ગઢપુરમા શ્રીજીમહારાજના પાર્ષદ નામે અરજણ ભગત હતા. સત્સંગમાં તે બહુધા અર્જુન ભગત તરીકે પણ ઓળખાયા છે.

Gujarati

ગઢપુરના અરજણ ભગત અને શ્રીજી મહારાજ

ગઢપુરમા શ્રીજીમહારાજના પાર્ષદ નામે અરજણ ભગત હતા. સત્સંગમાં તે બહુધા અર્જુન ભગત તરીકે પણ ઓળખાયા છે. સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારીજીએ નિરૂપણ કરેલ શ્રીપુરુષોત્તમનારાયણની મહાપૂજામાં તૃતીય આવરણના મુકતો સાથે અરજણ ભગતનું સ્થાપન કરેલ છે, તે મુક્તો સાથે તેમનું પૂજન થાય છે. (મહાપૂજામાં નિરૂપિત પાત્રોના પરિચયની પુસ્તિકા મુજબ)

અરજણ ભગત શ્રીજીમહારાજની આજ્ઞાથી દાદા ખાચરની ગાયો ચરાવવાની સેવા કરતા, દરરોજ ગાયોને ચરાવી સીમમાં લઇ જાય, તેની સંભાળ રાખતા રાખતા જ્યારે સીમમાં ઢોર ચરતા હોય ત્યારે અરજણ ભગત મહીમાંથી શ્રીહરિને સંભારીને ઉંચે સ્વરેથી કીર્તનો બોલે, બપોરે જ્યારે ઘેલા નદીના કાંઠે કોતરું મા ઝાડવાના છાંયડે ઢોર બેઠા હોય ત્યારે મહારાજના લીલા ચરિત્રોનું ચિંતન કરે, અને હૈયે મહારાજનું સ્મરણ હોય. પોતે રોટલા ખાવા બેહે ત્યારે શ્રીહરિને સંભારીને રોટલા, ગોળ, મરચા વગેરે જે હોય એ શ્રીહરિને સંભારતા સંભારતા જમે, રસ્તે કોઇ આવતા જાતા સંતો-ભકતો નો સંઘ નીસરે તો પોતાની દોરી-સિંચણથી કૂવેથી સહુને ટાઢા જળ પાય, શ્રીહરિની વાતો-ચરિત્રો સૌ સંતો ભક્તોના મુખે સાંભળે..! અરજણ ભગત રોજ સીમમાં ઢોર ચારવા જાય ત્યારે હાથમાં ભરવાડો રાખે તેવી કડિયાળી ડાંગ (છેડે લોખંડની કુંડલી જડેલી ) હારે જ હોય.

એક વખત સીમમાં ગાયો ચરતી હતી, તે વખતે કોઈ ગાય પર હુમલો કરવા દીપડો આવ્યો, આ અરજણ ભગતે દૂરથી જોયું, પોતાના હાથમાં કડિયાળી ડાંગ તો હતી, પરંતુ પોતે દૂર હતા, દોડીને ત્યાં પહોંચે, તો વખત લાગે, આથી હાથમાં એક પાણો લઈને પોતાના હાથેથી જોરથી દીપડા ઉપર ઘા કર્યો, અરજણ ભગતના ફેંકેલા પથ્થરના એક જ પ્રહારથી દીપડાના તો ન્યાંજ રામ રમી ગયા. દિપડો ગાયને કોઈ પ્રકારની ઇજા કરે એ પેલા જ અરજણ ભગતે એને એક ઘા એજ પુરો કરી દીધો..! દીપડાને મરેલો જોઈને અરજણ ભગત ને થોડીવાર પછે ખેદ થયો તે મારા હાથે એક જંગલી પશુનું મોત થયું, મારાથી જીવ હિંસા થઇ ગઈ એમ વિચારીને તેઓ દુખી દુખી થઇ ગયા. શ્રીજીમહારાજની આજ્ઞા લોપાઈ હોવાનું મનમાં સ્મરણ થયા કરતું હતું ! એ આખો દિવસ તો અરજણ ભગત ને પોતાથી મહારાજની આજ્ઞા લોપાઈ તેનો બહુ અફસોસ થયો. સાંજે ગામમાં પરત આવ્યા ને દરબારગઢ શ્રીજીમહારાજ પાસે દોડતા આવી ને દંડવત પૃણામ કરીને આંખ્યમા આંસુ સાથે આ વિગતે વાત કરી. આજ્ઞા લોપાઈ તે માટે માફી માંગી પ્રાયશ્ચિત આપવા માટે પ્રાર્થના કરી ! શ્રીજીમહારાજે રાજી થઈને નિર્દોષ એવા અરજણ ભગતના મસ્તક પર પોતાનો કરુણા ભર્યો હાથ મૂકીને રાજીપો દેખાડ્યો. અરજણ ભગતને દિલાસો આપતા શ્રીજીમહારાજે તુરંત જ કહ્યું કે… “ભગત…! દીપડો તો ગાયને મારવા આવ્યો હતો, તેથી દીપડો તો આતતાયી ગણાય. ગાય, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત, સ્ત્રી, દુર્બળ વ્યક્તિ કે રાષ્ટૃભૂમી વગેરેની રક્ષા કરવામાં જો આતતાયીના પ્રાણ જાય તો તે હિંસા ન ગણાય, પરંતુ પુણ્યનું કાર્ય થયું ગણાય ! આતતાયી થકી રક્ષા કરવાની તો શાસ્ત્રોમાં અમે આજ્ઞા કરી છે, માટે તમે ગાયને મારવા આવેલ દીપડાને તમે માર્યો, તે પાપ ન ગણાય, પણ પુણ્યનું કાર્ય ગણાય, “ આમ મહારાજે કહ્યું ત્યારે જ અરજણ ભગતને શાંતિ થઇ !

અરજણ ભગત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના હજુરી પાર્ષદ તરીકે સેવા કરતા હતા. અરજણ ભગત ત્યાગી થયા તે પહેલા પોતાના ઘરે ખુબ દૂધ ખાધેલ, આથી તેમને ત્યાગાશ્રમમાં પણ અવાર નવાર દૂધ ખાધા-પીધાની ઘટના સાંભરી આવે, આથી ભગતને મનમાં પુરવના વિષયભોગ સાંભરવા થી બહુ દુઃખ થાય, પોતાને થતા આવા સંકલ્પ માટે પ્રાયશ્ચિત સારુ પોતે ક્યારેક ઉપવાસ કરે.

એક વખત મહારાજ અને આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજ સોરઠના ગામડાઓથી વડતાલ તરફ આવતા હતા, ત્યારે રસ્તામાં અરજણ ભગતે નિર્દોષ ભાવે શ્રીજીમહારાજને પોતાને પીડતા એ દોષની વાત કરીને તે દોષ મટાડવા દિનભાવે પ્રાર્થના કરી. શ્રીજીમહારાજે તેમના તરફ કરુણા દ્રષ્ટિથી જોઈને કહ્યું કે “ ભગત ! હવે આખે રસ્તે બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ‘ હરિજન સાચા રે, જે ઉરમાં હિમ્મત રાખે ‘ એ કીર્તનના પદો બોલતા આવો.” શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ અરજણ ભગત તો આખે રસ્તે સિગરામ સાથે ચાલતા ચાલતા એ કીર્તનો બોલતા રહયા, એ પછી ભગતને સ્વાદના દોષથી થતી આવી કોઈ પીડા ન રહી ! તે દોષ જીવનભર માટે સર્વથા દૂર થયો !

રઘુવીરજીનો એક જન, રૂડું નામ જેનું અરજુન..! એના અંતરની વાત જાણી, લાગ્યા પૂછવા સારંગપાણિ..! તજી સંસાર આવ્યા છો આંઈ, તો ય સાંભરે છે વળી કાંઈ..! સાચે સાચું કહો હોય જેમ, સુણી બોલ્યો તે અર્જુન એમ..! સ્વામી સર્વજ્ઞ છો સાક્ષાત, તમથી છાની શી રહે વાત ? તો ય પૂછ્યું તેથી કહું છું ય, મારે ઘેર હતો જ્યારે હું ય..! ત્યારે ગાયો ચારવાને જાતો, તહાં દૂધ પીને તૃપ્ત થાતો..! તે તો સાંભરે છે મનમાંય, બીજું સાંભરતું નથી કાંય..! પછી તે જેમ વિસરી જાય, કર્યો મહાપ્રભુએ ઉપાય..! ગવરાવ્યા પદો પંથ આંખે, સાચા હરિજન હિંમત રાખે..! તેથી સૌ સમજ્યા મનમાંય, જયારે સંસારી સંકલ્પ થાય..! ત્યારે જો આવા કીર્તન ગાય, તેના સંકલ્પ સૌ ટળી જાય..!

  • શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ પ૨ આવા આજ્ઞાંકિત પૃેમીભક્તનું સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પૃકરણ ૧૧૨ ની કડી ૨૧માં એમનું સ્મરણ કરેલ છે કે….

ઉકો હરજી રામજી દોય, કૃષિકર કરમશી સોય..! જોધો જેઠો મેઘો હરિનાથ, ભગો અર્જણ બિજલો સાથ..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏