ગામ પીઠવડીના મુકતરાજ ભગાભાઇ અને મુળાભાઈ દુધાત કે જેઓ સત્સંગ માં ભગો અને મુળો તરીકે બહુધા ઓળખાયા છે.

Gujarati

પીઠવડીના ભગાભાઇ અને મુળાભાઈ દુધાત

ગામ પીઠવડીના મુકતરાજ ભગાભાઇ અને મુળાભાઈ દુધાત કે જેઓ સત્સંગ માં ભગો અને મુળો તરીકે બહુધા ઓળખાયા છે. આ બંને જોડકા ભાઈઓ શ્રીહરિના વચન અને આશીર્વાદથી આજીવન અખંડ બૃહમચારી હતા. બંનેને શ્રીહરિના સ્વરુપમાં અનન્ય નિષ્ઠા અને પુર્ણપણુ મનાયું હતુ. ભગાભાઇ અને મુળાભાઈ બંને ભકતરાજ હીરાભાઈ સુહાગિયાના ભાણેજ હતા. ભગાભાઇ અને મુળાભાઈના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા, આથી હીરાભાઈ, રૂડાભાઈ વગેરે સર્વે સત્સંગીઓ તેમની સર્વ રીતે દેખરેખ રાખતા.

ગુરુદેવ સદગુરુ રામાનંદ સ્વામી ગોરવીયાળી ગામે પધારતા ત્યારે બંને ભાઈઓ ખુબ સેવા કરતા અને સત્સંગ કરતા, ભગાભાઇ અને મુળાભાઈ બંનેએ રામાનંદ સ્વામી પાસે સત્સંગના વર્તમાન લીધા હતા. ગુરુદેવ રામાનંદ સ્વામીની વાતોમાં બ્રહ્મચર્યનું પ્રધાનપણું રહેતું, આથી બંને ભાઈઓએ એ સમયથી જ મનમાં દ્રઢ નિશ્ચય કરીને આજીવન બ્રહ્મચર્ય રાખ્યું હતું.

સમયજતા ગોરવીયાળી ગામેથી સૌ ભક્તો પીઠવડી ગામે રહેવા આવ્યા, ત્યારે આ ભગાભાઇ અને મુળાભાઈ બંને ભાઈઓ યુવાન થઇ ગયા હતા. પીઠવડી ગામના દરબારે આ બંને ભાઈઓને ખેતીની જમીન આપી, ભગાભાઇ અને મુળાભાઈ મહેનતુ હોવાથી વહેવારે ખુબ સુખી થયા, અવાર નવાર તે સત્સંગની સેવા કરતા, જ્યારે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઇ ત્યારે બંને ભાઈઓએ સોનાના કળશ લાવેલા તે શ્રીનરનારાયણ દેવના મંદિરના શિખર પર પ્રથમ સોનાના કળશ ભગાભાઇ અને મુળાભાઈની સેવા કરેલ હતા, આથી શ્રીજીમહારાજ ખુબજ રાજી થયા અને બંને ભાઈઓને ભેટયા અને પોતાના કંઠમાંથી ગુલાબના હાર કાઢીને બેઉ ભાઇઓ ને પહેરાવ્યા હતા.

  • હરિચરિત્રામૃત સાગર પૂર ૨૮ તરંગ ૧૬ કડી ૧૩થી૧૬ શ્રીહરિ જ્યાં જ્યા ઉત્સવ સમૈયા કરે ત્યાં બંને ભાઈઓ અચૂક પહોંચી જતા, સત્સંગનો અને સેવાનો ખુબ લાભ લેતા. પીઠવડીથી છેક પંચાળામાં પણ આ બંને ભાઈઓ સાથે ગયેલા જેનો મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે. પીઠવડીના ભક્તોના સંઘ સાથે ભગાભાઇ અને મુળાભાઈ ઘણી વખત ગઢડા પણ સેવા કરવા પહોંચી જતા, જેની ઘણી વાતો સંપ્રદાયના ગ્રંથોમાં છે. એકવાર પીઠવડીના ભગાભાઇ અને મુળાભાઈ સાથે પાંચ સાત ભક્તો ગઢડા આવ્યા, તે વખતે લક્ષ્મીવાડીએ વાડીમાં ધ્રો ખોદવાની હતી, ધ્રોનું નિંદામણ તેના મૂળ ખુબ ઊંડા હોવાથી તેને બીજા ખડની જેમ તેને નિંદીને કાઢી શકાય નહિ તેને તો ઊંડે સુધી મૂળમાંથી ખોદીને કાંસા કાઢવા પડે, આવા કામ માટે ભગાભાઇ અને મુળાભાઈ સાથે પીઠવડીના ભક્તો લક્ષ્મીવાડીએ ધોમ તડકામાં ખુબ મહેનતથી ધ્રો ખોદવાનું કામ કરતા હતા. બપોર પછી સંતો પાર્ષદો સાથે મહારાજ લક્ષ્મીવાડીએ આવ્યા, ખેતરમાં કામ કરતા પીઠવડીના ભક્તોને મહારાજે સાદ કરીને બોલાવ્યા ને પૂછ્યું કે ‘ ભક્તો, તમે બપોરે શું જમ્યા ? એટલે તેઓએ બોલ્યા કે મહારાજ..! આજે તો અગીયારહ છે તે અમે સૌએ તલના લાડુ લાવ્યા’તા એનું ફરાળ કર્યુ છે. આ સાંભળીને શ્રીજીમહારાજે રઘુવિરજીમહારાજને બોલાવીને પાર્ષદ મોકલીને દરબારમાંથી તેમના માટે ચુરમાના લાડુ મગાવ્યા પોતાના હાથે સૌને એકાદશીનું વ્રત હોવા છતાં ખુબ રાજી થઈને મોટા ચુરમાના બે-બે લાડુ ખવરાવ્યા. એ સમયે શ્રીહરિના હાથે જ એકાદશી હોવા છતાં લાડુની પ્રસાદી આ ભક્તોએ વિના સંકોચે લીધી.
  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભાગ ૨ વાત ૨૨૩ સંવત ૧૮૮૦ ના ચોમાસા મા વરસાદ ન થવાથી ખરડીયુ (દૂષ્કાળ) પડવાના એંધાણ થયા, એવે વખતે પીઠવડી થી સંઘ દર્શને આવ્યો, સંઘમા ભેળા આહિરો હતા એ દરબારગઢના ફળીયામા ઉભા ઉભા બોલ્યા કે હે મહારાજ..! મેહ વરહાવો..! નકર ભેહુ મરી જાહે..! આ સાંભળી મહારાજે મુકતાનંદ સ્વામી ને પુછયુ કે સ્વામી, એ શુ કહે છે? મુકતાનંદ સ્વામી કહે કે અમારે તો ભેહુ વતે જીવારો છે, ખડ વીના એ મરી જાહે, અમે અન્ન વિના મરી જાહુ..! તો અંતકાળે તેડવા આવજો..! ત્યારે ભગો-મૂળો બેઉ ભાઇ બોલ્યા કે મહારાજ..! શુ આમ સાવ નિંમાણા થય ને બેહી ગયા છો, વરસાદ વરહાવો ને..! ત્યારે મહારાજે રમૂજ કરી જે ‘વરસાદ તે કાય એમનમ થાય છે..!’ ત્યારે ભગો-મૂળો કહે કે ‘સો રુપીયા આપુ જો વરસાદ કરો તો..!’ ત્યારે મહારાજ કહે સાવ એટલે રુપીયે વરસાદ ન થાય હો..! એમ સૂણીને ભગો-મૂળો કહે મહારાજ..! સો રુપીયા તમને અને સાધુને મોતૈયાની રસોઇ આપુ..! શ્રીહરિ હસ્યા ને તાળી વજાડીને સહુને બોલ્યા કે ઓસરી ઉપર વયા આવો..! ત્યારે સહુ સંતો ભક્તો ઓસરી એ ચડી ગયા ને આકાશ મા ઘનઘોર ઘટા ચડી આવીને ધોધમાર વરસાદ વરહવા મંડ્યો, નેવામાં ને દરબારગઢમાં કયાય પાણી સમાયું નહી. ભગો-મૂળો સંઘ સાથે ગઢપુર રોકાયા ને સહુ સંતોને મૌતૈયાની રસોઇ આપીને પીઠવડી ગયા. -ભૂમાનંદ સ્વામીની વાતો

એકવખતે શિયાળામાં સવારે શુકમુનિ ઘેલે થી નાહીને દરબારગઢ આવ્યા ને શરીરમાં ટાઢ્ય ચડી ગઇ હતી, શ્રીહરિ એમની નાની ઉંમર જોઇને અતિ દયાવાન થતા થકા દાદાખાચર ને બોલ્યા કે દાદા..! આજ તો આ દરબારગઢની વળીયું કાઢીને પણ મારા સાધુને ટાઢ્ય માં તાપણું કરાવુ..! આ સમે ભગો અને મૂળો આ જાણીને તુરંતજ જઇને પીઠવડી થી લાકડાના ગાડા ભરીને લાવેલા દરબારગઢ આવ્યા તે જાણી શ્રીહરિ બને ભાઇઓ ઉપર ખુબ રાજી થયા હતા. શ્રીહરિ માથે હાથ મુક્તા બોલ્યા કે આજ તો મારા સાધુને સારુ તમે સોનાના ગાડા લાવ્યા એટલો અમને રાજીપો થયો..! બંને ભાઇઓ એ આવી તકની સેવા જોઇને કરીને શ્રીહરિનો સવિશેષ રાજીપો રળ્યો હતો. બને ભાઇઓ બેલડાના હોવાથી એકબીજાને જોતા જ કોઇ ઓળખે નહી એવા સરખા રુપે હતા. એકવખત ગઢપુરમા સભામાં વણિક શેઠની હારે શ્રીહરિએ પાંચશેર પેંડા ભગાને જમાડવા શરત કરી ને અધવચાળે ભગાને લઘુ કરવા મોકલ્યા ને એની જગ્યાએ મૂળાને બેહારીને પાંચ શેર પેંડા જમાડીને ઘણો વિનોદ કરતું ચરિત્ર કર્યું હતું. -ગઢપુરલીલા… પીઠવડીમાં હીરાભાઈ સુહાગિયા ના બે પુત્રો વચ્ચે ખેતીની જમીનની વહેંચણીમાં વિખવાદ થતા પીઠવડીના સત્સંગમાં પણ વિખવાદ થયો જેના સમાધાન માટે બંને ભગાભાઇ ને મૂળાભાઇ બને ભાઈઓ ગઢડા મહારાજ પાસે આના ઉકેલ માટે ગયા. પીઠવડીના સત્સંગમાં થયેલ વિક્ષેપનું નિવારણ કરવા માટે મહારાજને પીઠવડી આવવા વિનંતી કરી, ત્યારે મહારાજે ભગાભાઇ અને મુળાભાઈને માથે હાથ મૂકીને કહ્યું કે “ તમારા બ્રહ્મચર્યના પ્રભાવથી તમે જે કહેશો તેમાં અમે ભેગા રહેશું, માટે તમે જઈને તેનું સમાધાન કરો “ આમ મહારાજની આજ્ઞાથી જે જમીનનું સમાધાન થયું તે ખેતીની જમીનના સરકારી દફતરે આ પ્રસંગની નોંધ પણ લેવાઈ છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં પ્રકરણ ૧૧૪ની કડી ૪૦થી૪૩ આ પીઠવડીના પૃેમીભક્તોનું ચિંતવન કરતા લખેલ છે કે…. ધન્ય ધન્ય પીઠવડી ગામ, જીયા ભક્ત વસે નિષ્કામ..! આંબો મેઘો હિરો ભાયો નામ, રૂડો પૂંજો હીરજી જેરામ..! રાજો ભગો મૂળો જેઠો જન, વાલો કલો પૃેમજી પાવન..! હીરુ લાડુ વેલું કુંવરબાઇ, મોટા મુકતએ કણબીમાંઇ..! દ્વિજ જીવોને પૂતળીબાઇ, સુત શીવો ગોવર્ધનભાઇ..! દ્વિજ મોનો રાઘવ દયારામ, કોળી ભકત એક ભોજો નામ..! જન જણસાળી કલ્યાણ લઇ, ભક્ત છે પીઠવડીયે કઇ..!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી..

🙇🏻‍♂️🙏