કાનમ પ્રદેશમાં આમોદ પાસે ઇંટોલા ગામ આવેલું છે. ત્યાં શ્રીજી મહારાજના પરમભકત એવા જીજીભાઇ રહેતા. તેઓ સદગુરુ મુકતાનંદ સ્વામી જેવા મોટા સંતોને સેવીને ખરેખરા ભકત થયેલા.
Gujarati
ઇંટોલાના જીજીભાઇ અને તેમના બળદનો ઉદ્ધાર
કાનમ પ્રદેશમાં આમોદ પાસે ઇંટોલા ગામ આવેલું છે. ત્યાં શ્રીજી મહારાજના પરમભકત એવા જીજીભાઇ રહેતા. તેઓ સદગુરુ મુકતાનંદ સ્વામી જેવા મોટા સંતોને સેવીને ખરેખરા ભકત થયેલા. પંચવિષય ને પુરેપુરા પાળતા અને અખંડ શ્રીહરિનું સ્મરણ કરતા. પોતે ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા થકા જે કોઇ પોતાના યોગમાં આવે એને શ્રી પુર્ણપુરુષોત્તમનારાયણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવતા. કાયમ પોતાની આવક નો દશમો-વિશમો ભાગ કાઢીને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રીહરિકૃષ્ણ મહારાજને અર્પણ કરતા.
સમયજતાં જીજીભાઇની આયુષ્ય પુરી થવા આવી તે એકદિવસે રાતે શ્રીહરિ સોનાનો રથ જોડીને એને અંતકાળે તેડવા પધાર્યા. ઇંટોલા ગામમાં બાપુભાઇ નામે વિપ્ર પણ એવા જ સત્સંગી હતા, તેઓ એ સમે એમના ફળીયામાં ખાટલો નાંખીને સુતા હતા, એ વખતે શ્રીહરિએ એમના ફળીમાં સોનાનો રથ ઉતાર્યો. આખાયે ફળિયામાં તેજ નો પૂંજ છવાય જતા બાપુભાઇ તો સફાળા જાગી ગયા. પોતે તો શ્રીહરિના દિવ્ય દર્શન થતા જ ધબોધબ દંડવત કરવા લાગ્યા. એકાએક જ શ્રીહરિના અધરાતે દર્શન થતા પોતે અતિભાવ વિભોર થઇ ગયા. બાપુભાઇએ બે હાથ જોડીને શ્રીહરિની સ્તુતિ કરીને પ્રણામ કરીને શ્રીહરિને પુછ્યુ કે હે પ્રભુ, આમ અધરાતે કયાં પધારો છો? શ્રીજીમહારાજ બોલ્યા કે “તમારા ગામના પ્રેમીહરિભકત એવા જીજીભાઇનું આયુષ્ય પુરુ થઇ ગયુ છે, તો અમે એમને અમારા અક્ષરધામમાં તેડી જવા સારું પધાર્યા છીએ..!” ત્યારે બાપુભાઇ બે હાથ જોડીને બોલ્યા કે “પ્રભું, જીજીભાઇ તો અમારા સત્સંગનો સધિયારો છે, તેઓ અમારા વિસ્તારના સત્સંગને મન-કર્મ-વચને કરીને હાલ બહુ સત્સંગનું બળ પુરુ પાડે છે, તેઓ નવા મુમુક્ષુંઓને સત્સંગની વાત્ય કરીને એમને આપના ભજન કરવા પ્રેરે છે. એમના ઉપદેશથી અનેક જીવો આપના શરણે આવ્યા છે અને આપનું ભજન કરતા થકા સત્સંગના પંચવર્તમાન પાળે છે. આમ એના લીધે સત્સંગને ઘણું બળ મળે છે, માટે હે પ્રભું, હાલ તમે જીજીભાઇ ને અક્ષરધામ ન લઇ જાઓ તો વધારે સારું, કારણ કે ગામમાં એના જેવા બીજા કોઇ બળીયા સત્સંગી નથી.” શ્રીહરિ કહે કે “બાપુભાઇ, અમે છેક અક્ષરધામ થી આવ્યા ને હવે ખાલી રથ તો પાછો લઇ જવાય નહી, તો એમ કરીએ કે જીજીભાઇના એમના બળદના આત્મા ને ધામમાં લઇ જઇએ..!” તે સુંણી બાપુંભાઇએ પુછ્યું કે “મહારાજ, એમના બળદના તો એવા વળી શા પૂણ્ય છે કે એ બળદ ને તમારા ધામની પ્રાપ્તિ થઇ ?” ત્યારે મહારાજ હસતા બોલ્યા કે “એમના બળદે અમારા સંતોની સેવા કરી છે, એકવખતે મુકતાનંદ સ્વામી એમના પચાસ સંતોના મંડળ સાથે તવરાં ના મેળા માં ગયા હતા, ને નર્મદા નદીમાં પાણીનું પુર આવવાથી સંતો ૨-૩ દિવસ ના ભૂખ્યા હતા. એ વખતે જીજીભાઇ એ આ બળદને જોડીને પોતાના ગાડામાં અનાજ ભરીને લઇને ગયા હતા, એની સંતો ખીચડી બનાવીને જમીને તૃપ્ત થયા હતા. અમારા એવા પરમહિતકારી સંતોને જમાડવાના કાર્ય માં એ બળદ ગાડે ઝૂત્યો હતો, એના આ પુણ્ય ને લીધે એને અમારા અક્ષરધામમાં લઇ જઇશું..!” શ્રીહરિ તુંરત જ પોતાના સુવર્ણરથમાં સવાર થઇને ચાલ્યા ને જીજીભાઇને ઘેરથી એમના બળદના આત્માને ધામમાં લઇ ગયા. બાપુભાઇ તો તુંરત જ એમના ઘરેથી જીજીભાઇના ઘરે આવ્યા ને શ્રીજીમહારાજે પોતે સોનાના રથમાં પધારીને ‘તમને અક્ષરધામ તેડવા આવેલા, પરંતુ એમણે વિનંતી કરતા બળદને તેડી જાશું’ એમ દિવ્ય દર્શન દીધાની સઘળી વાત કરી સંભળાવી, બેઉ ભકતો તુંરત જ બળદને બાંધવાની કોઢયમાં આવીને જુએ તો એ બળદ ત્યારે દેહ છોડી ગયેલ હતો. સવાર પડતા ગામજનોને સહુંને આ દિવ્ય પ્રસંગની ખબર પડતા સહુ ઘણા આશ્ચર્ય ને પામ્યા અને કળીકાળમાં શ્રીહરિ એમના આશ્રીત તો ખરાં જ પરંતું એમના સંતો-ભક્તોની સેવા માં આવેલા પશુંઓને પણ દયાએ કરીને પોતાના ધામમાં તેડી જાય છે, એ વાત જાણીને અહોભાવ ને પામ્યા.
કહું કાનમ દેશમાં, એક ઇંટોલા ગામ..! ભકત ભલા કણબી કૂળે, જાણો જીજીભાઇ નામ..! આવ્યા અર્ધી રાતે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ..! એક દ્વિજ ભકત બાપુભાઇ, છોડ્યો રથ એના ફળીમાંઇ..! પછી બોલ્યા શ્રીમહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ..! તેને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે..! ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ..! પણ સતંસગ મા એહ જેવા, બીજા નથી શીરામણ દેવા..! ત્યારે નાથ કહે નહી લૈયે, લેશું એના બળદને તૈયે..! ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભું એવું શીયું એનું પુણ્ય..! ત્યારે શ્રીહરિ કહે સંત અર્થે, જુત્યો’તો એ રસોઇને રથે..! માટે લઇ જઇશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ..!
- સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકતચિંતામણીના પરચા પ્રકરણમાંથી…
🙇🏻♂️🙏