એકસમયે શ્રીહરિ ઉદાસ થઇને દરબારગઢમાંથી મુળજી બ્રહ્મચારી અને શુકમુનિને લઇને ચાલ્યા ને ઉગામેડીના રસ્તે લીમડો છે તે જગ્યાએ આવ્યા ને છાંયડે બેઠા.

Gujarati

ગઢપુરના ઉગામેડીના રસ્તે ઉદાસી અને નાગાજણ રાવળ

એકસમયે શ્રીહરિ ઉદાસ થઇને દરબારગઢમાંથી મુળજી બ્રહ્મચારી અને શુકમુનિને લઇને ચાલ્યા ને ઉગામેડીના રસ્તે લીમડો છે તે જગ્યાએ આવ્યા ને છાંયડે બેઠા. દરબારગઢમાંથી શ્રીહરિ ચાલ્યા ને ઉગામેડીના રસ્તે ગયા છે એમ સૌને ખબર પડતા જ મુકતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદાખાચર, સોમલાખાચર, રતનજી અને ભગુજી વગેરે સર્વે ઉતાવળે પગે પાછળ આવ્યા. માણકી ઘોડીને લઇને નાનભકત પણ આવ્યા, એમની સાથે પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી ને ખબર પડતા તેઓ ત્રણેય પણ તુરંતજ દોડતા આવ્યા. એ સમે શ્રીહરિ ત્યાં કેડાના કાંઠે લીમડાના ઝાડની નીચે ઉગમણે મુખારવિંદે બીરાજમાન હતા અને સભા સર્વ શુન્ય હતી. એ સમે નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બેઉ રસ્તે ચાલ્યા આવતા હતા અને એની પાછળ નાગાજણ રાવળ પાછળ પોતાનો રવાજ વગાડતા વગાડતા ચાલ્યા આવતા હતા. રવાજનો ઝણ ઝણ થાતો મીઠો અવાજ ને સાથે પોતે પોતાના ઘેરા રાગમાં કાઠીએ બનાવેલી પ્રભાતિ ગાવતા હતા કે…. રાધાનો અકોટો કાને પટકાવ લીનો..! પટકાવ લીનો…, ટચકાવ લીનો…, કટકાવ લીનો…, ઘટકાવ લીનો…, અરે શામળે અરે કાનૂડે મટકાવ લીનો..! રાધાનો અકોટો કાને પટકાવ લીનો..! આમ નાગાજણ રાવળની એ કનૈયાની એ ટેક ભાવથી વારે વારે ગાતા જાણીને શ્રીજીમહારાજની ઉદાસી ટળી ગઇ અને હસવા મંડ્યા.

નાગાજણ રાવળ પોતે પણ આવીને ત્યા સૌ સાથે બેઠા અને બીજી પ્રભાતિ ગાઇ કે ‘કાનો રુઠ્યો ને રાધા મનાવે..!’ એ સાંભળીને શ્રીહરિ ઘાસીયા ઉપર ઉગમણે મુખે આડા પડખે થઇને મુકતાનંદ સ્વામી ને બોલ્યા જે ‘સ્વામી, આજ તો અમને બહુ ઉદાસી થઇ ને હવે અમારું ચિત્ત ઘણું ખેંચાય છે, માટે અમે ઉત્તરાખંડ જાઇશું.’ ત્યાં દરબારમાંથી કોઇ માણસ આવ્યુ ને કહે જે “મહારાજ..! મોટીબાં નો દેહ રહે એમ નથી, એમને અચાનક કાંઈક થઇ ગયું છે.” તયારે શ્રીહરિના સખા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, હે કૃપાનાથ, આમ કર્યે શું થશે? તમારી ઉદાસીથી કેટલાય હરિજનોના દેહ પડી જશે, માટે એમ ન કરો..! તે સાંભળી મહારાજે ચપટી વજાડી. પા કલાક થઇ ત્યાં બીજા કોઇ માણસે આવીને સમાચાર દીધા કે ‘મોટીબાં ને શરીરે સુવાણ થઇ છે.’ એ સમાચાર સુણીને મહારાજે બેચર ચાવડાને દરબારગઢમાં મોકલ્યા અને જીવુંબાંને સમાચાર મોકલયા કે “અમારા જે નારાયણ કહેજો અને હવે અમે નહી જઇએ અને સાંજે દરબારગઢમાં પાછા આવીશું, અમારા સારું ભાત બંધાવીને મોકલાવજો.” એમ કહી ને બેચર ચાવડાને તુંરંત મોકલયા. પછી, મહારાજ દાતણ કરીને એક ખાટલી ઉપર બેસીને નાહ્યા. ખેતરમાં લીલા ચણા હતા તે સાધુઓને ચણા લેવા મોકલ્યા. રાધાબાગમાં થી રીંગણા મંગાવ્યા અને ગામમાંથી ઘી મંગાવીને રાણપરનો મસાલો નાંખીને શાક બનાવ્યું. સર્વે પરમહંસને બોલ્યા જે “જેટલા માણસ હો એટલા પત્તર અને તાંસળીઓ લાવો.” એમ કહેતા સહુ પોતપોતાના પત્તર લાવ્યા, એટલીવારમાં ભાત આવ્યુ એટલે મહારાજ બોલ્યા કે “આજ તો સહુ ગોપામંડળની જેમ જમવા બેસો..” એમ કહી ને પોતે બીંરંજ સર્વેને પીરસ્યો. પોતે બાજરાનો રોટલો ને શાક જમતા જાય અને પ્રસાદી આપતા જાય ને શાકના વખાણ કરતા જાય.

એ વખતે નાગાજણ રાવળ ને વાસણ નહોતું મળેલું તે આઘેરાક બેઠેલા તે ત્યાં બેઠા બેઠા જ બોલ્યા જે “હે મહારાજ.., રાધાનો અકોટો કાને પટકાવ લીનો.., એ ગાનારાને તો કાંય મળ્યુ નથી ને એતો કોરો લોટ ફાંકે છે..!” એ સુણીને મહારાજે એને પોતે જે જમતા હતા એ થાળ આપી દીધો. શ્રીહરિ ચળું કરીને મુખવાસ લઇને બેઠા. નાગાજણ રાવળને એ દિવસે એ શ્રીહરિને રાજી કરવાથી દેવોને દુર્લભ એવી થાળની પ્રસાદી મળી.

આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે શ્રીહરિલિલામૃતના કળશ ૮ ના વિશ્રામ ૨૪ ની પંકિત ૩૧ માં આ પરમભકત નાગાજણ રાવળને ચિંતવતા લખ્યુ છે કે… રાવળ નાગાજણ ભલો, જેહ જાણે રાગની જાત…! તે ત્રણ મળિ આલપિયો, ભલિ ભાતે રાગ પ્રભાત..!!

  • શ્રીહરિચરિત્રચિંતામણી તથા શ્રીહરિલિલામૃતમાંથી….

🙇🏻‍♂️🙏