ચરોતરના આણંદ પાસેના જોળ ગામના પાટીદાર ભૂલો ભગત દર્શને વડતાલ આવ્યા હતા. વડતાલ મંદીરમાં શ્રીજીપ્રસાદીના સ્થાનોએ દર્શન કરી તેઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે રોકાયા.

Gujarati

જોળના ભૂલા ભગત અને ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ

ચરોતરના આણંદ પાસેના જોળ ગામના પાટીદાર ભૂલો ભગત દર્શને વડતાલ આવ્યા હતા. વડતાલ મંદિરમાં, જ્ઞાનબાગ, ગોમતી, જોબનબાપાની મેડી વગેરે શ્રીજીપ્રસાદીના સ્થાનો એ દર્શન કરીને તેઓ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીના દર્શન અને સમાગમ કરવા એમની પાસે રોકાયા ત્યારે સ્વામીએ ભૂલા ભગતને આશ્ચર્યથી પૂછ્યું, ભૂલાભગત, તમારા ગામમાં મંદિર નથી ? ત્યારે ભૂલો ભગત હાથ જોડીને કહે, “હા, સ્વામી ! અમારુ ગામ મુસલમાનનું છે. ગામનો મુખી મુસલમાન છે, તે તેઓ ગામમાં સ્વામિનારાયણનું મંદિર કરવા દેતા નથી.” ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી હસ્યા ને બોલ્યા કે “ભગત, એ મુખીનો તે વળી શો ભાર કે મંદિર ન કરવા દે !પુરુષોત્તમ નારાયણનું મંદિર બને એમા એની વળી શી મજાલ કે આંડો ઉતરે? ચાલ હું તારી સાથે જ તારે ગામ આવું છું. તું આજે ત્યાં જઈને ઈંટો તથા ચૂનો વગેરે માલસામાન તૈયાર કર.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે સાઠ હરિભકત માણસ અને કડિયાઓને હારે લઈને ઝોળ ગામે પધાર્યા. સ્વામી ભૂલા ભગતને સાથે લઈને મંદિર ની માટે જગ્યા જોવા નીકળ્યા. જોતાં જોતાં જે જગ્યા ગામધણીની હતી તે જ જગ્યા ને સ્વામીએ પસંદ કરી. તે જગ્યા ઉપર મંદિરનો પાયો ચીતરી (છાપી) દીધો. ત્યારે ડરતાં ડરતાં બચારો ભૂલો ભગત કહે, સ્વામી, આ તો ગામધણીની જગ્યા છે. સ્વામી હસતાં હસતાં કહે, એની તારે શી ચિંતા છે ? તારે તો હું કહું તેમ કરવું છે ને ! પછી સ્વામીની આજ્ઞાથી પાયા સહુ લોકો ખોદવા લાગ્યા. આ ખબર ગામધણીને પડી એટલે તે સ્વામીને ઉપવાસ પડાવવા સારું પોતાની હારે પાંચ સાત બૈરાં લઈને ત્યાં તુંરત જ આવ્યો. હજુ તો જરાક નજીક આવ્યો તેવામાં એક મોટો નાગ નીસર્યો અને સૌ આઘા પાછા ભાગી ગયા. ગામધણીની છોકરીને એ મોટો કાળોતરો નાગ કરડયો છતાં તેની સાન ઠેકાણે ન આવી. બે ચાર દી કેડે વળી પાછા એ મુખીના માણસો મંદિરનું કામ અટકાવવા આવ્યા. તે વખતે મોટો ભૂરિયો નાગ નીકળ્યો. તે ગામધણીની પાછળ દોડીને ફેણો મારવા લાગ્યો અને તેના છોકરાને કરડયો. સાપના ઝેરથી એનો છોકરો પણ મરણ પથારીએ સુતો, ત્યારે એને પોતાની ભૂલનો પસ્તાવો થયો, છેવટે તે ગોપાળાનંદ સ્વામી પાસે આવીને કરગરીને કહેવા લાગ્યો કે “સ્વામી ! મારાથી ભૂલ્ય થઇ ગઇ, હુ ભગવાનના મંદિરમાં આડો ઉતર્યો એટલે મને આ સજા મળી, આપતો સમર્થ સંત છો, હવે આપ કૃપા મારા દીકરાને સજીવન કરો.” ત્યારે સ્વામીએ કહ્યું, મુખી, જો મંદિરના બાંધકામમાં કાંઈ અડચણ કરતો નહિ. મંદિર માટે આ જગ્યાનો લેખ કરી આપ તો તારો છોકરો જીવતો થાય. ગામધણીએ તે જગ્યાનો લેખ કરી આપ્યો એટલે સ્વામીએ છોકરાને તુંરતજ જીવતો કર્યો.

આમ સ્વામીના પ્રતાપથી મુસલમાનના જ ગામમાં મુસલમાનની જ જગ્યામાં સ્વામીએ મંદિર કરાવ્યું અને તે મંદિરની ચોકી માટે ભૂરિયો નાગ રાખ્યો. જે કાયમ મંદિરની રક્ષા કરતા મંદિરની આસપાસ જ રહેતો.

-યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનકવનમાંથી…

🙇🏻‍♂️🙏