્યું છે. એટલે લગભગ એમની પાસે જ હશે.” બંને હરિભક્તો ત્યાંથી મોરબી જવા નીકળ્યા. મોરબી પહોંચી મકનજીભાઈને ત્યાં ગયા. મકનજીભાઈએ પણ પુસ્તક પાછું આપી દીધું છે એવો જ જવાબ આપ્યો. ત્રણ-ત્રણ વારના ધક્કા થયા છતાંય રાજીપાના ભૂખ્યા એવા બંને અતિ શ્રદ્ધાવાન હરિભક્તો પાછા સીથા આવ્યા.
બેચર પંચોલીએ અને લખીરામભાઈએ વેવાઈને કહ્યું કે, “પુસ્તક અમારા માટે નહિ, પરંતુ ભગવાન સ્વામિનારાયણ માટે જોઈએ છે. જો આપવાની ઇચ્છા ન હોય તો ના પાડી દો, વાંધો નહિ, પણ હવે અમને ધક્કા ન ખવરાવો તો સારું.” ત્યારે વેવાઈએ લખીરામભાઈને એક બાજુ બોલાવ્યા અને વાત કરી કે, “પુસ્તક તો મારા ઘરમાં જ છે પરંતુ મારા વેવાઈ (બેચર પંચોલી)ને અને મારે વ્યવહારિક બાબતે તકરાર થઈ હતી ત્યારથી અમારે કોઈ સંબંધ રહ્યો નથી. તેઓ સમાજમાં આગળ પડતાં મોટા માણસ છે અને અમે નાના કહેવાઈએ. સમાજમાં કોઈ અમારી ગણતરી કરતા નથી એટલે હું પુસ્તક આપવાનાં બહાનાં બનાવતો હતો. પણ જો બેચર પંચોલી મને પાંચસો દંડવત કરે તો હું તેમને પુસ્તક આપું.”
લખીરામભાઈએ બધી વાત બેચર પંચોલીને કરી. જેમની વૃત્તિ હંમેશાં શ્રીજીમહારાજના રાજીપા તરફ જ મંડાયેલી હતી એવા ભક્તરાજ બેચર પંચોલી તરત જ બે હાથ જોડી બોલ્યા કે, “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.” આટલું બોલતાંની સાથે બેચર પંચોલી તેમના વેવાઈના પગમાં દંડવત કરવામાંડ્યા.
થોડા દંડવત થયા ત્યાં તો બેચર પંચોલીનું નિર્માનીપણું અને રાજી કરવાની ગરજ જોઈ, વેવાઈનું હૃદય દ્રવી ઊઠ્યું. બે હાથે બેચર પંચોલીને પકડી લીધા અને બાથમાં ઘાલી ભેટી પડ્યા. વેવાઈના મુખમાંથી અહોભાવ સાથેના ઉદગારો સરી પડ્યા કે, “તમે તો ખરેખરા શ્રીસ્વામિનારાયણ ભગવાનના શિષ્ય છો. ધન્ય હો તમારી મહારાજને રાજી કરવાની ભૂખ અને ગરજને ! ધન્ય હો તમારી આજ્ઞાને અધ્ધર ઝીલવાની તૈયારીને ! લ્યો આ પુસ્તક અને આજથી હું આપણા વચ્ચે જે કંઈ બન્યું હતું તે ભૂલી જાઉં છું. તમે આજના અમારા મહેમાન છો માટે ઘરે ઠાકોરજી જમાડીને જાવ.”
આમ, શ્રીહરિના રાજીપા સારું હરિભકત શ્રી બેચર પંચાળી નિર્માનીપણે પોતાના વેવાઇ ને દંડવત કરતા પણ અચકાંયા નહી ને પુસ્તક લાવીને શ્રીહરિના ચરણે ધર્યું. એમની આવી નિષ્ઠા જોઇને શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા.
- શ્રીસ્વામિનારાયણ ભગવાનના ભકતરત્નો માંથી….
🙇🏻♂️🙏