વડતાલ પાહેના પાંચ ગાઉના અંતરે પાહે પીપળાવ કરીને નાનું એવું ગામ આવેલું છે. આ ગામમાં શ્રીહરિના પરમએકાતિંક એવા સૌના શિરમોર એવા મનોર ભગત પણ રહેતા.
Gujarati
પીપળાવના મનોર ભગત અને કાઠી દરબારોનું શીરામણ
વડતાલ પાહેના પાંચ ગાઉના અંતરે પાહે પીપળાવ કરીને નાનું એવું ગામ આવેલું છે. ગામમાં સંતોના યોગે દ્વિજ ભવાનીશંકર, પૃભાશંકર, કેશવરામ, બોનજી કોળી, હેતબાઇ ને જીજીબાઇ લાલો પટેલ, કલ્યાણ સુતાર વગેરે ઘણા સત્સંગીઓ હતા. આ ગામમાં શ્રીહરિના પરમએકાતિંક એવા સૌના શિરમોર એવા મનોર ભગત પણ રહેતા. પોતે વ્યવહારે બહુ સાધારણ હતા પણ શ્રીહરિનો રાજીપો રળવામાં સહુથી આગળ હતા. શ્રીહરિ અવારનવાર વડતાલ જતા આવતા રસ્તે એમના ગામ પધારતા અને એમના ઘરે અચુક દર્શન દેવા પધારતા. મનોરભગત પણ શ્રીહરિ પોતાના ઘરે પધારે એટલે શબરીની ઝુપડીએ ભગવાન શ્રીરામ પધાર્યા હોય એમ રાજી રાજી થઇ જતા.
એકવખત શ્રીહરિ સુરાખાચર, સોમલાખાચર વગેરે કાઠીદરબારો સાથે ઘોડેસ્વાર થઇને વડતાલ જતા હતા એટલે રસ્તામા પીપળાવ પહોંચતા સંધ્યા ટાણુ થયું તો મનોર ભગતને ઘરે રાતવાહો કર્યો. મનોર ભગતે શ્રીહરિને ભાવે કરીને જમાડ્યા. સવારે વહેલા ઉઠીને ભળકડે શ્રીહરિએ નાજા જોગીયા ને ઘોડાઓને પલાણ બાંધવાનું કહ્યું એટલે મનોરભગત બોલ્યા કે હે મહારાજ..! આટલી બધી તે શી ઉતાવળ છે, મોડેક થી શીરામણ કરીને છાહું પીઇ ને જાજો ને..! શ્રીજીમહારાજ કહે ભગત, અમારે વડતાલ પહોચવાની ઉતાવળ છે એટલે ટાણાસમાં હાલઇ તો તડકો ચડે ઇ પેલા વેલુ આવે વડતાલ..! સુરાબાપુ વગેરે દરબારો શ્રીહરિની વાત્ય સાંભળીને મનમાં વિચાર કર્યો કે આયા પેટમાં ગલૂડિયાં બોલે એવી ભૂખ લાગી છ ને આવડો આ ભગત બચારો કેય છે કે શીરામણી કરીને હાલો, તો શુ લેવા જાવાની આમ ઉતાવળ કરતા હશે..! એમ વીચારી કાઠીદરબારોએ નક્કી કર્યું કે મહારાજ ને જાવા દેવાને મોડેક થી સૌએ હાલવું. થોડીવારમાં મહારાજ તો માણકીએ અસવાર થઇને ચાલ્યા એટલે મુળજી બૃહ્મચારી પણ એમના સંગાથે હાલ્યા. મનોરભગતે શ્રીહરિને વડતાલના માર્ગે વળાવીને સુરાબાપુ વગેરે દરબારોને ભાવથી શીરામણ કરવા બેહારયા. સૌને થાળીમાં ચીણનો ચીકણો રોટલો ને ખાટી છાશ શીરામણ મા પીરસી. દરબારો તો જેવા જમવાની શરુઆત કરે તયાં તો ગૂંદર જેવો ચીકણો રોટલો ચવાય નય એટલો કડક અને છાશ તો એટલી ખાટી કે મોઢે લગાડાય એમ જ નોતી, ભગત તો ભાવે કરીને સૌને ‘હજી સૌ લયો હજી સૌ લયો’ એમ પરાણે પીરહતા જાય ને આગૃહ કરતા જાય. સુરાબાપુ એ કીમિયો ગોતી કાઢ્યો કે ભગત..! અમે આ હારે લેતા જાહુ ને ગામ બહાર તળાવે મોઢા વીછળીને નયા શીરામણ કરશુ ને પછે જ હાલશું. આમ કહીને હારે લઇને ઘોડે ચડીને વાઝોવાઝ હાલ્યા ને રોટલા ગામની બજારે કૂતરાંને નાંખ્યા પણ એ પણ સૂંઘી સૂંઘીને ભાગી ગયા, પીપળાવને ગોંદરે છાહ ઢોળી નાંખી. તળાવે જઇ બે બે ખોબા પાણી પીઇને સહુ વડતાલની વાટે સહુ ઘોડેસવાર થઇને હાલ્યા. પાંચેક ગાઉ નો પંથ કાપીને થોડોક દિવસ ચડ્યે સહુ વડતાલ પોગ્યા તયા તો શ્રીહરિ આંબલાના ઝાડ હેઠે સભા કરીને બેઠા હતા તયા દરબારો સહુ આવી આવી ને પૃણામ કરી ને બેઠા. શ્રીહરિ તો અંતર્યામીપણે જાણતા હતા કે આ સહુ ભૂખ્યા આવ્યા છે એટલે મર્મ માં બોલ્યા કે બૃહ્મમુનિ, આ બધા તો પીપળાવ મનોર ભગત ની નયા દૂધ ને રોટલાના શીરામણ કરી કરીને આવ્યા છે એટલે એના હારુ શીરામણ ની તૈયારીઓ કરતા નહી. કાઠી દરબારો તો મનમા મનમા પછતાણા કે ભારે કરી પેટમાં બલાડા બોલે છ ને ઉપરથી મહારાજ જમવાની ઉતાવળ નો કરવા નુ કહે છે. સુરાખાચર ને મનમાં થયું કે કાંક યુકિત કરી જોહે નકર આજ તો ભૂખ્યા મરી જાહું..! એમ વિચારીને પોતે માથેથી પાઘડું ઉતારી ને બોલ્યા કે એલા સોમલા…! ભણું, જોતો મારે માથે એકોય વાળ રયો છ કે ખાટી છાહ પીધે હંધાય ખરુ ગયા? આમ સહુએ પોતપોતાના પાઘડા ઉતારીને એકબીજાને બતાવ્યા ને ઘણો વિનોદ કર્યો. શ્રીહરિ કહે સુરાબાપુ..! આમ તમે માથાની ચાલ્ય કેમ એક બીજાને બતાવો છો, ત્યારે સુરાબાપુએ વિગતે બધી વાત્ય કરી. મહારાજ તો મુખ ઉપર રુમાલ રાખીને ખડખડાટ હસતા હસતા બોલ્યા કે સુરાબાપુ..! કાં જમી લયો ને..! વરરાજા વગર ની જાન મા તો પછે મહેમાનગતિ એવી જ હોય ને..! અમને મુકીને તમે સારા શીરામણ હારુ રોકાણા તો પછે તો ખાટી છાશ જ મળે ને…! સભામાં સહુ જાણીને બહુ હસ્યા. શ્રીહરિએ સહુને શીરામણ કરાવવા આજ્ઞા કરી.
આમ પીપળાવ ગામે મનોરભગતના ઘરે સહુ દરબારો શ્રીહરિને મેલીને શીરામણ જમવા રોકાતા ઘણી ઘણી રમુજ થઇ.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિતામણી ના પૃકરણ ૧૨૨ મા કડી ૪૩ થી ૪૫માં પીપળાવ ના સહુ ભકતોને ચિંતવ્યા છે કે… ગીરધર બેચર છે નામ, સુતાર કલ્યાણ ગંગારામ..! સોની ગોપાળ આદિ હરિજન, વસે પીપળાવ મા પાવન..!!
- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏