ઉત્તર ગુજરાત મા કરજીસણથી સાવ નજીક ૪-૫ કીલોમીટરના અંતરે વડું ગામ આવેલું છે. આ વડું ગામના માનાજી ગોહીલ (દરબાર) શ્રીહરિના એકાંતિક પૃેમીભક્ત હતા.

Gujarati

વડુંના માનાજી ગોહીલ અને શ્રીજી મહારાજ

ઉત્તર ગુજરાત મા કરજીસણથી સાવ નજીક ૪-૫ કીલોમીટરના અંતરે વડું ગામ આવેલું છે. આ વડું ગામના માનાજી ગોહીલ (દરબાર) શ્રીહરિના એકાંતિક પૃેમીભક્ત હતા. શ્રીજીમહારાજ કરજીસણથી વડું ગામે પધારી ને ગામમાં આ માનાજીબાપુના ઘરે સહુ સંતો ભક્તો અને કાઠી દરબારોને રોંઢો જમાડવાની દિવ્યલીલા કરી છે. બન્યું એવું કે એકવખત શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજતા હતા. દરબારગઢમાં લિંબતરુતળે સભામા શ્રીહરિ પોતે અક્ષરધામથી પધાર્યા ની વાત કરતા હતા. પોતે પોતાના અક્ષરમુક્તો સાથે અનેક જીવોને પોતાના શરણમાં લેવા માટે અને મોક્ષની વાટ છુટી મુકવા સારુ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા, તે હેતુ તો કેમ ભૂલે ? આથી મહારાજે સંતો-ભક્તોની સભામાં પ્રશ્ન પૂછ્યો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગને ભક્તચિંતામણીની પ્રકરણ ૮૩ મા નોંધતા લખ્યું છે કે…

રહયા ગઢડે ચાતુર માસ, પછી એમ બોલ્યા અવિનાશ..! કોઈ નર આપે અન્ન ધન, કોઈ વસુધા વારી વસન..! કોઈ આપે ગજ વાજ ગાય, બીજા બહુ દાન જે કહેવાય..! સર્વે દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ..! વળતા બોલ્યાં સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ..! અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી..! તે દાન તો તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય..! એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત..!

આમ સંતોએ કહ્યું એટલે શ્રીજીમહારાજ સર્વે કાઠી ભક્તોના સંઘ સાથે સર્વે દાનથી મોટું અભયદાન આપવા સારુ નીકળ્યા ! ગુજરાતમાં ફરતા ફરતા કરજીસણ ગામે જઈને બે દિવસ રોકાયા, ત્યાંથી નજીકમાં આવેલ ગામ વડું પધાર્યા. ગામના રાજા માનાજી દરબારે પોતાના દરબારમાં ઉતરવા પ્રાર્થના કરી, પરંતુ મહારાજ તો સંઘ સાથે ગામ બહાર જ ઉતરવાનું નક્કી કર્યું, એટલે માનજી દરબારે તત્કાળ દરબારમાંથી તંબુ મગાવ્યા. શ્રીજીમહારાજની મરજી મુજબ તંબુઓ તૈયાર થઇ ગયા, તે તંબુઓમાં સર્વે ત્યાજ રાત રહયા, રાત્રે જમીને સહુને સભામાં શ્રીહરિના એ દિવ્ય દર્શનનો લાભ મળ્યો. ભવબૃહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવી પૃાપ્તિ પામીને સહુ ધન્ય થયા. બીજે દિવસે બપોરે માનાજી દરબારે ખુબ સ્નેહથી રસોઈ કરાવીને સૌને જમાડ્યા. બપોર પછી સર્વે દરબારો અને શ્રીજીમહારાજ બાજુના પાનસર ગામ જવા માટે દરબારો ઘોડે સવાર થયા. સર્વે દરબારોને રોંઢે કોરડય્ વગેરે કરવાની ટેવ તે માનાજી દરબારે શ્રીહરિને રોંઢો કરીને જવાનો આગ્રહ કર્યો. મહારાજે કહ્યું જે તૈયાર હોય તે લઇ આવો, સહુને આહી જ પીરસીને જમાડીએ. ત્યાજ ઘોડેસવાર થયા થકા જ શ્રીહરિએ લીલા કરીને સહુને જમાડ્યા. સખા હતા ઘોડે અસવાર, ઘોડા ઉભા રાખ્યા ગોળાકાર..! દહીં દૂધ અને સાકર સાથે, પેટ ફાટ પાયું ઘોડા માથે..! સંતોને સ્નેહથી પીરસાવ્યું,વધ્યું તે તુંબડામાં ભરાવ્યું..! બહુ રાજી થયા હરિવર, પ્રભુ ત્યાંથી પધાર્યા પાનસર..! -પૂ,ચ,પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૬૩ કડી ૧૦૦ -૧૦૨

દરબારને ઘરે ભેંસોનું ખુબ સારું દૂઝાણું હતું, એટલે દૂધ દહીંના ગોરહડા ભરેલા તૈયાર હતા તે મહારાજે દૂધ લાવવા કહ્યું. સૌ કાઠી દરબારોને ઘોડાઓ ઉપર બેઠા બેઠા જ કુંડાળામાં ઉભા રાખ્યા. શ્રીજીમહારાજ પોતે પીરસવાના છે તેથી સૌ દરબારો તો રાજી થઇ ગયા ! માથા ઉપરની આંટીયાળી પાઘડીઓમાંથી તાંહળીયુ કાઢીને સૌ તૈયાર થઇ ગયા ! મહારાજે આજ્ઞા કરી કે કોઈ ઘોડેથી હેઠા ન ઉતરે ! માનાજી દરબારના સેવકો દૂધમાં સાકર નાખીને તેના ઠામ ભરી ભરીને લાવ્યા, શ્રીજીમહારાજ તેમાંથી જ પોતાના હાથે સૌને પીરસવા લાગ્યા, સૌ દરબારો તો મન મૂકીને આવો પ્રસાદ લેવા માંડયા ! આમ મહારાજે ખુબ દૂધ સાકર જમાડયા ! દરબારો ઘોડે બેઠા બેઠા તાંસળીઓ મોઢે માંડીને દૂધ-સાકર પીતા જાય ! માનાજી દરબાર પણ ખુબ દૂધ પીવા માટે દરબારોને હાંકલા પડકારા કરતા જાય ! મહારાજની આવી મહારાજની લીલા જોઈને ગામધણી માનાજી દરબાર પોતાની બધીય લૌકિક મોટાઈ ભૂલીને તાળીઓ પાડતા જાય ને અંતરમા એ મનોહર મૂરત ને ઉતારતા જાય. તે વડું ગામમાં હાલ પણ માનાજી ગોહિલના દરબારગઢના દર્શન થાય છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ પૃેમીભક્તોનું ભક્ત ચિંતામણી ગ્રંથમાં ૧૧૯ ની કડી ૭૦મા ચિંતવન ગાન કર્યું છે કે…

ક્ષત્રી માનોજી ઉમોજી કહીએ, કણબી ગોકુળ તુલસી લહીએ..! પુરુષોતમ રબારી રતનો, ભક્ત વડુંએ જાણજયો જનો..!!

  • શ્રી ભકતચિતામણીના મુક્તોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏