એકવખત શ્રીહરિ અમદાવાદથી ૪૨ કીમી આઘેરા આવેલા પાનસર ગામથી સહુ સંતો-ભક્તો સાથે સંઘમા ચાલ્યા ને ઓળા ગામે પધારવા સારુ નીકળ્યા હતા.
Gujarati
ઓળાના રતનબેન પટેલ અને શ્રીજી મહારાજ
એકવખત શ્રીહરિ અમદાવાદથી ૪૨ કીમી આઘેરા આવેલા પાનસર ગામથી સહુ સંતો-ભક્તો સાથે સંઘમા ચાલ્યા ને ઓળા ગામે પધારવા સારુ નીકળ્યા હતા. ઓળા ગામના ભક્તોને શ્રીજીમહારાજે પાર્ષદ મોકલીને સમાચાર મોકલાવ્યા, ગામના સહુ ભક્તોના હૈયામાં આનંદ આનંદ થઇ ગયો, સૌ શ્રીજીમહારાજ પધારે છે તો ગામમાં ધામધૂમથી સામૈયા, પધરામણી, સંઘને રસોઇઓ કરીને જમાડવા, સહુના ઉતારા વગેરેની સેવામાં વ્યસ્ત થઇ ગયા ! એટલામા તો શ્રીજીમહારાજ ની પધારવાની વધામણી આવી ! ગામના સૌ લોકો સામૈયુ લઇને ગામની ભાગોળે સન્મુખ આવ્યા. સહુ પોતપોતાના સંકલ્પ પૃમાણે શ્રીહરિને વધાવવા સારુ કુમકુમ, ચોખા, ફૂલહાર કે વસ્તુ પદાર્થ લઇને આવ્યા હતા, આ વખતે ઓળા ગામના જ પૃેમીભકત રતનબેન પટેલ પણ આવીને ગામની બીજી સ્ત્રીઓની સાથે વાટ જોઇને ત્યાં ઉભા હતા. રતનબેને શ્રીજીમહારાજ પોતાને ગામ પધારે છે તેવી વધામણી સાંભળીને જાણે કે પોતાના ઘરે વિવાહ પ્રસંગ હોય તે રીતે તેમણે પોતાનું ઘર શણગાર્યું, આસોપાલવના તોરણ બાંધ્યા, ટોડલે તોરણ-ચાંકળાઓ બાંધ્યા, શેરીએ પાણી છંટકાવ્યા, જેમ વરરાજાને માંડવે પોંખવા જેવી બધી તૈયારી હોય તેવી તૈયારી કરી ! રતનબેને નવું પાનેતર, ચૂંદડી પહેરીને ધર્મકુંવરને પોંખવા તૈયાર થયા ! સત્સંગના સ્ત્રીભક્તો અને એમના કુટુંબના સ્ત્રીઓ પોખણાના ગીતોની રમઝટ બોલાવવા લાગ્યા ! જાણે જાન આવતી હોય તેમ તેમના ઘરની શેરીમાં ઢોલ વાગવા લાગ્યા ! આ પૃેમીભક્તે એ સમે તમામ લોકલાજનો ત્યાગ કરીને જેમ લોકમા સૌ કોઇ તોરણ આવેલા વરરાજાને પોંખે તેમ હેતે કરીને શ્રીહરિને પોંખણા લીધા. ધર્મકુવર રતનબેનને ઘરે પધાર્યા. ગોર મહારાજ હાથમાં થાળી લઈને વરરાજાને વધાવવાના મંત્રો બોલવા લાગ્યા ! વરરાજાને પોંખે તેમ પોંખીને ઓવારણા લઈને વધાવ્યા ને શ્રીહરિના કોમળ ગાલ ખેંચ્યા ! પછી ચરણમાં મસ્તક મૂકીને હૈયે પૃેમના આંસુ સહ શ્રીજીમહારાજના ચરણ ધોયા !
પાનસરથી કર્યો પ્રવાસ, ઓળા ગામે આવ્યા અવિનાશ..! પ્રેમી ભક્ત પટેલ મોજાર, જેને હરિમાં હેત અપાર..! જાણો રૂડું રતનબા નામ, નામ પ્રમાણે ગુણ તમામ..! વાલાજીની વધામણી જાણી, અતિ ઉમંગ ઉરમાં આણી..! બાંધ્યા તરિયા તોરણ બાર, બાંધ્યો મંડપ સુંદર સાર..! શણગાર સજી સહુ નારી, ગીત ગાતી આવી બહુ બારી, આવ્યા રતનબા સહુ સંગે, વાલાજીને વધાવ્યા ઉમંગે..! શોભે હાથમાં પૂજાનો સાજ, તજી લોક ને કુળની લાજ..! વરરાજાને પોંખે જે પેર, એમ વધાવ્યા હરખભેર..! -શ્રીપૂરુષોતમ ચરિત્ર પૂષ્પ ગુચ્છ ૬ પુષ્પ ૫૭
આ સમયે ઓળા ગામના આ સ્ત્રીભકતએ તમામ લોકલાજ કે કુળના રૂઢી-રિવાજોને કોરે મુકીને લોકમર્યાદા ઉલ્લઘન થાય તો ભલે થાય એમ દ્રઢ નિશ્ચય સાથે પોતાના ઘરે ધામધૂમથી સામૈયું કર્યું હતું, શ્રીહરિ પણ પોતાના ભક્તોના મનના તમામ મનોરથ પુરા કર્યા.
શ્રીજીમહારાજ સત્સંગમા વિચરતા ઘણી વખત આ ઓળા ગામે પધાર્યા છે, ઓળા ગામમાં હાલમાં પણ ખુબ સારો સત્સંગ છે, ઓળા ગામમાં ઘણા મહારાજના પ્રસાદીના સ્થાનો છે, તેમાં રતનબેનનું ઘર પણ આવેલું છે.
આ પૃેમીભક્તને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ ૧૧૯ની કડી ૧૦માં ચિંતવ્યા છે કે…
ભક્ત કાકુજી ને કાશીદાસ, શિધરદાસનો ઓળા માં વાસ..! રુડા ભક્ત છે બાઇ રતન, એહ રહે ઓળે હરિજન..!!
- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏