પ્રેમબાઈબેનના માતા પિતા વરજાંગ જાળિયા ગામના વતની હતા, તેમના કુટુંબને સંતોના યોગથી શ્રીસ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો હતો.

Gujarati

તરકતળાવના પ્રેમબાઈબેન અને સંતોની સેવા

પ્રેમબાઈબેનના માતા પિતા વરજાંગ જાળિયા ગામના વતની હતા, તેમના કુટુંબને સંતોના યોગથી શ્રીસ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો હતો. એકવખત પ્રેમબાઈબેન નાના હતા ત્યારે શ્રીજીમહારાજ જાળીયા પધારેલા, એ વખતે રતનબેન બાબરિયાને ઘેર ઓસરીમાં એક નાની સાંગામાંચી પર મહારાજ બેઠા હતા મહારાજની થોડે દૂર ઓસરીમાં સર્વે ભક્ત બાઈઓ બેઠા હતા, મહારાજ તેઓને ધર્મ જ્ઞાન ભક્તિની વાતો કરતા હતા. તે સમયે એક મંકોડો શ્રીજીમહારાજના શરીર પર ચડ્યો, તે મકોડાને આશરે પાચેક વરહની બાળ ઉંમરના પ્રેમબેને પોતાના હાથ વડે શ્રીજીમહારાજના શરીરને અડીને દૂર કર્યો, આમ પ્રેમબેનને નાની ઉંમરે શ્રીજીમહારાજનો સ્પર્શ થયો! આ બાળકી મહારાજને અડી એટલે પાર્ષદોએ તે બાળકીને કહ્યું કે તમારાથી શ્રીજીમહારાજને ન અડાય, મહારાજ હસ્યા અને કહ્યું ‘કાંઈ વાંધો નહિ, એ તો નાનું બાળક છે,’

  • શ્રીહરિચરિત્ર ચિંતામણી ભાગ ૧ વાત ૨૨૭

આમ પ્રેમબાઈબેનને નાની ઉંમરે શ્રીજીમહારાજના દિવ્ય સ્પર્શથી બીજબળ થયેલ, પ્રેમબાઈબેનના લગ્ન થતા તે અમરેલી જિલ્લાના તરકતળાવ ગામે રહેતા હતા. પ્રેમબાઇબેનના કુટુંબની સાધારણ સ્થિતિ હોવાથી તેઓ ગામમાં ખેતમજૂરી પણ કરવા જતા, રોજમજૂરી કરતા મળેલ કપાસમાંથી પોતે હાથે કાંતીને તે સૂતરનો વણાટ કરાવીને તેના વેજા (તાકા) ઘરમાં રાખી મુકતા. આ કાપડમાંથી સત્સંગ વિચરણમાં આવતા સંતોને ધોતિયા ઓઢાડતાં.

એક વખત મહાસમર્થ સદગુરુ મહાપુરૂષદાસ સ્વામી સંત મંડળ સાથે તરકતળાવ ગામે પધાર્યા, સંતોને પ્રેમબાઈબેનના કુટુંબે રસોઈ આપી, સંતોની પૂજા કરીને પ્રેમબાઈએ પોતાના હાથે કાંતીને વણાવેલ ધોતિયા સર્વે સંતોને ખુબ ભાવથી ઓઢાડ્યા. એ સમયે વચનસીદ્ધ સંત એવા સદગુરુ મહાપુરૂષદાસ સ્વામીએ ખુબ રાજી થઈને કહ્યું કે આ રીતે તમે સર્વે સંતોને ધોતિયા કાયમ ઓઢાડજો, હવેથી તમારી ગરીબાઈ તો ક્યાંય દૂર જતી રહેશે. આ રીતે સદગુરુ મહાપુરૂષદાસજી સ્વામીના એ આશીર્વાદના વચને પ્રેમબાઈબેનના કુટુંબનું કઠણ પ્રારબ્ધ બદલાઈ તુરંત જ ગયું! મહાપુરૂષદાસજી સ્વામીની આજ્ઞા મુજબ આજે પણ તેમનું કુટુંબ તેમના ગામે પધારતા સંતોને મૂર્તિમાન ધોતિયા ઓઢાડીને પૂજન કરે છે, હવે તો તેમનું કુટુંબ અમરેલી શહેરમાં વસે છે અને ખુબ સારો સત્સંગ રાખે છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૩ની કડી ૬૦-૬૧ માં આ જાળીયા ગામના ભક્તો સાથે પ્રેમબાઇબેન સોનીને ચિંતવતા લખ્યું છે કે….

જન રુડા છે જાળીયામાંઇ, ઠક્કર હિરો ને નાથોભાઇ..! સાંગો કાથડ ને નાજોભાઇ, બાઇ રતનું બાબરીયા સુજાણ..!!

શા અમરશી ઠાર વશરામ, આહિર વાલો ગંગાદાસ નામ…! બાઇ જીવા સોની પૃેમબાઇ, જન એહાદિ જાળિયામાંઇ..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…!

🙇🏻‍♂️🙏