ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું. એકદિવસ ચણતરકામમાં વપરાતી ચૂનાની કાંકરી પુરી થઇ રહી એટલે પાર્ષદ નથુજીએ શ્રીજીમહારાજ પાસે સમાચાર દીધા.

Gujarati

ગઢપુરમાં ઘેલા નદીના કાંઠે રસોઈ અને રીંગણાનું શાક

ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું. એકદિવસ ચણતરકામમાં વપરાતી ચૂનાની કાંકરી પુરી થઇ રહી એટલે પાર્ષદ નથુજીએ શ્રીજીમહારાજ પાસે આવીને પ્રણામ કરીને કહ્યુ કે “હે મહારાજ, ચણતરકામમાં કાંકરી થઇ રહી છે અને ઘેલા કાંઠે છે તો ત્યાંથી લાવવી જરુરી છે..!” આ સૂણીને શ્રીહરિ સૌને કહે કે ‘ચાલો સહુ જઇએ..!’ એટલે સહું સંતો-ભકતો સંગાથે ઘેલા તરફ ચાલતા થયા. શ્રીહરિ ગાડામાં બેઠા ને ઘેલે આવીને ચૂનાની કાંકરીના ખડકલા પાહે ગાડું છોડીને પોતે ગાડાની ઉંધે બેઠા. થોડીવારમાં પાર્ષદોએ શ્રીહરિને બેસવા સારું બૂંગણનો છાયો કર્યો એટલે શ્રીહરિ એમા આવીને બેઠા ને સહું પરમહંસને ચૂનાની કાંકરી ખોદવાની આજ્ઞા કરી. શ્રીહરિ એ બધીય જગ્યાએ ફર્યા અને આંટો દઇને પરત ગાડાની ઉંધે આવીને પાછા બિરાજમાન થયા, એ વખતે પ્રેમમુર્તિ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ને શ્રીહરિને અતિ હેતથી પ્રણામ કર્યો. શ્રીહરિએ સ્વામીને પુછ્યુ કે “સચ્ચિદાનંદ સ્વામી, વાડીએ રીંગણાની કેવીક છત છે?” ત્યારે સ્વામી કહે “મહારાજ, હાલ બે હજાર રીંગણા તો આપું” એ સુણીને મહારાજ બોલ્યા કે “રીંગણા તો તમે આપો પણ લોટ, ઘી, તેલ વગેરે જોઇએ એ કોણ આપે?” એ સમયે નારણજી સુતાર ત્યાં બેઠા હતા એ બોલ્યા કે મહારાજ, ઘી તો હુ દસ મણ સુધી જેટલુ જોઇએ એટલું આપુ. નારણજી સુતારનો ભાઇ અજરામર ત્યાં બોલ્યા કે હે મહારાજ, આપ શાક વધારો તો બધાય મસાલા ને લોટ વગેરે હું આપું..! શ્રીજીમહારાજ ઘણા રાજી થયા અને સહુ સાથે ત્યાંજ સામાન મંગાવ્યો. મોટા મોટા દસ ચરું માં રીંગણા નાંખીને ઘીથી મહારાજે પોતાના હાથે જ શાક વધાર્યું. લોટની બાંટીઓ બનાવીને ઘીમાં ઝબોળી ને વળી દહીને દૂધ દરબારમાંથી લાવીને સૌપ્રથમ શ્રીજીમહારાજ પોતે બાંટી અને રીંગણાનું શાક અને ઉપર દહી લઇને થાળ જમ્યા. જમીને ચળું કરીને શ્રીહરિએ પોતાના થાળની પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી, નારણજી સુતાર અને અજરામર ને દીધી. આ જોઇને શ્રીહરિના સખા એવા બ્રહ્માનંદ સ્વામી તુરંત જ રમુજ કરતા હસતા હસતા બોલ્યા કે “હે મહારાજ..! તમારું કામ એવુ કેવું કે કાંકરી તો અમે કાઢીએ છીએ ને પ્રસાદી તો કોક જમે છે..!” શ્રીહરિ સ્વામીનો ભાવ પામી ગયા એટલે હસતા હસતા બોલ્યા કે " જેનો માલ એને પ્રસાદ" એમ કહીને પાર્ષદને આજ્ઞા કરીને દસેય ચરુંમાંથી એક એક થાળીમાં શાક મંગાવીને પછી દસ બાંટીઓ લઇને દસેય થાળીમાં એક એક ગ્રાસ જમીને એ પ્રસાદી દસેય ચરુંમાં પધરાવીને ચળુ કરીને મુખવાસ લઇને પોતાના હાથે જ સહુ્ને શાક ને બાંટીઓ પીરસી ને સહુને હેતથી આગ્રહ કરી કરીને જમાડ્યા.

સહુ જમી રહ્યા પછી સહુને શ્રીહરિંએ છાતીમાં ચરણાર્વિંદ દીધા અને અતિ રાજીપો વર્તાવ્યો. ત્યારપછી શ્રીહરિ ત્યાંજ બૂંગણ નો છાંયો કરેલો હતો ત્યાંજ પોઢયા અને સાંજે સહુ સાથે દરબારગઢમાં પરત પધાર્યા.

  • શ્રીસ્વામિનારાયણ ભગવાનના અલૌકિક અને દિવ્ય ચરિત્રોમાંથી….

🙇🏻‍♂️🙏