ઉતરગુજરાતમાં વિજાપુર પાસે વિહાર ગામ આવેલું છે. આ વિહાર ગામમાં કુબેરભાઈ પટેલ નામે આગેવાન ખેડૂત-પટેલ હતા.

Gujarati

વિહારના કુબેરભાઈ પટેલ અને શ્રીજી મહારાજ

ઉતરગુજરાતમાં વિજાપુર પાસે વિહાર ગામ આવેલું છે. આ વિહાર ગામમાં કુબેરભાઈ પટેલ નામે આગેવાન ખેડૂત-પટેલ હતા. સંતોના યોગે તેઓ સત્સંગી થયા અને બાજુમા જ વિજાપુરના મુકતાત્મા પૃાગજીભાઇ અને મુક્તાત્મા વજીબાના સંગે તેમનો સત્સંગ દ્રઢ થયો. તેઓ અવારનવાર સંઘમા વડતાલ ગઢપુર આવીને શ્રીહરિ તેમજ મોટા મોટા સંતો ભક્તો ના દર્શન કરીને ધન્ય થતા હતા.

એકવાર સંતો પાર્ષદો સાથે મહારાજ વિહાર ગામે પધાર્યા. કુબેરભાઈ પટેલની આગેવાનીથી વિહાર ગામના સૌ સત્સંગી લોકોએ ખુબ ધામધૂમથી સામૈયું કર્યું. સંઘને ઉતરવા માટે મોટો શમિયાણો બનાવ્યો હતો. શ્રીજીમહારાજ ને બિરાજવા સારુ સુંદર બેઠક બનાવી હતી, તેના પર મહારાજ વિરાજમાન થયા. સન્મુખ સર્વ સંતો ભક્તો ને સત્સંગીઓ તેમજ સર્વે ગામલોકોની સભા ભરાઈ હતી. શ્રીજીમહારાજની માધુરી વાણીથી સૌ આનંદ પામ્યા. ગામના પીતામ્બર ત્રવાડી અને કુબેરભાઈ વગેરે સૌ સત્સંગીઓએ સંઘને અને ગામના સત્સંગીઓને જમાડવા માટે સુંદર શીરાપુરી, ભજીયા, દાળશાક વગેરે રસોઈ કરાવી. ગામમાંથી પણ સૌ માણસોને ઢોલી પાસે સાદ પડાવીને ભોજન પ્રસાદ લેવા તેડાવ્યા. એ સમયે આજુબાજુના ગામો ચાડસણા, બિલોદ્રા, પિલવાઇ, વેડા, ગવાડા વગેરે ગામોના ભક્તોના સંઘ મહારાજના દર્શન કરવા માટે આવવા લાગ્યા, આથી અંદાજ કરતા ઘણા વધારે માણસો જમવા માટે થઇ ગયા.

રસોડુ સંભાળતા ભક્તો એ કુબેરભાઈને સલાહ આપી કે ઝટ બીજી રસોઈ કરાવો, પછી જ જમવાની પંગત પાડો, આથી કુબેરભાઈ, પિતાંબરભાઈ, તુલસીભાઇ, જીવનદાસભાઈ વગેરે સહુ તુરતંજ હાથવગી થાય એમ રસોઈ બનાવવાની ધમાલમાં પડયા, તે વાતની જાણ અંતર્યામીપણે શ્રીજીમહારાજને થઈ. પોતે બેઠકે થી મંદ મંદ હસતા થકા રસોડે આવ્યા. હાથમા સોટી ફેરવતા ફેરવતા શ્રીજીમહારાજે કૂબેરભાઇ પિતાંબર ત્રવાડી વગેરે સૌ ભક્તોને પાસે બોલાવ્યા., કુબેરભાઈને મહારાજે કહ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા ન કરો, સૌને જમવાની પંક્તિ પાડો, રસોઈ જરાય નહિ ઘટે, આટલી રસોઈમાં તો સહુ સંઘના ભક્તો અને આખું ગામ જમશે તો પણ નહિ ખૂટે !

જાણ્યું અંતર્જામીએ જયાંય, સભામાંથી ઉભા થયા હરિરાય ગયા રસોડામાં સુખધામ, કહ્યું કુબેરભાઈને આમ..! તમે ચિંતા ન કરશો કાંઈ, નહિ ખૂટે રાંધેલી રસોઈ..! થાળ અમારો પીરસી લાવો, સૌને જમવા સારું બોલાવો..! તેથી વહાલાનું વચન માની, પાડી પંગત ત્યાં જમવાની, પૂરું થાશે પહેલે ફેરે કેમ, હતો જનના મનમાં વહેમ..! માની નહિ સલાહ અમારી, આગેવાનોએ એવું વિચારી..! કહ્યું પિરસનારાને આમ, દેજ્યો તાણ કરી કરીને તમામ..! જમનારા થાકી ગયા જન, રહયા અખૂટ રાંધેલા અન્ન..! જને આવીને જોડિયા હાથ, આવું નહોતું જાણ્યું અમે નાથ..! આવ્યો વિશ્વાસ અમારે મન, તમો સાક્ષાત છો ભગવન..! મંદ હાસ્યે કહ્યું મહારાજે, ગામ સમસ્ત જમાડો આજે..! ઢોલ વગાડી પડાવ્યો સાદ, સહુ આવજો લેવા પ્રસાદ..! જમ્યું ધુમાડાબંધ એ ગામ, તોય રહયા ભરચક ભરેલા ઠામ..!

  • પૂરુષોતમ ચરિત્ર પુષ્પમાલા પુષ્પ ૬૩ કડી ૧૬ થી ૩૩

એ વખતે આવેલા દ્વેષીલોકોએ ખુબ જ તાણ કરી કરીને ભોજન પીરસાવ્યુ, તો પણ રસોઈ ન ખૂટી. સહુ સંઘના ભક્તો અને સર્વે ગામલોકો પણ ખુબ જમ્યા તો પણ રસોઈ એટલી અને એટલી રહી ! કુબેરભાઈ તો આ જાણીને અતિ આનંદિત થયા ને શ્રીહરિનો ઐશ્વર્ય પૃતાપ જોઇને તુરંત જ આખાયે વિહાર ગામમાં ઢોલ વગડાવીને સહુને જમવા આવવા માટે સાદ પડાવીને આખું ગામ જમાડીને તૃપ્ત કર્યું ! તેમ છતાં જમવાનું વધ્યું ! આ પ્રગટ પરચો જોઈને આખું વિહાર ગામ શ્રીજીમહારાજ પાસે સત્સંગના વર્તમાન લઈને આશ્રિત થયું !

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૯ની કડી ૨૯થી૩૧માં આ ભક્તો ને ચિંતવતા લખ્યું છે કે..

હરિભક્ત દ્વિજ પિતાંબર, કહું કણબી ભક્ત સુંદર..! કૂબેર તુલસી ને રામજી, જીવણ નરસૈ શંકર શામજી..! કલ્યાણ જન રતનબાઇ, ભક્ત એક કણબી કૂળમાંઇ..! હેમચંદ રામચંદ જન, ભાવસાર એ ભક્ત પાવન..! હરિજન છે જગો સુતાર, દ્વિજ માનું વિહાર મોઝાર…!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏