ડાંગરવાના ક્ષત્રિય અગરાજી અને અમરાજી કાકા-ભત્રીજાની જોડીને શ્રીહરિને વિશે અપાર હેત હતું. અવારનવાર તેઓ શ્રીહરિના દર્શને જતા.

Gujarati

ડાંગરવાના અગરાજી અને અમરાજીનો પ્રસંગ

ડાંગરવાના ક્ષત્રિય અગરાજી અને અમરાજી કાકા-ભત્રીજાની જોડીને શ્રીહરિને વિશે અપાર હેત હતું. અવારનવાર તેઓ શ્રીહરિના દર્શને જતા. સંવત ૧૮૭૬ના ફાગણ સુદી પૂનમ (હૂતાશણી)નો ઉત્સવ શ્રીહરિએ મછીયાવમાં કર્યો. આ વખતે આ કાકા-ભત્રીજો બંને ત્યાં પધાર્યા હતા. શ્રીજીમહારાજ મેડા ઉપર સભા કરીને બીરાજ્યા હતા. એ વખતે બેઉ આવીને દંડવત કર્યા ને સન્મુખ બેઠા. અગરોજી કહે કે આજ મહારાજ તમારા થાળ સારું અમારા ઉતારે ખાંડની રસોઇ કરીશું. શ્રીહરિ તમે સંતો ને રસોઇ પીરસજો..! ત્યારે શ્રીજી કહે કે તો રસોઇ ડોઢી જોઇશે..! અગરાજી કહે કે “ભલે મહારાજ, અમે બે ગણી રસોઇ કરાવીશું. આપના પ્રતાપે કાંઇ વાંધો નથી..!” પછી, અગરાજી અને અમરાજીએ સંતોના રસોડે રસોઇનો સામાન પહોંચાડ્યો અને શ્રીજી મહારાજ સારું પોતાને ઉતારે ચાર પ્રકારના ભોજનની રસોઇઓ, રાયતું, પાક ને પાપડ, દૂધ-દહી-સાકર વગેરે તૈયાર કરાવી ને અન્નકૂટ ની પેટે થાળ તૈયાર કરાવ્યો. અગરાજી મહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા એટલે શ્રીજીમહારાજ પધાર્યા. બાજોઠ ઉપર શ્રીજી મહારાજ જમવા બેસાર્યા અને વિવિધ વાનગીઓ સાથે થાળ તૈયાર કરીને મુકયો. થાળ જોઇને શ્રીજીમહારાજ કહે કે ભારે મોટો થાળ તૈયાર કર્યો. ત્યારે અગરાજી કહે કે હે મહારાજ, આજ અવસર આવ્યો છે, તે ફરીને આવવાનો નથી. આજ અમારો જન્મ સફળ થયો કે પ્રભું થાળ જમે અને અમે દર્શન કરીએ. આ વખતે બાપુભાઇ પણ આવેલા તે મહારાજે એમને પણ આગ્રહ કર્યો કે જમવા બેસો, ત્યારે બાપુભાઇ કહે કે મહારાજ, દરબારગઢ મા રસોઇ તૈયાર હશે એટલે ત્યા જમીશું. ત્યારે અગરોજી અને અમરાજી કહે કે મહારાજ કહે છે તો ના ન પાડવી, આવો જમવા બેસો. પછી ત્રણેય જમવા બેઠા એટલે મહારાજ પોતાના થાળની પ્રસાદી આપતા જાય. જમીને ચળું કરીને મુખવાસ લઇને શ્રીહરિ દરબારગઢમાં બીરાજ્યા. મહારાજ કહે ખબર કાઢો..? સાધુની રસોઇ ને કેટલી વાર છે? ત્યારે અગરાજીએ ખબર કાઢી એટલે શ્રીહરિ સંતોના ચોકે પીરસવા પધાર્યા. પાકશાળામાં વસ્ત્રો બદલાવીને રેશમની હીર કોરની ધોતી પહેરીને ખેસ આડસોડે નાંખીને પંકિતમાં ઉભા રહ્યા ને બોલ્યા કે “ક્યાં છે ભંડારી સાધુ? લાવો લાડું?” ત્યારે સાધું લાડુંના ત્રાંસ ભરીને આગળ આવ્યા. શ્રીજીમહારાજ બંને હાથ માં બે-બે લાડુ લઇને પંક્તિમાં બંને બાજુ પીરસવા જાય અને બોલતા જાય કે “પરમહંસો લાડું લ્યો.. પરમહંસો લાડુ લ્યો..!” એમ કરતા કરતા સાત વખત પંગત માં ફર્યા ને પછી હાથ ધોઇ રુમાલથી લુછીને વસ્ત્રો પહેરીને પોતાને આસને પધાર્યા. પાર્ષદે જળનો લોટો લાવી દીધો એટલે જળ ધરાવી પોઢયા. ત્રીજો પહોર થયો ત્યારે તળાવની દક્ષિણાદી બાજુ લીમડા છે ત્યાં એના હેઠે ઢોલીયે આવીને બીરાજ્યા ને સભા કરી. એ વખતે અગરાજી અને અમરાજીએ કિનખાબની ડગલી અને સુરવાળ પહેરાવ્યા અને ખંભે ભારે શેલું ધરાવ્યું અને માથે પાઘ બંધાવી શાલ ઓઢાડી અને ફૂલના હાર પહેરાવ્યા. શ્રીહરિ ના ગૌર કપાળમાં કુમકુમ નો ચાંદલો કરીને કપૂરની આરતિ ઉતારી અને ચરણે પગે લાગી બંને એ વારાફરતી ચરણારવિંદ ને છાતીમાં લીધા. શ્રીહરિ અગરાજી અને અમરાજી બંને ઉપર અતિ રાજી થયા.

અમદાવાદ માં પણ જ્યારે લોલંગરબાવાની ઉપાધી થઇ ત્યારે અગરાજી અને અમરાજી પાર્ષદો સાથે રહીને ખડેપગે રહ્યા હતા. એ વખતે સંતોની રક્ષા કરવા અગરાજીએ નિડર પણે તલવાર એકજ ઝાટકે એક બાવાના બંને પગ કાપી નાંખ્યા હતા. જેતલપુર યજ્ઞમાં પણ પોતે ક્ષત્રિય ધર્મ બજાવીને સહુંનું રક્ષણ કર્યું હતું. આ સારું જ શ્રીહરિ જ્યારે ડાંગરવા પધાર્યા ત્યારે અગરાજી અને અમરાજીનું સન્માન કરીને પોતાના હાથે જ પાઘ બાંધીને નવાજ્યા હતા

  • શ્રીકચ્છલીલા અધ્યાય ૭૦ અને હરિચરિત્રામૃત સાગર પુર ૧૨ તરંગ ૭૪થી૮૩ માંથી……

🙇🏻‍♂️🙏