શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. એકદિવસે અક્ષરઓરડીમાં સભા કરીને બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો અને સુરાખાચર, સોમલાખાચર, દાદાખાચર વગેરે સન્મુખ બેઠા હતા.
Gujarati
ગઢપુરના રતા બસીયા અને શ્રીજી મહારાજનો હાસ્યવિનોદ
શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. એકદિવસે અક્ષરઓરડીમાં સભા કરીને બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો અને સુરાખાચર, સોમલાખાચર, દાદાખાચર વગેરે સન્મુખ બેઠા હતા. એવા રતો બસીયો ત્યાં આવ્યા, એટલે શ્રીજી મહારાજ કહે કે ‘આ રતો બસીયો તો અમારો પાક્કો ભાઈબંધ છે.’ એમ કહી પછી રતા બસીયાને પૂછ્યું કે ‘કેમ છે રતા?’ ત્યારે રતો અતિ પ્રસન્ન થતો થકો કહે કે ‘મહારાજ, આજે તો હું નદીએ ગયો’તો..! ન્યાં પડછંદા હારે બહુ લડાઈ કરી છે તે આજ બવ ભૂખ લાગી છે.’ એ સુણીને શ્રીજીમહારાજે સાદ કરીને મુળજી બ્રહ્મચારીજીને બોલાવીને રતા બસીયાને એક શેર ઘી અને એક શેર સાકર આપવા કહ્યું, એટલે મુળજી બ્રહ્મચારીજીએ તુરંત જ જઈને લાવીને રતાને આપ્યું, એટલે રતો બસીયો તો ત્યાં જ જમવા મંડ્યો. ત્યારે શ્રીજીમહારાજ ના સખા એવા સુરાખાચર તુરંત જ બોલ્યા કે “ભણું મહારાજ..! આ રતાને શેર ઘી ને શેર સાકર અટાણે કાણું જમવા દીધા? એ તો હાવ ગાંડો છે.” તે સુણી ને રતો બસીયો તુરંત જ બોલ્યા કે ‘હે…મહારાજ..! હુ ગાંડો અને આ સુરો ખાચર ડાહ્યો એમ? એને નિત્ય ઉઠીને મારી માંહી રોજ માથામાં ખાંહડા મારે છે, ને એના ઘરમાં તો એની ઢીંગલાની આબરુ છે, ને આયા વળી ભણું મોટો પાઘડો બાંધીને તમારી સામો બેહીને ફડાકા મારે ને મને ગાંડો કેય છે.” ત્યારે સભામાં સન્મુખ બેઠેલા બ્રહ્માનંદ સ્વામી કહે કે ‘અરે ગાંડા… દરબારને એમ નો કહેવાય, એતો મોટેરા છે એટલે એમ ન બોલાય.’ એ સુણી ને વળી રતો મહારાજને કહે કે “મહારાજ હું ગાંડો ને આ તમારો બ્રહ્માનંદ ડાહ્યો..! તે એણે વળી બે ચરણ ઇસે થી લીધા ને બે ચરણ ઇસે થી લીધા ને વાત વાતમાં ભણે બ્રહ્માનંદ, ને મહારાજ..! એણે વળી ક્યાંય ચોપડીમાં તમારું તો નામ જ વાળ્યું જ નથી ને પોતાના નામનો જ પન્નો કાયમ વધારે છે હો.” આ સુણતા તો શ્રીજીમહારાજ અને સભામાં સન્મુખ બેઠેલા સહુ ખડખડાટ હસી પડ્યા. સહુ એ દિવસે તો આંખોય દિવસ રતા બસીયાની એ વાત્યું સંભારી સંભારીને બહુ હસ્યા ને એના ઉપર શ્રીજીમહારાજ અને સહુએ ખુબજ રાજીપો વરતાવ્યો.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….
🙇🏻♂️🙏