એકવખતે ભૂજના પરમ હરિભકત એવા સારસ્વત વિપ્ર વીરજી જોશી માંદા થયા, તેમનો દેહ મુકવા નો સમય થયો એ વખતે તેમના સહું સગા સંબંધી વગેરે ચાલીસ-પચાસ માણસ આવીને એમના ખાટલે બેઠા.
Gujarati
ભુજના વીરજી જોશી અને તેમનું અક્ષરધામ ગમન
એકવખતે ભૂજના પરમ હરિભકત એવા સારસ્વત વિપ્ર વીરજી જોશી માંદા થયા, તેમનો દેહ મુકવા નો સમય થયો એ વખતે તેમના સહું સગા સંબંધી વગેરે ચાલીસ-પચાસ માણસ આવીને એમના ખાટલે બેઠા. વીરજી જોશી તો શરીરે પીડા હોવા છતા સર્વે ઉપાધી તજી ને પોતાના મનની વૃત્તિઓ પાછી વાળીને શ્રીહરિની મુર્તિમાં પોતાનું મન જોડીને અખંડ ભજન કરતા હતા. એકાએક વીરજી જોશી ખાટલે ઉભા થયા અને બોલ્યા કે “એક મોટો બાજોઠ લાવો અને એ બાજોઠ ઉપર ગાદલું પાથરો. જુઓ શ્રીજી મહારાજ પધાર્યા છે તો એને બેસવા સારું તૈયારી કરો.” એમનો દિકરો ગુણીયલ હતો તે તુંરત જ એક મોટો બાજોઠ લાવી ને મુકયો ને એના ઉપર ગાદલું પાથર્યું.
તુરંતજ વીરજી જોશી બોલ્યા કે “હે મહારાજ, કૃપાનિધાન..! આપ આસને બીરાજો..!” ત્યારે શ્રીજીમહારાજ બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠા. વીરજી જોશીએ એના દિકરા ને કહ્યુ જે કેસર-ચંદન, કુંમકુંમ અક્ષત અને પુષ્પના હાર વગેરે લાવો મારે શ્રીજીમહારાજની પુજા કરવી છે..! કપૂર લાવો મારે મહારાજની આરતિ કરવી છે.” એમના દીકરાએ તમામ વસ્તુઓ લાવી ને દીધી એટલે એમણે તો અતિ ભાવે કરીને શ્રીજીમહારાજનું પુજન કર્યુ. આ બધુંય જે સગા-સંબંધી વગેરેઓ આવેલા એને કોઇને કાંય દેખાય નહી, એમને તો વીરજી જોષી ફુલના હાર, ચંદન પુષ્પ વગેરે બાજોઠ ઉપર મેલતા હોય એવું જ દેખતા હતા. વીરજી જોશી તો પુજાપાઠ વગેરે કરી રહ્યા એટલે સહુ પ્રત્યે બોલ્યા જે ‘જુઓ આ શ્રીજીમહારાજ મને પોતાના ધામમાં તેડી જાવા સારું આવ્યા છે, સહુને જય શ્રી સ્વામિનારાયણ..! હું મહારાજના ધામમાં જાઉ છું.” આમ કહીને ધામમાં જવા સારું જમીન ઉપર ચોકો કરાવીને બેઠા, એ જોઇને એમના ઘરવાળા બોલ્યા કે “સાંભળો છો? આ છોકરાવ તો એકેય સત્સંગી નથી તો મારા શું હાલ થશે? તમે મહારાજને મારા સારું પણ પુછી જુઓ..!” ત્યારે વીરજી જોશી કહે કે “હુ મહારાજને પુછી જોઉં…! એમ કહીને વીરજી જોશીએ બે હાથ જોડીને શ્રીજી મહારાજને પુછ્યુ કે હે મહારાજ, મારું ઘરવાળું એમ કહે છે કે તમને તો શ્રીજીમહારાજ તેડી જાશે, પરંતુ મારા પાછળ શા હાલ થાશે? ત્યારે શ્રીજીમહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે આજે દશમ છે, બીજી દંશમે અમે આવીને બાઇને તેડી જાઇશું, માટે તમે કાંય ચિંતા રાખશોમાં..! પછી તો વીરજી જોશી શ્રીજીમહારાજ ભેળા તુંરતંજ સહુંને જય શ્રી સ્વામિનારાયણ કહીને સ્વતંત્ર થકા વાતો કરતા કરતા ધામમાં ગયા. એમના દિકરાએ કારંજ વગરે ક્રીયાઓ કરી ને વળી પંદરમાં દિવસે આવતી દશમ આવી તે દિવસે વીરજી જોશીના પંત્નિ પણ સહુને જય સ્વામિનારાયણ કહીને હું ભગવાનના ધામમાં જાઉ છું એમ કહીને અગાઉથી કહ્યા મુજબ દેહ મેલી ગયા. સહુ કુટુંબીજનો અને ગામજનો તો આ પ્રગટ પ્રમાણ જોઇને અતિ આશ્ચર્ય ને પામ્યા ને કહેવા લાગ્યા જે શ્રીજીમહારાજ અંતકાળે પોતાના ભક્તજનોને તેડવા આવે છે, તે વાત સાચી છે, જે આપણે સહુ કોઇએ નરી આંખે જોયું..!
- શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગરમાંથી…
🙇🏻♂️🙏