સદગુરૂ બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞાએ વડતાલનું મંદિર બંધાવતા હતા. મંદિરનું બાંધકામ જોર-શોરથી ચાલતું હતું.

Gujarati

વડતાલ મંદિરની ડબલ કમાન અને બ્રહ્માનંદ સ્વામીની શિલ્પકળા

સદગુરૂ બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞાએ વડતાલનું મંદિર બંધાવતા હતા. મંદિરનું બાંધકામ જોર-શોરથી ચાલતું હતું. એકદિવસ સ્વામી વડતાલ મંદિરના સ્તંભો, કમાનો અને રૂપચોકીઓનું નિરિક્ષણ કરતા કરતા મુખ્યદ્વારની રૂપચોકી આવી ત્યાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કારીગરોને બોલાવીને કહ્યુ કે “દરેક કમાનોમાં કોતરણી છે, આહી મુખ્યદ્વાર હોવાથી ચોકીમાં ડબલ કમાન કરીને કોતરણી કરવી જોઇએ.” કારીગરો સ્વામીને કહે કે “સ્વામી, આપણા હિન્દુઓના બધાય મોટા મોટા મંદિરોના મુખ્યદ્વારોમાં એકજ કમાનો કોતરાય છે, ક્યાયે ડબલ કમાન હજુ સુધી જોઇ જ નથી, તેથી અમે આહી પણ એમજ કમાન કોતરી છે.

બ્રહ્માનંદ સ્વામી હસ્યા અને બોલ્યા કે જુઓ, તમે રાજવલ્લભ અને પ્રસાદમંડન વગેરે શીલ્પકલાના ગ્રંથો ભણ્યા છો? ત્યારે કારીગરો તો વિસ્મય થી સ્વામી સામું જોઇ રહ્યા અને બોલ્યા કે ‘સ્વામી, અમે તો એવા ગ્રથો કાંય ભણ્યા નથી, અમે તો જુના મંદિરોને જોઇને કોતરણી કામ વગેરે કરીએ છીએ..!’ એ સાંભળી સ્વામીએ તુરંતજ એક કાગળ મંગાવીને તે કાગળ ઉપર પોતાને હાથે જ મુખ્યદ્વારની રૂપચોકીની ડબલ કમાનનું ચિત્ર દોરીને શિલ્પકળાના નિયમ મુજબ કમાનની કોતરણી કરવા કહ્યું કે “આવી ડબલ કમાન તથા સ્તંભ તેના શરાભરણામાં હવે તમે તમારી કોતરણીની કારીગરી આળેખીને નકશો કરીને તેના ફરમા કાપીને ઘડાઇ શરુ કરો..! તમે ભલે આવી ઘડાઇ ભલે ક્યાંય કરેલ ન હોય, પરંતુ જો મારો દોરેલો આ નકશો જોઇને તમે ઘડાઇ કરશો એટલે ભગવાન શ્રીહરિના પ્રતાપે તમને એ આવડશે એવો મારો આશીર્વાદ છે.” સર્વે શીલ્પકારોએ સ્વામીના ચરણસ્પર્શ કરીને ડબલકમાન ની કોતરણી કરવાનો નિર્ણય કર્યો. થોડાદિવસમાં સ્વામીના આશીર્વાદે શીલ્પકારોએ એ ડબલકમાન ઘડીને તૈયાર કરીને મુખ્યદ્વારની રૂપચોકીમાં લગાવી જે અતિ સુંદર લાગતી હતી. સ્વામી, સર્વ શીલ્પકારો ઉપર અતિ રાજી થયા ને સર્વે ને રૂડા આશીર્વાદ આપ્યા. સમયજતા જયારે વૈરાગ્યમુર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં મદનમોહનજી મહારાજનું મંદિરનું બાંધકામ કરાવતા હતા ત્યારે એણે વડતાલ આવીને તે કમાનનો નકશો દોરીને ધોલેરા મંદિરના મુખ્યદ્વારમાં એવી જ કમાન શીલ્પકારો પાસે બનાવરાવી હતી, જે હાલ વડતાલ અને ધોલેરાનાં મંદિરોમાં તે કમાનો હાલ પણ મોજુદ છે અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની શીલ્પકળાની અદ્વિતિય સૂઝના દર્શન થાય છે.

  • મુકતરાજ કેસરભગતના જીવનકવનમાંથી…

🙇🏻‍♂️🙏