ગામ પીઠવડીમાં હીરાભાઈ સુહાગિયા નામે શ્રીહરિને વિશે પરિપુર્ણપણાની નિષ્ઠાવાળા ભક્ત હતા. જેમણે શ્રીજીમહારાજની મરજી મુજબ સેવા કરી હતી.

Gujarati

પીઠવડીના હીરાભાઈ સુહાગિયા અને શ્રીજી મહારાજ

ગામ પીઠવડીમાં હીરાભાઈ સુહાગિયા નામે શ્રીહરિને વિશે પરિપુર્ણપણાની નિષ્ઠાવાળા ભક્ત હતા. જેમણે શ્રીજીમહારાજની મરજી મુજબ સેવા કરી હતી. શ્રીજીમહારાજ દાદા ખાચરને પરણાવવા સંતો-ભક્તોની સાથે જાન લઈને ભટવદર ગામે જતા હતા તે સમયે દાદા ખાચરની જાન સાથે પીઠવડીમાં રાત્રી રોકાણ કરેલું. આ સમયે હીરાભાઈ સુહાગિયાએ શ્રીજીમહારાજની પૂજા કરીને પાંચસો કોરી (તે વખતનું ચલણી નાણુ) પૃભુના ચરણમાં મૂકી, ત્યારે શ્રીજીમહારાજે એમની પરિક્ષા લેતા કહ્યું કે આ રકમ અમે તો દાદા ખાચરના લગનમાં ઢાઢી, લંઘા, ભવાયા કે માંગણ એવા લોકોને આપી દેશું, આ સાંભળીને હીરાભાઈએ શ્રીજીમહારાજને હાથ જોડીને હસતા હસતા કહ્યું કે ‘ હે કૃપાનિધાન, મેં તો આપનું દિધેલ આ ધન આપને જ અર્પણ કર્યું છે ! એનું આપને જેમ ઇચ્છા હોય તેમ કરો! અમે તો આપના ધામમાં આવીએ તે વખતે આપને જેમ એનું ફળ આપવું હોય તેમ આપજો !

હીરાભાઈ આવી ઉચ્ચ સમજણવાળા ભક્ત હતા. પછી હરજી પટેલ સુજાણે, પૂજા કીધી પ્રભુની તે ટાણે..! પુરી પાંચસેં કોરિયો લાવી, ભગવાનને ભેટ ધરાવી..! કહે કૃષ્ણ આ કોરિયો લેશું, ઢાઢી લંઘાઓને વહેંચી દેશું..! બોલ્યા હરજી જોડીને હાથ, કરો જેમ ગમે તેમ નાથ…! હું તો અક્ષરધામ મોઝાર, એનું ફળ આપ પાસે લેનાર…!

  • હરિલીલામૃત ગ્રંથ કળશ ૮ વિશ્રામ ૪૦

ગોરવીયાળી ગામ છોડીને સર્વે સત્સંગીઓ લગભગ ૯૦ કિલોમીટર જેટલા દૂરના પીઠવડી ગામે આવીને વસ્યા, પીઠવડી ગામના દરબારે આ સૌ પટેલીયાઓને જેટલી માગી તેટલી ખેતીની જમીનો આપી. આ મહેનતુ અને કુશળ ખેડૂતોએ પીઠવડી ગામને સમૃદ્ધ કરી દીધું ! સમય જતા એમના પુત્રો ઉંમરલાયક થતા તેમના સગપણ પણ પીઠવડી ગામમાં જ થયા. બંને ભાઈઓને જ્યારે ખેતરની જમીનના કૌટુંબિક ભાગ પાડવાના થયા.

પીઠવડી ગામના દરબારે હીરાભાઈને આપેલી ખેતીની જમીનમાં અડધી જમીન ખુબ ઉપજાઉ અને સારી હતી પરંતુ અડધી જમીન ખરાબો હતી, પુંજાભાઈ અને જાદવભાઈ બંને ભાઈઓ વચ્ચે આ ખેતીની જમીનના ભાગ પાડવા માટે તજવીજ થઇ, ત્યારે મોટા પુત્ર પુંજાભાઇના કુટુંબે કુનેહથી જમીનનો એવી રીતે ભાગ પાડવાનો આગ્રહ રાખ્યો કે સારી બધી જમીન તેના ભાગમાં જ આવે, તેમ ખેતરના ભાગ પાડવા. બીજા ભાગમાં મોટા ભાગે ખરાબો જમીન જાય. સહુની ઘણી સમજાવટ કરવા છતાં આ પ્રશ્નનો કોઈ રીતે ઉકેલ ન આવ્યો, બંને ભાઈઓના સસરા પક્ષના સંબંધીઓ પણ પીઠવડીના સત્સંગ સમાજમાં હોવાથી આવા વિખવાદને લીધે પીઠવડી ગામના સત્સંગીઓમાં પણ વિક્ષેપ પડવા લાગ્યો, માટે આવા વિક્ષેપનું સમાધાન કેમ કરવું તે પૂછવા ભગાભાઇ અને મુળાભાઈ ગઢડા શ્રીસ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. ભગાભાઇ અને મુળાભાઈએ મહારાજને પીઠવાડીમાં થયેલ સત્સંગના વિક્ષેપની વાત કરીને વિનંતી કરી કે ‘ આપ પીઠવડી પધારો અને આ સત્સંગનો વિક્ષેપ મટાડો,’

ત્યારે મહારાજે કહ્યું કે હમણાં તો અમે નહિ આવી શકીએ, એમ કહીને મહારાજે ઉભા થઈને મુળાભાઈ અને ભગાભાઇના બંનેના માથે બંને હાથ મૂકીને કહ્યું “જાઓ ! તમારા બ્રહ્મચર્યના પ્રભાવથી તમે જે કહેશો તેમાં અમે ભેગા રહેશું, માટે તમે જઈને સમાધાન કરો“ આમ, મહારાજની આજ્ઞા થવાથી ભગાભાઇ અને મુળાભાઈએ પીઠવડી આવીને સર્વે સત્સંગીઓને ભેળા કર્યા અને હીરાભાઈની જમીનના યોગ્ય રીતે ભાગ થાય તેમ પ્રયાસ કર્યો, પરંતુ પુંજાભાઇના કુટુંબ તરફથી ખેતીની જમીન માટેના સમાધાનમાં કોઈ રીતે નમતું ન જ જોખ્યું, આથી ભગાભાઇ અને મુળાભાઈએ ઉભા થઈને જાદવભાઈને માથે હાથ મુકીને ગઢડામાં જેમ મહારાજે કહ્યું હતું તેમ કહ્યું “જાદવભાઈ ! તમે આ ભાગ લઇ લ્યો, અમે મહારાજના વચનથી કહીએ છીએ કે આ ભલે નબળી જમીન હોય પણ આ જમીનથી તમારું કુટુંબ સોનાના ફૂલડે ફુલશે માટે આ ભાગ રાજી થઈને લઇ લ્યો “ જાદવભાઈએ ભગાભાઇ અને મુળાભાઈ દ્વારા કહેલી મહારાજની આજ્ઞા ખુબ રાજી થઈને સ્વીકારી, આથી જમીનનો જે ભાગ જાદવભાઈને ભાગમાં આવ્યો, તે ગાયકવાડ સરકારના દફતરી ચોપડે લખાયો છે જેની નોંધ હાલ પણ સરકારી દફતરે વિદ્યમાન છે.

આ વાત તેમના વંશજ શિવલાલભાઈએ સ્વમુખે રૂબરૂ વાત કરેલ છે. શ્રીહરિના આ પરિવાર પરના આશીર્વાદે હીરાબાપાના વંશજો આજે પણ દ્રઢપણે સત્સંગ રાખે છે. હીરાબાપાના વંશજોમાંથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં સંતો સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને અક્ષરનિવાસી શ્રીહરિદાસજી સ્વામી સત્સંગના આભૂષણ સ્વરૂપ સંતો છે. શીવલાલભાઇના દિકરા હસમુખભાઇ અને પૌત્ર વાસુદેવભાઇ બેઉ રાજકોટ ગુરુકુલ ના ભૂતપુર્વ વિદ્યાર્થી રહ્યા છે. હાલ પણ સત્સંગ સારો રાખે છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં પ્રકરણ ૧૧૪ની કડી ૪૦થી૪૩ આ પીઠવડીના પૃેમીભક્તોનું ચિંતવન કરતા લખેલ છે કે…. ધન્ય ધન્ય પીઠવડી ગામ, જીયા ભક્ત વસે નિષ્કામ..! આંબો મેઘો હિરો ભાયો નામ, રૂડો પૂંજો હીરજી જેરામ..! રાજો ભગો મૂળો જેઠો જન, વાલો કલો પૃેમજી પાવન..! હીરુ લાડુ વેલું કુંવરબાઇ, મોટા મુકતએ કણબીમાંઇ..! દ્વિજ જીવોને પૂતળીબાઇ, સુત શીવો ગોવર્ધનભાઇ..! દ્વિજ મોનો રાઘવ દયારામ, કોળી ભકત એક ભોજો નામ..! જન જણસાળી કલ્યાણ લઇ, ભક્ત છે પીઠવડીયે કઇ..!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી..

🙇🏻‍♂️🙏