અમદાવાદમાં શ્રીસહજાનંદ સ્વામીને વીશે અતિ હેતવાળા ઘણા હરિભક્તો હતા.

Gujarati

અમદાવાદના નથુ ભટ્ટ અને દામોદર પટેલ

અમદાવાદમાં શ્રીસહજાનંદ સ્વામીને વીશે અતિ હેતવાળા ઘણા હરિભક્તો હતા. એ સમામાં નથુ ભટ્ટ વેદાંત અને શ્રીમદ્ ભાગવત જેવા શાસ્ત્રો અને પુરાણોના જ્ઞાતા અને મહાન વિદ્વાન હતા. પોતે જ્ઞાની હોવાથી શ્રીસ્વામિનારાયણ ભગવાનના માનુષી ચરિત્રો જોઇને એમને ભગવાનના અન્ય અવતારો જેવા જાણતા હતા. બરાબર એજ સમયે અમદાવાદમા સંતોના સંગથી દામોદર પટેલને સ્વામિનારાયણ ભગવાનમાં સર્વોપરીપણાની પુરી નિષ્ઠા હતી. બને વારાફરતી મળતા એટલે એકદિવસ કોઇ બંને વચાળે વાતચીત થતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરિપણાની આ વાત દામોદર પટેલે નથુ ભટ્ટને કહીને કહ્યું કે ‘શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી છે, સ્વામિનારાયણ ભગવાન જેને તમે વાસુદેવનારાયણ કહો છો તેનાથી ઘણા મોટા ગણાય.’ નથુ ભટ્ટ શાસ્ત્ર-પુરાણો ના તત્વ દ્વારા જાણતા હતા કે વાસુદેવનારાયણ તો સૌથી મોટા છે ! માટે બ્રહ્માંડોમાં અવતાર સ્વરૂપે વાસુદેવનારાયણ જ પધારે છે, પરંતુ શાસ્ત્રોને ન જાણનાર દામોદર પટેલ આવી વાત કેવી રીતે જાણે ? દામોદર પટેલની વાત સાંભળીને નથુ ભટ્ટ ખુબ ખિજાઈ ગયા અને કહ્યું તને કણબાને શાસ્ત્રોની શું સમજણ હોય ? આમ કહીને નથુ ભટ્ટે ખિજાઈને દામોદર પટેલને એક લાફો મારી દીધો ! પરંતુ દામોદર પટેલ તો જરા પણ ન ખિજાયા ! સરળ એવા દામોદર ભકતે તુરંત જ નથુ ભટ્ટને હાથ જોડીને પોતે કહેલ વાત માટે માફી માગીને કહ્યું કે આપણા બેઉમાં કોની સમજણ સાચી છે તેની ખરાઈ કરવા જ્યાં શ્રીજીમહારાજ હોય ત્યાં ચાલો આપણે જઈએ, શ્રીજીમહારાજ જેમ કહેશે તે સત્ય, આમ બંનેએ નક્કી કર્યું. આથી મહારાજ પાસે જવા માટે નથુ ભટ્ટ કબુલ થયા. તે સમયે મહારાજ વડતાલમાં વિરાજતા હતા, આથી દામોદર પટેલ અને નથુ ભટ્ટ બંને વેલડામાં બેસીને વડતાલ મહારાજ પાસે ગયા. નથુ ભટ્ટની શાસ્ત્રોની સમજણ હતી તેનાથી વિપરીત વાત સાંભળતા ખિજાઈને પોતાના ખુબ સારા સ્નેહી મિત્રને પણ તમાચો મારી દીધો ! છતાં બંને વચ્ચે કોઈ વેરની આંટી પડી નહિ ! બંને સંપીને મહારાજ પાસે ગયા. દામોદર પટેલ અને નથુ ભટ્ટ બંને વડતાલ શ્રીજીમહારાજ પાસે આવ્યા, પ્રણામ કરીને ભટ્ટજીએ મહારાજને પૂછ્યું કે આ દામોદર તો આપને માટે આવું આવું શાસ્ત્રોથી બહાર હોય તેવું બોલતા હતા, એમ કહીને ભટ્ટજીએ અમદાવાદમાં બનેલ બનાવ કહ્યો. મહારાજે મંદ મંદ હસતા સર્વે વાત સાંભળી, એ સમે દામોદર પટેલ તો ભટ્ટજી વિષે કાંઈ ન બોલ્યા ! શ્રીજીમહારાજે નથુ ભટ્ટ સામે દ્રષ્ટિ કરી ત્યાં તો ભટ્ટજીને સમાધિ થઇ ગઈ! સમાધિમાં મહારાજે પોતાના સ્વરૂપનું અક્ષરધામમાં દર્શન કરાવ્યું અને અનેક અવતારો, અનેક બ્રહ્માંડોના અધિષ્ઠાતાઓ એવા વાસુદેવનારાયણ, વિરાટનારાયણ, બ્રહ્મા, આદિક અનેક દેવતાઓ મહારાજના તે સ્વરૂપની સેવામાં રહયા છે ! જે સ્વરૂપે સન્મુખ વડતાલમાં વિરાજતા હતા એજ સ્વરુપે નથુ ભટ્ટને સમાધિમાં દર્શન થયા.! સમાધિમાંથી જાગીને તરત નથુ ભટ્ટ દામોદર પટેલને દંડવત કરવા લાગ્યા ! દામોદર પટેલ નથુ ભટ્ટને બાથમાં લઈને ભેટી પડયા, પછી બંને મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા ! ભટ્ટજીએ પોતાની ભૂલ બદલ મહારાજની અને દામોદર પટેલની માફી માંગી ! આ પ્રસંગ પછી નથુ ભટ્ટને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી તરીકેની સમજણનો પરિપૂર્ણ નિશ્ચય થયો. જયારે જ્યારે શ્રીજીમહારાજ અમદાવાદ પધારતા, ભટ્ટજીને ઘેર મહારાજ ઉતરતા. - ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ ૪ વાત ૧૪ અને હરિચરિત્રામૃત સાગર નથુ ભટ્ટ અમદાવાદના ખુબ મોટા વિદ્વાન હતા. નથુ ભટ્ટ સત્સંગી થયા એટલે એમના નાતીલા વૈષ્ણવોએ પણ તેમનો બહિષ્કાર કર્યો, નાતીલાઓએ કોઈ પણ ધાર્મિક કાર્ય માટે નથુ ભટ્ટને ન તેડાવવા એવું નક્કી કર્યું. આ ઉપરાંત તેઓ તરફથી નથુ ભટ્ટને ઘણી પજવણી પણ થતી છતાં નથુ ભટ્ટ દ્રઢપણે ભગવાનના સત્સંગી રહયા.

એકસમયે નથુ ભટ્ટનું કુટુંબ ખુબ મુશ્કેલીમાં હતું, તેની બેચર શેઠને જાણ થતા તેમને પેઢી પર તેડાવ્યા, તેમની બધી હકીકત જાણીને નથુ ભટ્ટને ખુબ સન્માન આપીને પોતાની પેઢી પર દરરોજ આવીને પેઢીની તિજોરીની ચાવીઓ સાચવવાનું મહત્વનું કાર્ય સોંપ્યું, આ રીતે સન્માન પૂર્વક આર્થિક સહાય કરીને બેચર શેઠે નથુ ભટ્ટના કુટુંબની સર્વે મુશ્કેલીઓ દૂર કરી ! આ રીતે નથુ ભટ્ટ દ્વારા બેચરજી શેઠને પણ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયેલો - હરિચરિત્ર ચિંતામણી ભાગ ૩ વાત ૨૫૬

આવા સહુ અમદાવાદના પૃેમીભકતોને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ ૧૨૦ની કડી ૪૪થી૫૮ માં સહુને ચિંતવ્યા છે !

ભક્ત અમદાવાદે અનેક, ભજે હરિ તજે નહી ટેક..! જીયા વિરાજે બદરીપતિ, તિયા સર્વે જન શુભમતિ..!!

શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏