કચ્છમાં ભુજથી ૩૬ કિમિ દૂર દહીંસરા પાસે પુનડી નામે ગામ છે, આ ગામમાં લક્ષ્મીબેન સુતાર નામે ખુબ મહિમાવાળા પ્રેમી ભક્ત રહેતા હતા.

Gujarati

પુનડીના લક્ષ્મીબેન સુતાર અને આત્માનંદ સ્વામી

કચ્છમાં ભુજથી ૩૬ કિમિ દૂર દહીંસરા પાસે પુનડી નામે ગામ છે, આ ગામમાં લક્ષ્મીબેન સુતાર નામે ખુબ મહિમાવાળા પ્રેમી ભક્ત રહેતા હતા. આ લક્ષ્મીબેન સુતારના ઘરે એકવખત શ્રીજીમહારાજ લગભગ દોઢસો સંતો ભક્તોના સંઘ સાથે કચ્છમાં સત્સંગ વિચરણ કરતા પધાર્યા હતા. બાજુના ગામ ધીણોયથી સાંજે વાળુ કરીને સૌ સંતો ભકતો સાથે રસ્તે હાસ્ય વિનોદ કરતા પુનડી ગામે લક્ષ્મીબેન સુતારને ઘરે આવ્યા. લક્ષ્મીબેનના ઘરે બહુ મોટી સગવડતાઓ નહોતી, પરંતુ એમનો અંતરનો ભાવ જોઇને શ્રીહરિ અને સંતો તેમની સુથારીકામ કરવાની કોઢમાં ઉતર્યા હતા. એ વખતે શ્રીજીમહારાજ તે કોઢમાં જ આડી મોદ બંધાવીને ઢોલિયે બેસતા, કારણ કે મહારાજના દર્શને કોઇ સ્ત્રી-પુરુષ ભક્તો આવે તો સંતો કોઢમાં મોદની પાછળ અને શ્રીજીમહારાજ સહુ સમક્ષ બેસે, સંતોના નિયમ ને અનુરુપ આડી મોદ બાંધી હતી.

લક્ષ્મીબેને સંઘને જમાડવા માટે શું રસોઈ કરવી તે શ્રીજીમહારાજને પૂછ્યું ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે “લક્ષ્મીબાં, સૌએ આગલે ગામ ગઇ રાતે જ વાળું કરી છે, ને સાંજે વાળુમાં ગળ્યા ભાત સૌ જમ્યા છે ! એટલે કોઈને ભૂખ નથી“ લક્ષ્મીબેને કહ્યું “છેક રાતે જમ્યા છો ! ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છો અને કહો છો કે ભૂખ નથી એ કેમ મનાય? માટે જમ્યું તો જોશે“ લક્ષ્મીબેનનો આવો આગ્રહ જોઈને શ્રીજીમહારાજે કહ્યું ”અમે કોઈ ગળ્યું ચીકણું તો જમતા નથી માટે દાળ ને રોટલા કરો“ આમ મહારાજે આજ્ઞા કરી એટલે લક્ષ્મીબેને બપોરે જમવા માટે સૌ સારુ બાજરાના રોટલા અને અડદની દાળ બનાવ્યા. શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ બપોરે સૌ ભક્તો દાળ રોટલા જમ્યા. સહુ સંતો બાજરાના રોટલા અને અડદની દાળ જમતા હતા ત્યારે આત્માનંદ સ્વામીને એવો સંકલ્પ થયો કે જીવ માતાના ઉદરમાં ક્યારે આવતો હશે ? આ બ્રહ્માંડમાં કેટલા જીવ હશે ? તેની ગણતરી કેમ થાય ? આવો સંકલ્પ આત્માનંદ સ્વામીને થયો, પરંતુ જમીને સભામાં શ્રીજીમહારાજને પૂછવાની સ્વામીની હિંમત ન ચાલી એટલે મૌન રહ્યા. શ્રીહરિ અંતર્યામીપણે સભામાં જ આત્માનંદ સ્વામીના સંકલ્પનો ઉત્તર કહ્યો કે “આ બ્રહ્માંડમાં અનંત જીવો ભર્યા છે, તેની કોઈથી ગણતરી ન થઇ શકે, આ બ્રહ્માંડના જીવોની ગણતરી એક પૂર્ણપુરુષોત્તમ નારાયણને જ છે ! આ અનંત જીવોને કર્મફળપ્રદાતા એવા પુરુષોત્તમનારાયણ તેમના કર્મફળ મુજબ માતાના દેહમાં જીવને પ્રવેશ આપે છે, આમ અંતર્યામીપણે આત્માનંદ સ્વામીના સમગ્ર પ્રશ્નનો ઉત્તર કર્યો ! એ દિવસે સાંજ ઢળ્યે લક્ષ્મીબેન સાંજની વાળુ માટેની રસોઈનું પૂછવા આવ્યા ત્યારે મહારાજે સંતોને પૂછ્યું, પણ કોઈ સંતો તો બોલ્યા જ નહિ, આથી શ્રીજીમહારાજે કહ્યું “ થોડી ખીચડી કરો,” લક્ષ્મીબેને ખીચડી તૈયાર થઇ એમ કહ્યું મહારાજને સૌને જમવા આવવા માટે ઊંચે સ્વરે હરે નો સાદ કરતા કહ્યું કે “ઉઠો મહાપુરુષો ! ઉઠો..! એ હાલો ખીચડી જમવા ! “ સૌ સંતો ખીચડી જમવા ઉઠ્યાં, પરંતુ પરમચૈતન્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી જમવા ન ગયા, એટલે મહારાજે ફરી સાદ કરીને કહ્યું “આવો મહાપુરુષો જમવા ! “ એટલે પરમચૈતન્યાનંદ સ્વામી ઉભા થઈને જમવા ગયા, પરંતુ આત્માનંદ સ્વામી તો વાળું કરવા ન જ ગયા.

મહારાજે સંતોને આજ્ઞા કરેલ કે સંતોને એક જ વખત જમવું, આ આજ્ઞા અનુસાર બપોરે એક વખત તો જમ્યા હતા, માટે બીજી વખત જમવા ન ગયા ! આમ આત્માનંદ સ્વામી વાળુ કરવા ગયા નહિ.

લક્ષ્મીબાઈએ મહારાજને કહ્યું “ એક સાધુ જમ્યા વિનાના રહી ગયા છે “ મહારાજે કહ્યું “ તમે તે સાધુને જમાડો “ લક્ષ્મીબાઈ કહે “ મહારાજ ! મારા જમાડયા કેમ જમે ? તમે જમાડો તો જમે “ મહારાજે આત્માનંદ સ્વામી તરફ દ્રષ્ટિ કરી પછી લક્ષ્મીબાઇને કહ્યું “ ઘરમાં લોટ છે ? “આત્માનંદ સ્વામીના મનમાં એમ થયું કે ‘આજ તો લોટ ફકાવવાના થયા છે ‘વળી આત્માનંદ સ્વામીના મનમાં એમ પણ થયું કે ‘જો વચન માનવું છે તો લોટ પણ ખાશું, ભૂખ તો નથી, પણ વચન કેમ લોપાય? ‘ આમ આત્માનંદ સ્વામી સંકલ્પો કરે છે ત્યાં અંતર્યામી બોલ્યા “ આત્માનંદ સ્વામી! મનનો ભરોસો ન કરવો,મન તો મહા હરામ જાદુ છે, ક્યારેક આ સંકલ્પ કરે, ક્યારેક ઓલો સંકલ્પ કરે, એવી રીતે સંકલ્પો ઉપર નજર રાખીએ તો અવસ્થા બદલાઈ જાય, પછી તો જીવ દેહથી નોખો જણાય ! “ એ દિવસે શ્રીજીમહારાજે ઘઉંના લોટમાં થોડું ઘી અને ગોળ નાખીને કુલેર બનાવી તેના લાડું કરીને આત્માનંદ સ્વામીને જમાડયા.

આમ, આત્માનંદ સ્વામી તો કાયમ મહારાજના વચન મુજબ જ અક્ષરશ: જીવતા, શ્રીહરિએ પણ એમને વારંવાર વખાણતાં કહેતા કે આત્માનંદ સ્વામી ને તો દેહસુખ કરતા આજ્ઞા પાલન મુખ્ય છે.

  • સદગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામીની વાતો- ૧૦૫ થી ૧૦૭

આ પુનડી ગામના લક્ષ્મીબેન સુતાર ને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ ૧૧૬ કડી ૬૧ કહે છે કે

ભક્ત સુતાર બાઇ લખમી, પુનડીયે પિતાંબર પૃેમી..! માવજી લખધીર સુતાર, માલબાઇ ગજોડ મોજાર..!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏