તિર્થધામ વડતાલમાં જોબનપગીના खास મિત્ર પુર્વના મુક્ત એવા નારણગર બાવાજી સત્સંગ ના પાને સુવર્ણ અક્ષરે લખાયા છે.

Gujarati

વડતાલના નારણગર બાવાજી અને શ્રીજી મહારાજ

તિર્થધામ વડતાલમાં જોબનપગીના ખાસ મિત્ર પુર્વના મુક્ત એવા નારણગર બાવાજી સત્સંગ ના પાને સુવર્ણ અક્ષરે લખાયા છે. તેઓ એ મુકતરાજ જોબનપગીને શુકનભેદ શીખવાડેલા. રાત્રીના કોઇ ચોક્કસ દિશામાં થતા છીબરી વગેરેના અવાજો, નક્ષત્રો, જુદાજુદા અંદેશાઓ વગેરે ના ઉતારે તેઓ શુકનભેદને પારખતા. જોબનપગી અને નારણગર બાવાજી બેઉ લંગોટિયા મિત્રો હતા, છતા તેઓ નારણગર બાવાજીને પોતાના ગુરુ માનતા. એમના મઠમાંજ જોબનપગી અને સહુ સાગરીતો મળતા, ત્યાજ લૂંટફાટના તમામ આયોજનો થતા, આ વખતે તમામ શુકનો નારણગર બાવાજી જોઇને કહેતા. એમના મઠમાંજ સહુ ચલમો, ગાંજો, અફિણ વગેરે પીતા ને ત્યાજ પાછળના ભાગે સહુ ડાયરો ભરતા. એમને પણ લૂંટનો એક હિસ્સો જોબનપગી આપતા.

નારણગરબાવાજી ને ચૂનેરીબંધ પાકો વિશાળ મઠ હતો, એમા રહેવાના ઓરડા, ફળીયામાં પાણીની ટાંકી, ઢોર બાંધવા સારુ કોઢય, લૂંટનો માલ સંઘરવા વપરાતુ એક ભંડક પણ હતું. આ ભંડકીયામાં જ જોબનપગી વગેરે સહુ લૂંટ કરીને સંતાઇને રહેતા. આમ, એજ જોબન પગી અને એમના સાગરીતોની કાયમી બેઠક હતી. એ વખતે વડતાલ નાનું એવું ગામ હતું, ગામમાં ઘણી ખરી વસતી ધારાળાની (કોળી અને ઠાકરડા સમાજની) તેમજ થોડાક પાટીદારોના ઘર હતા. એ વખતે વડતાલ ચોર-ડાકુંઓના નામથી ઘણું પૃખ્યાત હતું. ગામમાં પાંચ-સાત પાકા મકાન અને એક વડેઉ માતાજીની ચણેલી ચૂનાની ધર્મશાળા હતી, જયા સાધુ-સંતો આવીને ઉતારો કરતા. આવે વખતે સદગુરુ મુકતાનંદ સ્વામી એકવખત વડતાલ ગામમાં બાપુભાઇના ઘરે એમના અતિ આગૃહને વશ પોતાના મંડળ સાથે પધાર્યા. નારણગર એક અતિત મુમુક્ષુ બાવાજી હતા, એટલે વડતાલ ગામમાં સાધુ-સંતોનો ઉતારો એમના ઘરે જ કાયમ રહેતો. તેઓ સહુ સંતોની સારી બરદાસ્ત કાયમ જાળવતા. એકદિવસે એમણે મુકતાનંદ સ્વામી તથા સહુ સંતોને રસોઇ આપી. સંતોએ થાળ બનાવી ઠાકોરજીને ધરાવી સહુને પૃસાદી આપી એટલે સહુના મન નિર્મળ થયા.
નારણગર બાવાજીએ સંતોના મુખે કથાવાર્તા સાંભળી, એ પુણ્યપૃતાપે એમને સંતોનો બહુ ગુણ આવ્યો, એમણે મુકતાનંદ સ્વામીને અતિ આગૃહ કરીને રોકયા. એમના પાસે ભગવાનની વાતો સાંભળી, આખાયે જગતમાં આવા પવિત્ર સંતો તેમણે ક્યારેય જોયા ન હતા. આ પવિત્ર સંતોની રીત્યભાત્ય અલગ જ હતી. નારણગર બાવાજી એ સદગુરુ મુકતાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા અને તેઓ સત્સંગી થયા. સ્વામી ને પોતાના ગુરુ તરીકે માન્યા. શ્રીહરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે ત્યારે તેઓ શ્રીવડેઉ માતાજીના મંદિરે સવાર સાંજ સભા કરતા. નારણગર બાવાજીની ધર્મશાળા મા ઉતારો કરતા. આજબાજુના ગામના સહુ લોકો કાયમ કથા-વાર્તા અને દર્શન કરવા પધાર્યા હતા. એકવખત નારણગર બાવાજી અને પૃભાતગર બેઉ બળદગાડુ જોડીને ડભાણ ગામે શ્રીહરિના દર્શન કરવા ચાલ્યા. રસ્તા જતા તેઓએ સંકલ્પ કર્યો કે ‘આપણે શ્રીહરિ પાસે શુ પરચો માંગીશુ?’ ત્યારે નારણગર બોલ્યા કે ‘હુ મારી ગોદડીને બગલમાં સંતાડીને સભામાં બેસુ ને જો શ્રીહરિ એ ગોદડીને તાણીને પોતે માથે ઓઢી લયે તો માનું કે સ્વામિનારાયણ એ ભગવાન સાચા, પછે આપણે બેઉએ એમના પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થાવુ અને આપણા ઘરે એમને તેડી લાવવા.!’ એમ મનસૂબો કરીને બેઉ ડભાણ ગયા. એ સમે શ્રીહરિએ એમના સંકલ્પો જાણીને બેઉને નામે બોલાવ્યા અને સન્મુખ યથાયોગ્ય માન આપીને બેસાડ્યા. શ્રીહરિએ બેઠકેથી ઉભા થઇને એમની બગલમાં સંતાડેલી ગોદડી કાઢીને ઓઢી ને એમને નિશ્ચય કરાવયો. આ સમયે નારણગર બાવાજી પોંક મુકીને રડવા જ મંડયા. સહુ છાના રાખે પરંતુ રડતા બંધ જ ન થયા. એ સમયે શ્રીહરિએ એમને બોલ્યા કે ‘અમે તમારા મનના સંકલ્પ પુરા કર્યા છતા હવે કેમ રડો છો?’ ત્યારે નારણગર બોલ્યા કે ‘તમે આ બધાય સાધુઓને લઇને મારા ઘરે પંદર દિવસ રોકાવા આવો તો જ હુ રડતો છાનો રહુ..!’ શ્રીહરિએ રાજી થઇને હા કહીને આવવા સંમતિ દીધી. સંવત ૧૮૬૬ માં ડભાણમા યજ્ઞ વખતે વાસણભાઇ સુતાર, બાપુભાઇ, નારણગર બાવાજી, વનમાળી ગોર વગેરેના સહુએ વડતાલ પધારવા અરજ કરેલી. આ સહુ ભક્તોના અતિ આગૃહને વશ થઇને શ્રીહરિ સંવત ૧૮૬૭ના ચૈત્ર માસમાં વડતાલ પધારેલા અને નારણગર બાવાજીના આશ્રમમાં ઉતારો કરેલો અને રામનવમી અને હરિજયંતિનો ભવ્ય ઉત્સવ કરેલો. નારણગર બાવાજીએ વડતાલ મંદિરના બાંધકામ વખતે ઘણીય વખત નાણાકીય સેવાઓ કરેલી, જ્યારે શ્રીલક્ષ્મીનારાયણ દેવની પૃતિષ્ઠા વિધી થઇ રહી પછે શ્રીહરિએ એ વખતે નારણગર બાવાજીને બોલાવીને કહ્યું કે “લાવો તમારો ચોપડો અમે તમારું દેવું ચુકવી દઇએ..!” ત્યારે નારણગર બાવાજી ઉઠ્યા અને પોતાનો ચોપડો લાવીને ઉપર તુલસીપત્ર મુકીને શ્રીહરિને તમામ સેવા ‘તમને આ કૃષ્ણાર્પણ’ કરી. શ્રીહરિએ વખતે નારણગર બાવાજીને ભેટી પડ્યા અને બોલ્યા કે “નારણગરજી તમે આ બહુ મોટી દેવની સેવા કરી, અને વળી તમે બધુ કૃષ્ણાર્પણ કર્યું એટલે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, અમે તમને અમારા અક્ષરધામમાં અમારા સમીપે બેસારીશું.” આમ કહીને શ્રીહરિએ એ વખતે એમના ઉપર અતિ રાજીપો વ્યક્ત કર્યો.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિતામણી ના પૃકરણ ૧૨૨ની કડી ૮ માં વડતાલના ભક્તો સાથે નારણગર બાવાજી ને ચિંતવતા લખ્યું છે કે..

નકી ભક્ત નારણગર બાવો, જેણે કર્યો કૂળનો અભાવો..! પૃેમીભકત પગી ધન્ય ધન્ય, જનમાં શીરોમણી જોબન..!!

  • શ્રી ભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….

🙇🏻‍♂️🙏